વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ની જાહેરાતને પગલે તમામ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે એ માટે ચૂંટણી પંચ દ્વારા વિવિધ કાર્યક્રમો દ્વારા મતદારોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત બનાસકાંઠાના યાત્રાધામ અંબાજી ખાતે SVEEP ટીમ દ્વારા કારતક સુદ પૂનમના દિવસે દર્શનાર્થે આવેલા યાત્રિકો શ્રદ્ધાળુઓને મતદાન માટે અપીલ કરી સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા.
લોકશાહીના પવિત્ર અવસર એવા ચૂંટણીમાં દરેક નાગરિક બંધારણ દ્વારા આપવામાં આવેલ પોતાના મતાધિકારથી વંચિત ન રહે અને વધુમાં વધુ મતદાન થાય અને ચૂંટણી પ્રક્રિયામાં દરેક મતદાર પોતાની સહભાગીતા નોંધાવી શકે એવા હેતુસર મતદાન માટેની જાગૃતિના ભાગરૂપે અંબાજી ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત SVEEP ટીમ બનાસકાંઠા દ્વારા કારતક સુદ પૂનમે અંબાજી મુકામે દર્શનાર્થે આવેલ શ્રદ્ધાળુઓને મતદાન કરવા માટે અપીલ કરી સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો.
વધુમાં SVEEP ટીમ દ્વારા બસમાં મુસાફરી કરીને આવતા ભાવિકોને પણ અપીલ કરી અવશ્ય મતદાન કરીશું તેવો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો અને તેમના સંપર્કમાં આવતા ભાવિકોને પણ મતદાન માટે જાગૃત કરવાનું કહેવામાં આવ્યું હતું. ઉપરાંત જિલ્લના તમામ જાહેર સ્થળો, મંદિર, બસ સ્ટેન્ડ વિગેરે સ્થળે મતદાન જાગૃતિ માટે સામૂહિક શપથ લેવડાવવામાં આવ્યા હતા. વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨માં બનાસકાંઠા જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તેવા પ્રયત્નો SVEEP ટીમ બનાસકાંઠા દ્વારા કરવામાં આવી રહ્યા છે.
અંબાજી પ્રહલાદ પૂજારી