જગપ્રસિદ્ધ ભગવાન શ્રીકૃષ્ણ અને પરમ વંદનીય પિતામહ ભીષ્મ એ તેમની માતાનું આઠમું સંતાન હતા. તેના આધાર ઉપરથી કહી શકાય કે આઠમું સંતાન સર્વગુણી, સર્વવ્યાપી અને સર્વશ્રેષ્ઠ જ હોય…
હા!..
આ ઈતિહાસ છે, તેજસ્વી, ખમીરવંતી, કાર્યદક્ષ, ગૌરવવંતી, દેશપ્રેમી, ધીરતા અને વીરતાનું પ્રતિક તથા ત્યાગ અને બલિદાનની મૂર્તિ એવી ભારત દેશની આર્ય માતા રંભાબા અને નખશિખ ઈમાનદાર, કાયદાના જાણકાર, સ્પષ્ટવકતા, ગરીબોના બેલી, વફાદાર, ખંતીલા, નીડર અને સાહસિક એવા વિસાવદર પંથકનાં અદકેરા આદરણીય રાજપુરુષ હરીબાપાનાં (હરિલાલ શામજી- જલદ પ્યાલો) આઠમાં સંતાન એવા ધર્મેન્દ્ર રાખોલીયાનો.
સંતાન રૂપે છ પુત્રી અને એક પુત્રની પ્રાપ્તિ થઈ હોવા છતાં માતા રંભાબાને જીવનમાં કંઈક અધૂરપ વર્તાતી. વર્ષ 1982ના ઐતિહાસિક કાળની આ વાત છે. પ્રભુકૃપાથી માતા રંભાબાને ફરી ગર્ભ રહે છે. આઠમું સંતાન આવવા જઈ રહ્યું છે ત્યારે બાળપણથી શ્રીકૃષ્ણની વાતો સાંભળીને મોટા થયેલા ભક્તિ ભાવવાળા રંભાબાને સહજભાવે માતા દેવકીની યાદ આવી જાય છે અને તેના સ્મરણ માત્રથી અંગે અંગમાં ધ્રુજારી વ્યાપી જાય છે. મનોવાંછિત ફળ રૂપે તેઓ આઠમા સંતાનરૂપે એક કૃષ્ણ જેવો જ દીકરો ઈચ્છતા હોય છે.
આ આઠમી ગર્ભાવસ્થા દરમિયાન શિવરાત્રીની વહેલી સવારે તેઓ નાની મોણપરી ગામના શિવ મંદિરે મહાદેવના દર્શને જઈને મનોમન પ્રાર્થના કરે છે.
“હે, ભગવાન! તું આ વખતે મને દીકરો જ આપજે હો!.” મારા સ્વાર્થ માટે નથી માંગતી હો ભોળા! ભલે ને એ મોટો થઈને સમાજ માટે જીવે, સાધુ બની જાય કે પછી મા ભોંમના રખોપા કરે… પણ વહાલા તું આપજે મને આઠમાં સંતાનરૂપે દીકરો જ હો!…
“આંઠ નંબરનો આંકડો, જીવ ઘણો બેબાકળો,
હોય જો કુખે દીકરો! તો ભારતમાતા! એ સહિયારો આપણો”
આવી મનોવાંછિત પ્રાર્થના કરીને એ ગર્ભિત માતા જ્યારે ઘરે પાછી ફરે છે ત્યારે જાણે આકાશવાણી થઈ હોય તેમ મહાદેવના આશીર્વાદરૂપી અંતરાત્મા માંથી હકારનો નાદ સંભળાય છે.
પેટ ઉપર હાથ મુકતા રંભાબા આઠમા બાળકના અવતરણની ચાતકની જેમ રાહ જોઈ રહ્યા હતા. એ આતુરતાભરી વેળાનો અંત આવે છે અને 11 જૂન, 1982 ના દિવસે એ ખમીરવંતી માતાની કુખે રુપરુપના અંબાર સમો તેજસ્વી અને દેદીપ્યમાન ચાંદ સરીખું મુખ લઈને આઠમો દીકરો અવતરે છે. માતાનું માતૃત્વ અને પિતાનું પ્રભુત્વ પુત્રજન્મનો મહોત્સવ ઉજવે છે. પરિવારમાં સૌથી નાનો હોવાને લીધે ધર્મેન્દ્ર મોટા ભાઈ-બહેનો તેમજ માતા પિતાના અખૂટ વહાલ અને પ્રેમમાં ખૂબ લાડકોડથી મોટો થાય છે.
