ભારત દેશમાં અત્યાર સુધી માત્ર અખબારો અને સમાચાર ચેનલો માટે જ નોંધણી કરાવવી ફરજિયાત છે. અખબાર અને સમાચાર ચેનલોની જેમ ન્યુઝ વેબ પોર્ટલ માટે આવી કોઈ વ્યવસ્થા હાલમાં નથી. હવે કેન્દ્ર સરકાર ‘પ્રેસ એન્ડ રજીસ્ટ્રેશન ઓફ પીરિયડિકલ બિલ’ લાવવા જઈ રહી છે. ડિજિટલ મીડિયાને પણ તેના દાયરામાં લાવવામાં આવશે.
કેન્દ્ર સરકાર ડિજિટલ મીડિયાને નિયંત્રિત કરવા અને તેને અખબારની સમાન ગણવા માટે એક બિલ લઈને આવી રહી છે. આ બિલને કાયદાકીય માન્યતા મળ્યા બાદ અખબારોની જેમ ન્યૂઝ વેબ પોર્ટલની નોંધણી કરાવવી જરૂરી બની જશે. અત્યાર સુધી આ નિયમ માત્ર અખબારો અને સમાચાર ચેનલો પર જ લાગુ છે.
વાસ્તવમાં કેન્દ્ર સરકાર 155 વર્ષ જૂના પ્રેસ એન્ડ રજીસ્ટ્રેશન ઓફ બુક્સ એક્ટને નાબૂદ કરવા જઈ રહી છે. તેનું સ્થાન ‘પ્રેસ એન્ડ રજીસ્ટ્રેશન ઓફ પીરીઓડીકલ બિલ’ દ્વારા લેવામાં આવશે. આ બિલ અખબારો માટે નવી અને સરળ નોંધણી સિસ્ટમ હશે, આ અંતર્ગત ડિજિટલ મીડિયા પણ લાવવાની તૈયારી છે. માનવામાં આવે છે કે કેન્દ્ર સરકાર ચોમાસુ સત્ર દરમિયાન જ આ બિલ રજૂ કરી શકે છે.
માહિતી અનુસાર, આ બિલ પ્રેસ એન્ડ રજિસ્ટ્રેશન ઑફ બુક્સ (PRB) એક્ટ, 1867નું સ્થાન લેશે. આ અંતર્ગત મધ્યમ અને નાના પ્રકાશકો માટે પ્રક્રિયા સરળ રાખવામાં આવશે અને પ્રેસની સ્વતંત્રતાના મૂલ્યો જાળવવામાં આવશે.
ડ્રાફ્ટ 2019માં તૈયાર કરવામાં આવ્યો હતો
સરકારે 2019માં જ પ્રેસ એન્ડ રજીસ્ટ્રેશન ઓફ પીરિયડિકલ બિલનો ડ્રાફ્ટ બહાર પાડ્યો હતો, જેમાં અખબારોની નોંધણીની પ્રક્રિયાને સરળ બનાવવા ઉપરાંત, ડિજિટલ મીડિયાને તેના દાયરામાં લાવવાની જોગવાઈ છે.
2019ના ડ્રાફ્ટ બિલમાં ‘ડિજિટલ મીડિયા પરના સમાચાર’ને ‘ડિજિટલ ફોર્મેટમાં સમાચાર કે જે ઈન્ટરનેટ, કમ્પ્યુટર, મોબાઈલ નેટવર્ક પર પ્રસારિત થઈ શકે’ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યા હતા. આમાં ટેક્સ્ટ, ઑડિયો, વિડિયો અને ગ્રાફિક્સનો સમાવેશ થાય છે.