તા. ૯ ફેબ્રુઆરીના રોજ પીજીવીસીએલના વ્યાપક દરોડા: બોટાદ જિલ્લામાં ત્રાટકેલી ટીમોએ લાખોની વીજચોરી પકડી
૭૦ વીજજોડાણોમાં ગેરરીતિ માલૂમ પડતાં કુલ રૂ.૧૬.૭૩ લાખની દંડનીય આકારણીના બિલ ફટકારવામાં આવ્યાં
પીજીવીસીએલની વીજચોરો સામે કાર્યવાહી યથાવત છે. વિવિધ વર્તુળ કચેરીઓના અધિક્ષક ઈજનેરો તેમજ વિભાગીય કચેરીઓના કાર્યપાલક ઈજનેરોની સીધી દેખરેખ હેઠળ સૌરાષ્ટ્ર-કચ્છના અનેક વિસ્તારો-જિલ્લાઓમાં ઈજનેરોની સંખ્યાબંધ ટુકડીઓ દ્વારા સામૂહિક વીજચેકિંગ ડ્રાઈવનું આયોજન કરીને આવા તત્વોને સબક શીખવવામાં આવી રહ્યો છે.
ગઈકાલે આવી જ ઇન્સ્ટોલેશન ચેકિંગ ડ્રાઈવના અનુસંધાને બોટાદ જિલ્લાની બોટાદ વિભાગીય કચેરી હેઠળની રાણપુર પેટા વિભાગીય કચેરીઓ હેઠળના વિવિધ વિસ્તારોમાં એસ.આર.પી. સ્ટાફ તથા પોલીસ સ્ટાફના ચુસ્ત બંદોબસ્ત હેઠળ ઈજનેરોની કુલ ૨૬ જેટલી વીજચેકિંગ ટીમો દ્વારા વીજચેકિંગની કામગીરી કરવામાં આવી હતી. આ દરમિયાન રહેણાંક, વાણિજ્યિક, ખેતીવાડી વગેરે મળીને ૪૨૪ જેટલા વીજજોડાણો ચકાસવામાં આવ્યાં હતા, જે પૈકી ૭૦ વીજજોડાણોમાં ગેરરીતિ માલૂમ પડતાં કુલ રૂ.૧૬.૭૩ લાખની દંડનીય આકારણીના બિલ ફટકારવામાં આવ્યાં હતા તેવું અધિક્ષક ઇજનેર પી.જી.વી.સી.એલ,વર્તુળ કચેરી, બોટાદની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
રીપોર્ટ જયરાજ ડવ બોટાદ