પા પા પગલી ભરતા ભરતા બાળપણેથી જ મહાન પિતાના ઉજળા સંસ્કારોનું સિંચન અને મોટા મહેન્દ્રભાઈનું વાત્સલ્ય તેને ખૂબ આદર્શ વ્યક્તિત્વ કંડારવાની રાહ ચીંધે છે. પણ હવે… કાળ તેની કાળી નજર આ હર્યાભર્યા પરિવાર ઉપર નાંખે છે.
“કાળની ગતિ છે ન્યારી, તો યે છે સૌને પ્યારી”.
ધર્મેન્દ્ર જ્યારે માત્ર સાત વર્ષનો હતો, મોટાભાઈ મહેન્દ્ર માત્ર ૧૯ વર્ષના હતા અને માતા રંભાબા ભરયુવાનીમાં હજુ તો ચાર દાયકા વટાવીને પાંચમા દાયકામાં મંગળ પ્રવેશ કરે એ વેળાએ જ પરિવાર ઉપર આભ તૂટ્યું. પરિવારના મોભી અને ભરયુવાનીમાં કદાવર ખ્યાતિ પામેલા જાજરમાન વ્યક્તિત્વ સમો હરીબાપાનો દેહ પંચમહાભૂતમાં વિલીન થયો. ઘરની તમામ જવાબદારીઓ હવે વિધવા માતા અને ૧૯ વર્ષના મોટાભાઈ મહેન્દ્ર ઉપર આવી પડે છે.
માતાનું માતૃત્વ અને મોટાભાઈનું વાત્સલ્ય બાળ ધર્મેન્દ્રના જીવનમાં સંસ્કારો અને દેશભક્તિ ભરી ગયું.
જ્યારે જ્યારે શાળામાં “જય હિન્દ” બોલવાનું થતું ત્યારે ધર્મેન્દ્ર ભારે તાનમાં આવી જતો. આ સાથે સૌરાષ્ટ્ર જ્ઞાનપીઠ, સમોઝાદ વિદ્યામંદિર અને અમદાવાદમાં આવેલી ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરતી વખતે શાળામાં ઉજવાતા રાષ્ટ્રીય પર્વોના સાંસ્કૃતિક કાર્યક્રમોમાં વિદ્યાર્થી ધર્મેન્દ્ર આગળ પડતો રહીને હરેક પ્રવૃત્તિમાં ભાગ લેતો. કદાચ એમના અદકેરા વ્યક્તિત્વની ઓળખ ઊભી કરવા અને દેશભક્તિના સમન્વયમા એમની આ શૈક્ષણિક માતૃસંસ્થાઓનું યોગદાન પણ સિંહફાળે રહ્યું છે.
વર્ષ ૧૯૯૯ – ૨૦૦૦ માં ધર્મેન્દ્ર ધોરણ ૧૨ સાયન્સની પરીક્ષા આપે છે. એ વર્ષોમાં તાજેતરમાં જ પૂર્ણ થયેલું “કારગીલનું યુદ્ધ” અને “બોર્ડર” પિક્ચર તેમની ઉપર ખૂબ ઊંડી અસર કરી જાય છે. યુવાનીનો જોશ ધર્મેન્દ્રને AK-47 લઈને હિમાલયની બર્ફીલી ચટ્ટાનો ઉપર જવા લલકારે છે. માતાના રૂડા આશીર્વાદ તેમજ પોતાની ભારેખમ મહેનત થકી ધર્મેન્દ્ર માત્ર 18 વર્ષની ઉંમરે જ આર્મીમાં પ્રથમ પ્રયત્ને પસંદગી પામે છે.
આર્મીમાં જોડાવાનો એપોઇન્ટમેન્ટ લેટર ઘરે આવે છે ત્યારે ઘરના દરેક સદસ્યો ધર્મેન્દ્રને લશ્કરમાં જવાની ના પાડે છે અને માતા રંભાબાને કહે છે કે તમે ના પાડશો તો ભાઈ નહીં જાય! તમે વાત કરો ને! કેમ તમે ભાઈને કંઈ કહેતા નથી? ત્યારે માતા રંભાબા એટલું જ કહે છે કે, “ભાઈ આજથી ૧૮ વર્ષ પહેલાં જ્યારે મારા ગર્ભમાં હતો ત્યારે હું મનોમન ભગવાનને સમર્પિત કરી ચુકી છું, મેં ત્યારે જ ભાઈને સમાજ અને દેશ માટે સમર્પિત કરી દીધો હતો. આજે એ સમય આવી ગયો છે જ્યારે મારો દીકરો ભારત દેશના રખોપા કરવા જઈ રહ્યો હોય ત્યારે મારાથી પાછી પાની કેમ કરાય?”
