ગઈકાલે થાઈલેન્ડના એક ચાઈલ્ડ ડે કેર સેન્ટરમાં નિવૃત્ત પોલીસ અધિકારી દ્વારા અંધાધુંધ ગોળીબાર કરવામાં આવેલ. થાઈલેન્ડના નોન્ગ બુઆ પ્રાંતમાં ઘટેલી ગોળીબારની આ હૃદયદ્રાવક ઘટનામાં ૩૭ લોકોએ તેમના પ્રાણ ગુમાવ્યા છે. આ કરુણ ઘટનામાં ૨૨ જેટલાં નિર્દોષ બાળકો પણ મોતને ભેટ્યાં છે !
પ્રાપ્ત અખબારી અહેવાલો અનુસાર નિવૃત્ત થાઈ પોલીસ અધિકારીએ ચાઈલ્ડ ડે કેર નર્સરીમા આ ગોળીબાર કર્યો હતો અને તેના પરિણામે તેની પત્ની અને પુત્ર સહીત ૩૭ લોકોએ પ્રાણ ગુમાવ્યા છે. આ તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પતા પૂજ્ય મોરારિબાપુએ પ્રત્યેક મૃતકના પરિજનોને રૂપિયા ૧૧-૧૧ હજારની સહાય પ્રેષિત કરી છે, જેની કુલ રકમ ચાર લાખ સાત હજાર થાય છે.
સને ૨૦૧૧ની સાલમાં થાઈલેન્ડમાં પૂજ્ય મોરારિબાપુ દ્વારા રામકથાનું અનુષ્ઠાન સંપન્ન કરવામાં આવ્યું હતું. એ સમયના તે રામકથાના યજમાન શિતુલભાઈ પંચમિયા અને નૈરોબી સ્થિત નિલેશભાઈ જસાણી દ્વારા સ્થાનિક પ્રસાશન અને આગેવાનોને સાથે રાખી તમામ મૃતકોના પરિજનોને સહાયતા રાશિ પહોંચતી કરવામાં આવશે.
અત્યંત કરુણ એવી આ ઘટનામાં જે બાળકો તથા અન્ય લોકો મૃત્યુ પામ્યા છે તેમના નિર્વાણ માટે પૂજ્ય બાપુએ પ્રાર્થના કરી છે, શ્રદ્ધાંજલિ અર્પી છે તેમજ તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.