અમદાવાદ: માથાના ભાગે ગંભીર ઇજા થતા મૃગેશભાઇ શર્માને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. અહીં ૪૮ કલાકની સધન સારવાર અને તબીબોના અથાગ પ્રયત્નો બાદ પણ પ્રભુને ગમ્યુ તે જ થયું…૧૧ મી ફ્રેબુઆરી શનિવારની રાત્રે તબીબો દ્વારા મૃગેશભાઇને બ્રેઇનડેડ જાહેર કરાયા .આ ક્ષણે તેમના બનેવી ધર્મેન્દ્રભાઇ ત્રિવેદી હોસ્પિટલમાં હાજર હતા.
તબીબોએ તેમને અંગદાન અંગેની સમજ આપી. ત્યારબાદ તેમણે મૃગેશભાઇના ધર્મપત્ની નેહલબેન શર્માને તરત ફોન કર્યો અને કહ્યું આપણા મૃગેશભાઇ બ્રેઇનડેડ થયા છે અને ડૉક્ટર અંગદાનનું કહે છે..
નેહલબેને ક્ષણનો પણ વિલંબ કર્યા વિના બીજી જે સેકન્ડે કહ્યું “અંગદાન કરવું છે, બધા જ અંગોનું દાન કરવું છે.
સિવિલ હોસ્પિટલમાં અત્યારસુધી ૧૦૨ અંગદાન થયા છે. પરંતુ બ્રેઇનડેડ મૃગેશભાઇ શર્માના પત્નીએ અંગદાન માટે આપેલી સંમતિ ઐતિહાસિક છે. સામાન્યપણે તબીબો દ્વારા પરિવારજનોને અંગદાન માટે સમજાવવામાં આવે ત્યારે સંમતિ માટે સમય લાગતો હોય છે. પરંતુ અંગદાનની જાગૃકતા અને અન્ય વ્યક્તિઓને મદદરૂપ થવાની ભાવનાના પરિણામે અંગદાન માટેની જાણ થતા બીજી જ સેકન્ડે નેહલબેને અંગદાનનો નિર્ણય કર્યો.
વધુમાં તેમણે એમ પણ કહ્યું કે, મૃગેશભાઇનો દેહ મળવામાં સમય લાગશે તો ચાલશે પરંતુ તેમના શરીરના તમામ અંગોનું દાન મેળવીને અન્ય જરૂરિયાતમંદને મદદરૂપ બની શકાય તેવા તમામ પ્રયત્નો કરશો
અંગદાન કરીને અન્યોને મદદરૂપ થવા માટે નેહલબેનની આ લાગણી સમાજના અનેક લોકોને અંગદાન માટેની પ્રેરણા આપે છે.
સિવિલ હોસ્પિટલમાં થયેલ ૧૦૨ માં અંગદાનની વિગતો એવી છે કે, ગાંધીનગરમાં રહેતા ૩૯ વર્ષના મૃગેશભાઇને માર્ગ અકસ્માત સાંપડતા સધન સારવાર અર્થે ૯ મી ફ્રેબુઆરીએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ૪૮ કલાકની અથાગ મહેનત બાદ ૧૧ મી ફ્રેબ્રુઆરીના રોજ તેમને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા. પત્નિ નેહલબેને અંગદાન માટેની સંમતિ આપ્યા બાદ તેમને રીટ્રાઇવલ સેન્ટરમાં લઇ જવામાં આવ્યા.
૮ થી ૧૦ કલાકની ભારે જહેમત બાદ હ્રદય, ફેફસા, બે કિડની અને લીવરનું દાન મેળવવામાં સફળતા મળી છે. જેમાં હ્રદયને દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં દાખલ ૩૨ વર્ષના પુરૂષ દર્દી જ્યારે ફેફસાને મુંબઇની રીલાયન્સ હોસ્પિટલમાં દાખલ ૫૬ વર્ષના મહિલા દર્દીમાં , લીવરને અમદાવાદની ઝાયડસ અને કિડનીને અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની ઇન્સ્ટીટ્યુટમાં દાખલ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી જણાવે છે કે ,સિવિલ હોસ્પિટલે આદરેલા અંગદાનના સેવાયજ્ઞ અને તેની જાગૃકતાના પરિણામે જ આજે સેકન્ડ્સમાં પરિવારજનો અંગદાન માટે સંમતિ આપતા થયા છે.
સરકાર, સમાજ, સેવાભાવી સંસ્થા અને મીડિયાના સહિયારા પ્રયાસોથી આજે સમાજમાં અંગદાનની જાગૃકતામાં વધારો થયો છે તેમ તેમણે ઉમેર્યુ હતુ.