માંગેલો રંભાબાએ દીકરો,
અડગ, અલબેલો ને અદકેરો.
એ સમયે ગમગીન અને લાગણીભર્યા વાતાવરણ વચ્ચે ૧૮ વર્ષનો લવરમુછીયો ધર્મેન્દ્ર માતાના ચરણ સ્પર્શી મોટાભાઈના સુખદ આશિષ લઈને બહેનોને રડતી મૂકીને સમાજને સુરક્ષિત રાખવા, પિતાજીનું સ્વપ્ન સાકાર કરવા અને આ દેશના લોકોની દિવાળી ઉજાળવા પોતે લોહીની હોળી રમવા નીકળી પડે છે.
ઈશ્વરે પણ માતા રંભાબાની આકરી અગ્નિપરીક્ષા લીધી. હજુ તો ધર્મેન્દ્રને ગયાના માંડ બે વર્ષ પૂર્ણ થયેલા. ધર્મેન્દ્ર “ઓપરેશન પરાક્રમ” હેઠળ જેસલમેર ખાતે લોન્ગેવાલા બોર્ડર પર તૈનાત હોય છે બરોબર એ વેળાએ અત્યંત આઘાતજનક સમાચાર મળે છે કે, “તમારા મોટાભાઈ મહેન્દ્રભાઈ હવે નથી રહ્યાં”. હે! ભગવાન! પિતાજીના સિદ્ધાંતોને શિરે ચડાવી તેના અધૂરા કાર્યોને પૂર્ણ કરવા સમાજસેવામાં નીકળી પડેલા મોટાભાઈના આકસ્મિત મૃત્યુના સમાચાર મળતા જ ધર્મેન્દ્રનો મગજ સુન્ન થઈ જાય છે.
સમયસર એક પછી એક વરા-પ્રસંગ કરવા, નાના ભાઈ-બહેનોને ભણાવવા સાથે સાથે પોતાની કારકિર્દી પણ બનાવવી વગેરે જેવી પરિસ્થિતિનો સામનો મોટાભાઈને એકલાહાથે કરવો પડ્યો હતો. અને એ પણ માત્ર જાત મહેનત વાળી ખેતી માંથી જ, આવકનો બીજો કોઈ સ્રોત નહોતો. પોતે ખૂબ કુશળ હતા પરંતુ નાની ઉંમરે આવી પડેલી આ મોટી જવાબદારીઓએ એમને ભાગ્ય અજમાવવા બીજે ક્યાંય જવાની પરવાનગી જ નહોતી આપી. યુવાનીમાં પગલું માંડતા જ ઘરની સંપૂર્ણ જવાબદારી મોટાભાઈ પર આવી જતા તેઓએ એમનું નૂર, ખંત અને ખુમારી તમામ આવેલી જવાબદારીના કામોમાં જોતરી દીધું હતું. અને ખીલી ઉઠ્યું હતું એક આગવી કોઠાસૂઝ, ધીરજ, લાગણી, સાત્વિકતા, હકારાત્મકતા, મદદ કરવાની પૂરી ભાવના, નૈતિક હિમ્મત, સાહસ અને નીડરતાથી ભરેલું વ્યક્તિત્વ.
મહેન્દ્રભાઈએ ભરયુવાનીમાં આ બધા જ ગુણો અંગીકાર કરીને ઉપરોક્ત જવાબદારી નિભાવવાની સાથે સાથે પિતાશ્રી હરિબાપાના અધૂરા કાર્યો પૂરા કરવા અને પિતાશ્રીનું નામ વધુ રોશન કરવાના સપના લઈને જાહેર જીવનમાં ઝંપલાવ્યું. માત્ર ૨૮ વર્ષની ઉંમરે વિસાવદર તાલુકા પંચાયતના ચેરમેન અને ખંભાળિયા કો-ઓપરેટીવ મંડળીના પ્રમુખ તરીકે એકવાર ચૂંટણી જીતીને બીજીવાર બિનહરીફ થઈને બિરાજ્યા. પોતાના સિદ્ધાંતો અને પોતાના ચીલે ચાલનાર મહેન્દ્રભાઈના સારા અને માનવતાભર્યા ઉમદા કાર્યો અસામાજિક તત્વોની આંખમાં કણાની માફક ખૂંચ્યા. એ માતૃભૂમિના ગદ્દારોએ 25, ઓક્ટોબર, 2002 ના દિવસે મહેન્દ્રભાઈના જીવનબાગને ઉજ્જડ કરી નાંખ્યો. એમની શ્રદ્ધાંજલિમા જુનાગઢ લોકસભાના સાંસદ એવા શ્રી ગોવિંદભાઈ શેખડા એ કહ્યું હતું, “આ પંથકમાં છેલ્લા પચાસ વર્ષથી આવો યુવાન થયો નહોતો અને આવનારા પચાસ વર્ષોમાં પણ મહેન્દ્ર જેવો બીજો નવલોહીયો કોઈ થશે નહીં!”.
