ભરૂચ હાઇવે પર બોસ્ટન હોટલની પાછળ ટ્રકમાંથી દારૂનું કટિંગ કરવાનો કારસો ચાલી રહ્યો હતો. તે વેળાં ભરૂચ સી ડિવિઝન પોલીસે દરોડો પાડતાં પોલીસને જોઇને ટ્રકનો ડ્રાઇવર પાયલોટિંગ માટે આવેલી કારમાં બેસી ભાગી ગયો હતો. બનાવને પગલે ભરૂચ સી ડિવિઝન પોલીસે સ્થળ પરથી 9.54 લાખનો વિદેશીદારૂ તેમજ 10 લાખની ટ્રક મળી કુલ 19.54 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
ભરૂચ હાઇવે ઉપર સી ડિવિઝનનો સ્ટાફ નાઈટ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન બાતમી મળી હતી કે, હાઇવે પર અવાવરું જગ્યાએ એક ટ્રકમાંથી દારૂ કટિંગ થઈ રહ્યો છે. આ ટ્રકને આઈ 20 કાર દ્વારા પાયલોટિંગ અપાઈ રહ્યું છે.
સી ડિવિઝન સ્ટાફે હાઇવે પર બોસ્ટન હોટલ પાછળ દરોડો પાડ્યો હતો. જ્યાં ઝાડી ઝાંખરામાં ટ્રકમાંથી દારૂની પેટીઓ ઉતારાઇ રહી હતી. જ્યારે નજીકમાં જીજે 5 7002 નંબરની આઈ 20 કાર પડી હતી.
પોલીસને જોઈ ટ્રક ડ્રાઈવર, કાર ચાલક અને અન્ય 4 આરોપીઓ આઈ 20 કારમાં ફરાર થઇ ગયા હતા. દારૂ ભરેલી ટ્રકને સી ડીવિઝન પોલીસ મથકે લાવી ગણતરી હાથ ધરાઈ હતી. ટ્રકમાંથી કુલ દારૂ બિયરની 3713 બોટલો કિંમત રૂપિયા 9.54 લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
જોકે ટ્રક ચાલક અને અન્ય આરોપીઓ આઈ 20 કારમાં નાસી છૂટ્યા હતા. ટ્રક અને દારૂનો જથ્થો મળી કુલ રૂપિયા 19.54 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.
ભાવેશ મુલાણી, ભરૂચ.