અમદાવાદ: ભારતીય તટરક્ષક દળ દ્વારા ગુજરાતમાં 20મી રાષ્ટ્રીય મેરિટાઇમ સર્ચ અને રેસ્ક્યૂ બોર્ડ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેશની આશરે 30 થી વધુ વિવિધ એજનસીઓના વડાઓએ ભાગ લીધો હતો.
ભારતીય તટરક્ષક દળ (ICG) દ્વારા ગુજરાતમાં કેવડિયા ખાતે વાર્ષિક મેરિટાઇમ સર્ચ અને રેસ્ક્યૂ બેઠકની શ્રેણીના ભાગરૂપે 20મી રાષ્ટ્રીય મેરિટાઇમ સર્ચ અને રેસ્ક્યૂ બોર્ડ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સર્વોચ્ચ સ્તરની આ બેઠક ભારતીય તટરક્ષક દળના મહાનિદેશક અને રાષ્ટ્રીય મેરિટાઇમ સર્ચ અને રેસ્ક્યૂ બોર્ડના ચેરમેન ડાયરેક્ટર જનરલ વી.એસ. પઠાનિયા, પીટીએમ, ટીએમની અધ્યક્ષતામાં યોજાઇ હતી. NMSAR બોર્ડમાં વિવિધ કેન્દ્રીય મંત્રાલયો/એજન્સીઓ, સશસ્ત્ર દળોના સભ્યો, દરિયાકાંઠો ધરાવતા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના કુલ 31 વડાઓ જોડાયા હતા અને તેઓ 4.6 મિલિયન ચોરસ કિલોમીટરના વિશાળ ભારતીય સર્ચ અને રેસ્ક્યૂ પ્રદેશમાં દરિયાખેડુઓ અને માછીમારો માટે રાષ્ટ્રીય મેરિટાઇમ સર્ચ અને રેસ્ક્યૂ પ્લાન તેમજ સેવાઓ પૂરી પાડવા માટે દર વર્ષે ભેગા મળીને નીતિગત મુદ્દાઓની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ઉપરાંત માર્ગદર્શિકાઓ અને પ્રક્રિયાઓ ઘડવામાં આવી જે તેની કાર્યદક્ષતાનું આકલન કરે છે. આ બેઠક દરમ્યાન ભારતીય રાષ્ટ્રીય સમુદ્રી માહિતી સેવાઓ કેન્દ્ર અને ભારતીય હવાઇમથક સત્તામંડળ દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરવામાં આવેલા સર્ચ એન્ડ રેસ્ક્યૂ સહાય ટૂલ-ઈન્ટિગ્રેટેડ (SARAT-I) સંસ્કરણ 1.0નું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
આ સૉફ્ટવેરને દરિયામાં એરોનોટિકલ આકસ્મિકતા દરમિયાન લાઇન ડેટમ પ્રોબેબિલિટી અલ્ગોરિધમને પ્રાપ્ત કરતી વખતે મોટાભાગના સંભવિત વિસ્તારના નિરૂપણને એકીકૃત કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં દરિયાઇ સુરક્ષાને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવા અને નીતિ માળખા તેમજ જાગૃતિ કાર્યક્રમો દ્વારા SAR સેવાઓના સુધારણાના ક્ષેત્રોને ઓળખવા ઉપરાંત, ICG, ISRO, મહારાષ્ટ્ર રાજ્ય મત્સ્ય ઉદ્યોગ અને કર્ણાટક રાજ્ય મત્સ્ય ઉદ્યોગના વિષય નિષ્ણાતો દ્વારા ટેકનિકલ પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ ચિંતન સત્રો અને હિતધારકો તરફથી એજન્ડા મુદ્દાઓ પર ચર્ચા સત્રો યોજવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં પુરસ્કાર સમારંભ દરમિયાન, અધ્યક્ષ દ્વારા વર્ષ 2021-22 માટે ચાર શ્રેણી હેઠળ SAR પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા જેમાં વેપારી જહાજ, માછીમારો માટે, સરકારી માલિકીના એકમ અને સમુદ્રકાઠાના એકમ માટે SAR પુરસ્કારનો સમાવેશ થાય છે. વેપારી જહાજ માટેનો SAR પુરસ્કાર ભારતીય ફ્લેગ કરેલા જહાજ MV સેન્ટિઆગો અને પનામાના ફ્લેગ કરેલા જહાજ MV એલાયન્સને, માછીમારો માટેનો SAR પુરસ્કાર પશ્ચિમ બંગાળની નોંધાયેલી માછીમારી બોટ ક્રિષ્ના નારાયણના માસ્ટર રામદાસને ઉપરાંત, સરકારી માલિકીના એકમ માટેનો SAR પુરસ્કાર ICG જહાજ અનમોલ અને કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપ વહીવટીતંત્રના MFV બ્લુફિનને સંયુક્ત રીતે એનાયત કરવામાં આવ્યો હતો, જ્યારે સમુદ્રકાંઠાના એકમ માટેનો SAR પુરસ્કાર ગુજરાત મેરીટાઇમ બોર્ડ (GMB)ને તેમના પેટા યુનિટ VTS ખંભાત વતી તાત્કાલિક બચાવ સંકલન પ્રયાસો હાથ ધરવા બદલ આપવામાં આવ્યો હતો.