પરિવાર માટે પણ આ આઘાત અસહ્ય હતો. પહેલા મોભી હરિબાપા, પછી જવાબદાર મહેન્દ્ર. ખોરડું તો રહી ગયું પણ જાણે મોભારું ઉડી ગયુ. પુરૂષ વગરનું એ મોભાદાર ઘર જાણે આત્મા વિનાના શરીર જેવું થઈ ગયેલું. એ સતત ધબકતા ઘરના ધબકારા અચાનક જ શાંત થઈ ગયા.
વિધવા માતા અને ભાભીની જવાબદારી નિભાવવી કે દેશના રાખોપા કરવા એવી અસમંજસ વચ્ચે વિસ વર્ષીય ધર્મેન્દ્ર મૂંઝાયો. માતાનું સ્વપ્ન હંમેશાં યાદ આવ્યા કરતું કે એક દીકરો મારો સમાજસેવા કરશે અને બીજો રાષ્ટ્રના રખોપા. પણ હવે માતાના સ્વપ્નોનું શુ થશે? એ સમય, એ ઘટના, એ કાળ ધર્મેન્દ્રને માતા અને પરિવારનો સાથ છોડીને રાષ્ટ્રના રખોપા કરવાની પરવાનગી નહોતો આપતો. વિચારી લીધું કે બસ હવે ક્યાંય જવું નથી. બે વિધવા માતા (રંભાબા અને માતા તુલ્ય ભાભી) તેમજ તેમના બાળકોની કાળજી રાખીને જીવન પસાર કરી લઈશ. જે માણસનું ઘર જ સલામત ના હોય તે દેશની રક્ષા કાજે માથે કફન કેમ બાંધી શકે? દિવસ રાત ધર્મેન્દ્ર આવા ભારેખમ વિચારોથી પીડાયા કરતો.
એવા સમયે એક સહનશીલ, સુશીલ, કર્તવ્ય પરાયણ, ધૈર્યવાન માતા પોતાની મહાનતાનો સાક્ષાત્કાર કરાવે છે. માતા રંભાબા તેના નવલોહીયા દીકરાને કહે છે કે, “બેટા મારો એક દીકરો સમાજસેવાર્થે શહિદ થયો છે, હું શહીદની માતા છું, કોઈ નિરાધાર કે બિચારી નથી કે તારે રાષ્ટ્રના રખોપા છોડીને અમારા માટે ઘરે રહેવું પડે.” તને મેં ભારતમાતાને સોંપી દીધો છે. તું જા! અને દેશની સેવા કર! એ જ તારા જીવનનો ઉદ્દેશ્ય છે એ જ તારું કર્મ છે. મને ગર્વ છે કે હું શહીદની અને સૈનિકની માતા છું. તું ભાભીની અને બાળકોની ચિંતા ના કર, અમે અમારું કરી લઈશું બસ તું જા આ દેશ માટે અડીખમ ઉભો રહી તારી નિઃસ્વાર્થ ફરજ બજાવ.
