અંકલેશ્વર નીરવ કુંજ સોસાયટીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા હાથ લાગી હતી. પોલીસે પડોશમાં રહેતા તસ્કરને ઝડપી પાડીને ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે. પોલીસે રૂ. 3.49 લાખની ચોરીમાં રૂ. 2.72 લાખનું સોનું-ચાંદી અને રોકડા રકમ રિકવર કરીને ચોરીનો માલ ખરીદનાર સોનીને પણ ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વરના ગડખોલ ગામ ખાતે નીરવ કુંજ સોસાયટીમાં 24મી માર્ચના રોજ મકાન બંધ કરી અંશુ મિશ્રા દાદીનું અવસાન થયું હોવાથી ઉત્તર પ્રદેશ પોતાના વતનમાં ગયા હતા. આ સમયનો લાભ લઈને કોઈ તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવીને મકાનમાં બારી મારફતે પ્રવેશ કરીને એક મોબાઈલ રૂ. 10,000, રોકડ રૂપિયા 1000 તેમજ સોના-ચાંદીના દાગીના રૂ. 3,38,595ના મત્તાની ચોરી કરીને પલાયન થઈ ગયા હતા.
આ મામલે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે કુલ રૂ. 3,49,595 લાખની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.
અંકલેશ્વર બી ડિવિઝનના પીઆઈ યુ.વી. ગડરીયા અને સ્ટાફના માણસોએ સ્થળ તપાસ કરતાં દરવાજો તોડ્યા વગર ચોરીને અંજામ આપવા બાબતે શંકા ઉપજાવે તેવી હતી. જેથી પોલીસે તમામ ચોરી અંગે સર્વેલન્સ સ્કોર્ડ દ્વારા તપાસ આરંભી હતી.
દરમિયાન સર્વેલન્સ સ્કોર્ડના હે.કો. પ્રવીણ ડાહ્યાને ચોક્કસ માહિતી મળી હતી કે, ચોરી અંજામ આપનાર ચોર ગડખોલ ગામના ઐઅપ્પા મંદિર પાસે બેઠો છે. જે માહિતી આધારે પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. તેને પોલીસ મથકે લાવીને પૂછતાછ કરતા આ આરોપી બીજું કોઈ નહિ પરંતુ મકાન માલિકની બાજુમાં રહેતો પાડોશી આકાશ પવન કુમાર શર્માએ જ ચોરીને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરતા સમગ્ર મામલે પડદો ઉઠ્યો હતો.
આ પાડોશી ચોરે ચોરીનો મુદ્દામાલ ભડકોદ્રા ગામમાં શ્યામ શિખર કોમ્પ્લેક્ષના લક્ષ્મીકાંત શિવનારાયણ સોનીને વેચ્યો હોવાની કબુલાત કરતા પોલીસે તેના ત્યાં પણ દરોડા પાડી સોના અને ચાંદીના રૂ. 2.61 લાખનો દાગીના રિકવર કર્યા હતા. પોલીસે આકાશ પાસેથી બે નંગ મોબાઈલ, રોકડ રૂપિયા એક હજાર જપ્ત કરીને રૂ. 3.49 લાખ રૂપિયા ઉપરાંતનો ચોરીનો અન્ય મુદ્દામાલ રિકવર કરવા માટે રિમાન્ડની કાર્યવાહી આરંભી હતી.
ભાવેશ મુલાણી, ભરૂચ.