બનાસકાંઠા જિલ્લામાં દાંતીવાડા ડેમના છેવાડાના ભાગ એટલે કે રણાવાસ ગામની સીમમાં ડેમમાં ભરાયેલા પાણીમાં ડુબતા માણસને પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદથી સહી સલામત બહાર કાઢી બચાવી લીધો છે.
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસમાં પડેલા ભારે વરસાદના કારણે બનાસ નદીમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થવાથી દાંતીવાડા અને આજુબાજુ ગામના લોકો ડેમનું પાણી જોવા આવતા હોય છે.
આ દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારીના ભાગરૂપે દાંતીવાડા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટરશ્રી એસ.ડી.ચૌધરી તથા પોલીસ સ્ટાફના માણસો ગઇકાલ તા.૧૮ ઓગષ્ટ- ૨૦૨૨ના રોજ સાંજના સાતેક વાગ્યાના સુમારે બંદોબસ્ત પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ખાનગી રાહે જાણવા મળ્યું કે, દાંતીવાડા ડેમના છેવાડાના ભાગે અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના રણાવાસ ગામની સીમમાં ડેમમાં ભરાયેલ પાણીમાં કોઇ માણસ ડુબે છે તેવી હકીકત જાણવા મળતા ડેમ ઉપર હાજર સ્થાનિક તરવૈયા ચંપુસિંહ ધુડસિંહ વાઘેલા તથા બાબરસિંહ જગતસિંહ વાઘેલા બંને રહે. રામનગર તા.દાંતીવાડા તથા પોલીસ સ્ટાફના માણસોને સાથે લઇ તાત્કાલીક રણાવાસ ગામની સીમમાં ડેમના છેવાડાના ભાગે ગયા તે સમયે અંધારુ થવા આવ્યું હતું તે વખતે એક માણસ પાણીમાં ડુબતો હોઇ બચવા માટે બચાવો….બચાવો….ની બુમો પાડતો હોઇ જેથી તાત્કાલીક ઓપરેશન હાથ ધરી સ્થાનિક તરવૈયાઓને પાણીમાં ઉતારી ડુબતા માણસને બહાર કાઢી બચાવી લીધો અને તે માણસનું નામ પુછતા પોતાનુ નામ કીકાભાઇ સોનાભાઇ ડુંગાઇચા રહે. ઉપલાખાપા તા. અમીરગઢ વાળો હોવાનુ જણાવ્યું છે અને રણાવાસ ગામના પરાગભાઇ રામાભાઇ મુંજીના ખેતરમાં ભાગેથી ખેતી કરે છે અને પોતાના છાપરા ઉપરનુ પ્લાસ્ટીકનુ મીળીયુ પાણીમાં તણાઇ ગયું હોવાથી તે લેવા માટે પાણીમા ઉતર્યો હતો.
તેને દાંતીવાડા પોલીસે તરવૈયાઓની મદદથી પાણીમાંથી સહી સલામત બહાર કાઢી તેમના ભાઇ અનાભાઇ સોનાભાઇ ડુંગાઇચા તથા ખેતર માલીક પરાગભાઇ રામાભાઇ મુંજી રહે.રણાવાસ વાળાને બોલાવી તેઓને સુપરત કરી દીધો છે. પાણીમાં ડુબતા માણસને બચાવી દાંતીવાડા પોલીસે એક વ્યક્તિને નવજીવન પ્રદાન કર્યુ છે તેથી પોલીસની કામગીરીની પ્રશંસા થઈ રહી છે.
અંબાજી પ્રહલાદ પૂજારી