ધીર ગંભીર માતા રંભાબાના આ સાત્વિક અને મૂલ્યવાન શબ્દોને આજ્ઞા માની ધર્મેન્દ્ર ફરી આર્મીમાં દેશ સેવાર્થે પરત ફરે છે. આવી વિકટ પરિસ્થિતિમાં એ જવાન પોખરણ-રાજસ્થાન, કૂપવાડા-જમ્મુકાશ્મીર, નાગપુર-મહારાષ્ટ્ર અને બાડમેર જેવા દુર્ગમ પ્રદેશોમાં રહીને મિલિટરીમાં પુરા ૧૬ વર્ષ અને બે મહિનાની નોકરી પૂર્ણ કરે છે. પોખરણમાં ભડીમ… ભડીમ… છુટતા બંદૂકોના અવાજની વચ્ચે પત્નીએ આપેલો સાથ પણ બિરદાવવા યોગ્ય. બે બાળકોની ગર્ભાવસ્થા દરમિયાન પણ તેમણે ધર્મેન્દ્રને ક્યારેય પાછા નથી પડવા દીધો. રાત દિવસ અગવાડતાઓ વેઠીને પણ ધર્મેન્દ્રના જીવનના સહિયારા સાથી બની ઊભા રહ્યા. તેમનું બલિદાન પણ આજે ધર્મેન્દ્રના ઝળહળતા વ્યક્તિત્વનું મહત્વનું પાસું છે.
આ વર્ષોમાં રોજ ઘર પરિવાર સાથે એક વખત ટેલિફોનિક વાતચીત થતી. સૌ એકબીજાના હાલચાલ પૂછતાં પરંતુ આ દેશના વીર જવાનને તેની માતાએ તેની તબિયત અંગે એકપણ વાર ફરિયાદ નથી કરી કે માથું દુઃખે છે, તાવ આવ્યો છે કે શરદી થઈ ગઈ છે. શુ ખરેખર એ માતાને એ સમયમાં ક્યારેય આ દીકરાની જરૂર નહીં પડી હોય? આ દીકરો કદી યાદ નહીં આવ્યો હોય? આ કપરા દિવસોમાં તેમની બહેનો અને બનેવીઓએ તન, મન અને ધનથી આ પરિવાર સાથે અડીખમ ઉભા રહીને ખૂબ જ કાળજીપૂર્વક ધ્યાન રાખ્યું છે.
સેવાનિવૃત થઈ ધર્મેન્દ્ર ઘરે પરત ફરે છે. પત્ની, બે બાળકો અને બંને વિધવા માતાઓ સાથે રહે છે. હવે આગળના જીવનના બે માર્ગ દેખાય છે. એક તો PSI બનવાનો અને બીજો વતનમાં રહીને ખેતીવાડી સંભાળવાનો. વરદીની શું તાકાત હોય તેથી કોણ અજાણ છે? સોળ વર્ષ આર્મીની સેવા અર્પિ નિવૃત થયેલો ધર્મેન્દ્ર ત્રણ મહિના રાતદિવસ ખૂબ જ કડી મહેનત કરે છે. અડધી રાતે વાંચતા વાંચતા ઊંઘ આવતી તો પત્ની જાનકી તરફથી ગરમાં ગરમ ચા રૂપી મહેનત કરવાનું પ્રોત્સાહનબળ મળતું અને ફરી વાંચવા વળગવાની હિમંત પણ.
આખરે એ મહેનત રંગ લાવી. સમગ્ર ગુજરાતમાં ૫૪ માં નંબરે જનરલ સીટ ઉપર એક ફોજીએ PSI ની પરીક્ષા પાસ કરી અને ૨૦૧૭ માં PSI નો ગણવેશ પહેલીવાર અંગીકાર કર્યો. એ હોશીયારીનું પ્રતીક નહીં પણ સખત મહેનત, લગની ને ધ્યેયસિદ્ધિનું પરિણામ હતું. જે તે સમયે ધર્મેન્દ્ર ધોરણ ૧૨ સાયન્સમાં નાપાસ થયેલો વિદ્યાર્થી છે. તેનું કારણ થનગનતી કિશોરાવસ્થામા અમદાવાદના થિયેટરમાં જોયેલા ૯૦ થી વધુ પિક્ચરો અને મેદાનોમાં રમાતી જીવંત ક્રિકેટ મેચો. ત્યારબાદ તેની કાબેલિયત સાબિત કરવા માટે જ તેણે આર્મી જોઈન કરેલ અને જમ્મુ કાશ્મીરની દુર્ગમ પહાડીઓમાં આતંકવાદી ઓપરેશન કરવાની સાથે સાથે ઈન્ડિયન આર્મીની એકમાત્ર એવી મિસાઈલ બટાલિયનમાં ટ્રેનિંગ ઈન્સ્ટ્રક્ટર તરીકેની ફરજ પણ નિભાવેલી અને આજે તેઓ વડોદરા શહેર ખાતે ભાડાના મકાનમાં રહીને કાયદા અને વ્યવસ્થાના ભાગરૂપે પોલીસ સબ ઈન્સ્પેક્ટર તરીકેની ફરજ નિભાવી રહ્યા છે.
