ઉધોગ, સેવા અને કૃષિક્ષેત્રના સમતોલનથી વિકાસની નવી કેડી કંડારાઇ છે મંત્રી ભીખુસિંહજી પરમાર
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
સાબરકાંઠા જિલ્લાકક્ષાના ૭૪માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી અન્ન અને નાગરીક પુરવઠા, સામાજીક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી ભીખુસિંહજી પરમારની ઉપસ્થિતિમાં વડાલીની શેઠ શ્રી ભુરાલાલ છગનલાલ શાહ આર્ટસ કોલેજ ખાતે કરવામાં આવી હતી.
દેશના નામી-અનામી સ્વાતંત્રવીરોના ચરણોમાં વંદન કરી ૭૪માં પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવાતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આપણો દેશ વિશ્વની ત્રીજી મહાસત્તા તરીકે ઉભરી રહ્યો છે જેની પાછળ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનું સબળ, સશ્કત અને દિર્ઘદષ્ટીપૂર્ણ નેતૃત્વ જવાબદાર છે. દેશ દિનપ્રતિદિન વિકાસના નવા સોપનો સર કરી રહ્યો તેમાં જી-૨૦ સમીટનું આયોજન કરી સફળતાનું નવુ સોપાન ઉમેર્યુ છે. નરેન્દ્રભાઇ મોદીએ કંડારેલી વિકાસની કેડીને રાજયના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તેજ રફતારથી આગળ લઇ જઇ રહ્યા છે.
ઉધોગ, સેવા અને કૃષિ એ કોઇપણ રાજયના વિકાસના મુખ્ય આયામ છે. ગુજરાત એ એક એવુ રાજય છે જયાં આ ત્રણેયના સમતોલ વિકાસની કેડી કંડારાઇ છે. આજે ગુજરાતમાં છેવાડાના વિસ્તારમાં શિક્ષણ, કૃષિ, રોજગાર, ઉધોગ, મહિલા સશક્તિકરણ, યુવા વિકાસ, સિંચાઇ પાણી સવલતો વચંતિ-વનબંધુઓનો સહિત તમામ ક્ષેત્રોમાં સિધ્ધિના સોપાનો સર કર્યા છે.
વધુમાં તેમણે ઉમેર્યુ હતું કે, કોરોનાની મહામારી દરમિયાન ગુજરાત સરકારની પરીણામલક્ષી કામગીરીના લીધે કોરોના વેક્સિનની વ્યાપાક અને સઘન કામગીરી બદલ રાજયોની કેટેગરીમાં શ્રેષ્ઠ ક્રમ પ્રાપ્ત કરવા બદલ ઇન્ડીયા ટુડેના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે. બે દાયકા પહેલા દર્દીઓને મોંઘી શસ્ત્રક્રિયાથી વંચિત રહેવુ પડતું હતું પરંતુ આજે જન આરોગ્યની અનેક યોજનાઓનું અમલીકરણ અને ૧૯૮૬ સરકારી તેમજ ૯૧૫ ખાનગી હોસ્પિટલમાં પાંચ લાખ સુધીની સારવાર કેશલેસ સુવિધા ઉપલબ્ધ કરાવતા દર્દીઓને રાહત થઇ છે. જેમાં સાબરકાંઠા જિલ્લામાં જ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના ૬.૧૦ લાખ ગોલ્ડનકાર્ડ ઇશ્યુ કરાયા છે.
મંત્રીશ્રીએ કૃષિક્ષેત્રે રાજય અગ્રેસર હોવાનું જણાવતા કહ્યુ હતુકે, કૃષિ વિકાસનો દર ડબલ ડિઝીટમાં પંહોચ્યો છે. રાજયમાં ૪૫ લાખ મેટ્રીક ટન મગફળી ખરીદી કરાઇ છે. દેશના ધરતીપુત્રોની સાથે રાજયના ધરતીપુત્રોને કિસાન સન્માન નિધી અંતર્ગત રૂ. ૧૧૪૯ કરોડની સીધી સહાય તેમના ખાતામાં જમા કરાવવામાં આવી છે. આઇ-ખેડૂત પોર્ટલ મારફતે ધરતીપુત્રોનો ડિઝીટલ યુગમાં પ્રવેશ થયો છે. રાજયમાં કૃષિ સાથે પશુપાલન કરતા ખેડૂતોને ટુંકી મુદ્દતના ધિરાણ વ્યાજ આપતી યોજનાઓનો અમલ થયો છે. પશુ મહાવિધાલયની પણ સ્થાપના કરવામાં આવી હોવાનું પણ મંત્રીશ્રીએ જણાવ્યું હતુ. આજે પ્રાકૃતિક ખેતીનું શિક્ષણ ધરતીપુત્રોને આપવામાં આવી રહ્યુ છે જેને પરીણામે ડાંગ જેવા આદિવાસી જિલ્લો સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા થયા છે.