PSI ને પોલીસખાતાની કરોડરજ્જુ કહી શકાય. ભલભલાને હંફાવે તેવી પર્સનાલિટી વાળી જોબ. જેના માધ્યમ થકી નાનામાં નાના માણસની સેવા કરવાનો પણ મોકો મળે છે. કારણ કે PSI સમાજના દરેક લોકો સાથે અને ખાતામાં દરેક અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીઓ સાથે મન વચન અને કર્મથી જોડાયેલ હોદ્દો છે. રોકવા, ટોકવા અને ઠોકવાની પુરી સત્તા હોય છે. આ સત્તા સાથે અઢળક જવાબદારીઓ પણ શિરે હોય છે. ચોવીસેય કલાક કાયદો અને વ્યવસ્થા માટે સતત સતર્ક રહેવાની જવાબદારી! લોકોની દિવાળી ના બગાડે એ માટે એ લોકો પોતાની દિવાળી બગાડે છે. પોતાનું જ બાળક બીમાર હોય તો પાડોશીને ભલામણ કરી દવાખાને પહોંચતું કરવું પડે પછી ભલેને એ જ શહેરના બીજા દવાખાનામાં પોતે ફરજના ભાગરૂપે વ્યસ્ત હોય.
બાળપણમાં હરિબાપાએ ધર્મેન્દ્ર માટે એક સ્વપ્ન જોયેલું કે આ દીકરાને સૈનિક સ્કૂલ બાલાચડીમાં મુકવો છે. એ સમયે ધર્મેન્દ્રને ખબર નહોતી કે બાલાચડી શું છે? પરંતુ આર્મીમેન ધર્મેન્દ્રએ શહીદ મહેન્દ્રભાઈના દીકરા ઉત્તમને બાલાચડીમાં અભ્યાસ કરાવીને પોતાના માટે પિતાશ્રીએ જોયેલું સ્વપ્ન જરૂર પૂરું કર્યું.
આજે ડી. એચ. રાખોલીયા માત્ર એક્સ આર્મીમેન કે PSI જ નહીં પરંતુ એક સ્પષ્ટ વક્તા, ઉત્તમ ગાયક અને ધારદાર લેખક તરીકેનો પણ બહોળો અનુભવ ધરાવે છે. તેમના મુખેથી કોઈપણ દેશભક્તિ ગીત કે પછી શિવાજીનું હાલરડું સાંભળવાનો મોકો મળે તો વિશ્વાસથી કહું છું કે, “કોરા હૃદયનો ખૂણો લાગણીઓની ભીનાશથી પલળી જશે…”
તેમના આવા ધારદાર વ્યક્તિત્વને કંડારતા એ ખાનદાની ખોરડાને મારા વંદન… ગૌરવવંતા દેશની આર્યનારી તેમના માતાની દેશભક્તિને, એમના ત્યાગ બલિદાનને મારા વંદન… તેમની સેવા, તેમનો દેશપ્રેમ અને તેમના સમર્પણભાવે આજે આ દેશના ઉત્તમ રખોપા કરનારો, ખંતિલી ખાખીનો ધરનારો, સમાજપીડાને હરનારો, સત્યનો સાથ દેનારો, અન્યાય સામે લડનારો, અને દુશ્મનના હૈયાને કંપાવનારો વીર જવાન આપ્યો છે.
ધર્મેન્દ્ર રાખોલીયાની જ એક અસરદાર પંક્તિ અહીં રજૂ કરું છું,
પુરી દુનિયાંમે મા સદા “રોટી” બનાતી હે,
ભાગ્યશાળી હે વો મા જો “ફોજી” બનાતી હે.
આવા “આઠમાં સંતાન” રૂપી જાજરમાન વ્યક્તિત્વના જીવનને શબદ રૂપે કંડારતા મારી કલમ હદયસ્થ અત્યંત હર્ષ અને ગૌરવની લાગણી અનુભવે છે.
(જન્મ વર્ષ ૧૯૮૨- વાર્તા શબ્દ ૧૯૮૨)
(ક્યાંક લખી રાખવા જેવું : પદ, પૈસો કે પ્રતિષ્ઠાથી નહીં વ્યક્તિની સાચી ઓળખ તેના વ્યક્તિત્વથી થાય છે.)
અંકિતા મુલાણી “રિચ થીંકર”