ઉધોગ ક્ષેત્રે અગ્રેસર રહેવાનો ગુજરાતનો મિજાજ બની ગયો છે. આત્મ નિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ગુજરાતનો સંકલ્પ સાકાર કરવાની દિશામાં ગુજરાત મક્કમતાથી આગળ વધી રહ્યુ છે. ગુજરાત દેશનું ગ્રોથ એન્જીન છે. જે દેશના ઔધાગિક આઉટપુટમાં ૧૭.૪૪ ટકા ભાગ સાથે ગુજરાત વિકસિત રાજ્ય તરીકે ઓળખાય છે.
મહિલાઓની વાત કરતા મંત્રીએ કરતા જણાવ્યું હતું કે, મહિલા સશક્તિકરણની દિશમાં ગુજરાત અગ્રેસર છે. મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા ૨૫ લાખ સખીમંડળોનો રૂ. ૧૬૦૦ કરોડના કારોબારની સોંપણી કરાઇ છે. મહિલાઓ માટે સખી વન સ્ટોપ સેન્ટર શરૂ કરાતા ૧૮,૧૯૩ મહિલાઓને સેવાનો લાભ લીધો છે. તો ૫૪.૨૫ લાખથી વધુ મહિલાઓએ અભયમ હેલ્પલાઇને સહાયતા પુરી પાડી છે. રાજયમાં ૧૩ તબક્કાના ગરીબ કલ્યાણ મેળામાં ૧.૭૦ કરોડ જરૂરીયાતમંદોને રૂ. ૩૫,૦૦૦ કરોડની સહાય કરી ગરીબોને સન્માન આપવાનું કામ કર્યુ છે.
વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત આજે પાણીદાર બન્યું છે. ગુજરાતના ઘરે-ધરે નળથી જળ મળવાના સપના સાકાર થઇ રહ્યા છે. હોવાનું મંત્રીએ જણાવ્યું હતું.
આ ઉપરાંત મંત્રીએ જિલ્લામાં થયેલા વીજળીકરણ, દિવ્યાંગોને સાધન સહાય, રસ્તાઓનું નવીની કરણ અને પોલીસ સહિતના વિવિધ વિભાગોના વિકાસ કાર્યોની રૂપરેખા આપી હતી.
પ્રજાસત્તાક પર્વ નિમિત્તે પરેડ કમાન્ડરના નેતૃત્વમાં પોલીસ પ્લાટુન, હોમગાર્ડ પ્લાટુન, ગ્રામ રક્ષક દળ, જુનિયર-સિનિયર એન.સી.સી., અશ્વ દળ તેમજ પોલીસ બેન્ડની ટીમોએ શાનદાર પરેડમાં ભાગ લઇ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. જયારે વડાલી વિવિધ શાળા અને હાઇસ્કુલના બાળકો ધ્વારા દેશભકિત ગીત, યોગાસન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરાયા હતા. જેમાં બી.આર.સીના દિવ્યાંગ બાળોઓ દ્રારા કરવામાં આવેલ કૃતિએ આકર્ષણ જમાવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા ખેતીવાડી વિભાગ, જિલ્લા શિક્ષણાધિકારી, ગ્રામ વિકાસ એજન્સી, ઉર્જા વિભાગ, પાણી પુરવઠા, વન વિભાગ અને આદિજાતિ વિભાગ સહિત ૧૩ વિભાગો દ્વારા વિકાસની ઝાંખી કરાવતા ટેબ્લો રજુ કરવામાં આવ્યા હતા.
પ્રજાસત્તાક પર્વ-૨૦૨૩ની ઉજવણી નિમિત્તે વડાલી તાલુકાના વિકાસ અર્થે રૂ.૨૫ લાખનો ચેક નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રીને અર્પણ કરવામાં આવ્યો હતો જયારે જિલ્લાની શ્રેષ્ઠ પંચાયત નેત્રામલીને રૂ. એક લાખનો ચેક અપર્ણ કરવામાં આવ્યો હતો તથા નિબંધ સ્પર્ધામાં નોમિનેશન થનાર ત્રણ વિધાર્થીનીઓને ઇનામ વિતરણના ચેક અપર્ણ કરાયા હતા. તેમજ જિલ્લાના ૪૧ શ્રેષ્ઠ કર્મીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ વિશેષ પ્રસંગે પરેડ ગ્રાઉન્ડ ખાતે વૃક્ષારોપણ કરાયું હતું.
આ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સાસંદ દીપસિંહ રાઠોડ, જિલ્લા પંચાયત પ્રમુખ ધીરજભાઇ પટેલ, ધારાસભ્ય રમણલાલ વોરા, જિલ્લા સમાહર્તા હિતેષ કોયા, જિલ્લા વિકાસ અધિકારી દીપેશ શાહ, પોલીસ વડા વિશાલકુમાર વાઘેલા, વડાલી નગરપાલિકા પ્રમુખ હંસાબેન સગર, તાલુકા પંચાયતના પ્રમુખ બાબુભાઇ ખાંટ, જિલ્લા અગ્રણી તખતસિંહ હડિયોલ, જયંતિભાઇ પટેલ સહિત વહીવટીતંત્રના અધિકારીઓ, કર્મચારીઓ, પદાધિકારીઓ તેમજ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.