જીએનએ મહેસાણા: ભારતરત્ન પૂર્વ રાષ્ટ્રપતિ અને આજીવન શિક્ષકશ્રી ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનન ના જન્મદિન પાંચમી ઓગસ્ટને શિક્ષક દિન તરીકે ઉજવાય છે જેના ઉપલક્ષમાં મહેસાણા કમળાબા હોલ સાર્વજનિક સંકુલ વિધાસંકુલ ખાતે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો હતો. જેમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા મહેસાણાના જિલ્લા કક્ષાના ત્રણ અને તાલુકાકક્ષાના દસ શ્રેષ્ઠ શિક્ષકોને રોકડ પુરસ્કાર, શાલ અને પ્રમાણપત્ર તથા જે તે શાળા માટે બ્રાસપ્લેટ એનાયત કરવામાં આવ્યા હતા.
સમારોહના અધ્યક્ષ સ્થાનેથી સાંસદ શારદાબેન પટેલે જણાવ્યું હતું કે ,”રાષ્ટ્ર નિર્માણના પાયામાં શિક્ષકની જવાબદારી મહત્વપૂર્ણ છે. સારા નાગરિકો તૈયાર કરવાની જવાબદારી પણ શિક્ષકોના શિરે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિકસિત ભારત માટે જે અભિયાનો અને ઝુંબેશો પ્રારંભ કર્યા છે તેમાં બાળકોની સમજણ સિંચન કરવાનું અને તેમને જીવનમાં આગળ વધારવામાં શિક્ષકોની ભૂમિકા મહત્વપૂર્ણ છે. ચંદ્રયાન ત્રણના સફળ લોન્ચિંગ કામગીરીમાં માત્ર ભારતીય હતા જ્યારે નાસામાં પણ ભારતીયોનું અપ્રતિમ યોગદાન છે. વિશ્વમાં ભારતને અગ્રેસર બનાવવામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ ના અવિરત પ્રયાસોમાં શિક્ષકોએ પણ પોતાની ભૂમિકા ભજવવાની છે.
ગુરુ વંદના કરતા જિલ્લા પંચાયત પ્રમુખ પ્રહલાદભાઈ પરમારે જણાવ્યું હતું કે “અમૃત મહેસાણા અને સ્ટાર્ટઅપ ઇનોવેશનથી મહેસાણા વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. તક્ષશિલા અને નાલંદા વિદ્યાપીઠ તેમજ ગુરુ પરંપરાથી ભારતનો ઇતિહાસ ગૌરવાન્વિત છે. આ તકે પ્રથમ મહિલા શિક્ષક સાવિત્રીબાઈ ફૂલે , ચાણક્ય તેમજ દરેક વ્યક્તિના જીવનમાં શિક્ષકનું મહત્વ છે તેનો ઉલ્લેખ કરતા વધુમાં તેમણે જણાવ્યું હતું કે ,” મહેસાણા જિલ્લાની વિવિધ વિભૂતિઓ જેમકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી , મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ, પૂર્વ શિક્ષણમંત્રી આનંદીબેન પટેલ સહિતના નોંધનીય અગ્રણીઓ નવી પેઢીના પ્રેરક છે.
જિલ્લા કલેકટર એમ.નાગરાજને પ્રસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે મહેસાણાની આગવી ઓળખમાં શિક્ષણ અને શિક્ષકોનું વિશેષ યોગદાન છે. નવી પેઢીને આયોજનપૂર્વક ચોક્કસ લક્ષ્ય તરફ લઈ જવાની જવાબદારી આપણા સૌની છે .નવતર વિચાર અને અભિગમથી વિકસિત ભારતને સાકાર કરવાનું લક્ષ્ય જે વડાપ્રધાને નક્કી કર્યું છે તે સાકાર કરીએ . અમૃત મહેસાણા અને સ્ટાર્ટ અપના પગલે જિલ્લાને અગ્રેસર કરવાનો તેમજ ૨૦૪૭ માં આ બાળકો ઉજવળ ભવિષ્ય સાર્થક કરે તે જોવાનું કામ આપણું છે…..
જિલ્લા વિકાસ અધિકારી ડો.ઓમ પ્રકાશે પ્રસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે,” શિક્ષણના ક્ષેત્રમાં મહેસાણાને પ્રધાનમંત્રી એવોર્ડ મળ્યો તે બદલ શિક્ષકોનો આભાર માનીએ છીએ.જિલ્લાના શિક્ષકોને બિરદાવતાં સાંપ્રત પ્રવાહમાં શિક્ષણના બદલાવને રજૂ કરતા તેમણે જણાવ્યુ હતુ કે, ” દરેકના જીવનમાં મા પછી શિક્ષક મહત્વપૂર્ણ હોય છે. અમૃત મહેસાણા અને સ્ટાર્ટઅપ મિશનથી શિક્ષણમાં નોંધનીય બદલાવ જોઈ શકાય છે. આ તકે તેમણે શિક્ષકોને વેબીનારમાં સૌને જોડવા અનુરોધ કર્યો હતો.
સ્વાગત પ્રવચનમાં જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, “રાષ્ટ્ર અને સમાજ નિર્માણમાં શિક્ષકની ભૂમિકા મહત્વપૂર્ણ છે”. જિલ્લા શિક્ષણાધિકારી એ.કે. પટેલે સમારોહની આભાર વિધિ કરતા કહ્યું હતું કે ,” અમૃત મહેસાણા અને સ્ટાર્ટ ઈનોવેશન દ્વારા આવનારી પેઢીને મજબૂત કરવા માટે શિક્ષક જગત સજ્જ છે. આ તકે તેમણે કાર્યક્રમમાં મુખ્યમંત્રી યોજનામાં જ્ઞાનસેતુમાં મેરીટમાં સ્થાન પામનાર પ્રતિભાશાળીઓ બાળકોને સન્માનિત કર્યા હતા ઉલ્લેખ કર્યો હતો.
આ પ્રસંગે મહેસાણા જિલ્લાના કુલ 13 શિક્ષકોનું જિલ્લા કક્ષાએ 15000 રૂપિયા રોકડ પુરસ્કાર શાલ અને બ્રાસ પ્લેટ તેમજ તાલુકા કક્ષાએ 5000 રૂપિયા રોકડ પુરસ્કાર , શાલ ,પ્રમાણ પત્ર તથા શાળા માટે બ્રાસ પ્લેટ મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ પ્રતિભાશાળી બાળકોને પણ સન્માનિત કર્યા હતા. ઉલ્લેખનીય છે કે ગાંધીનગર ખાતે પણ વિનોદ કુમાર પ્રજાપતિ, કૃણાલબેન ઠાકર, જીતેન્દ્ર કુમાર નાયક જિલ્લાના ત્રણ શિક્ષકોને શ્રેષ્ઠ રાજ્ય શિક્ષક પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય સર્વશ્રી મુકેશભાઈ પટેલ, કરસનભાઈ સોલંકી, કિરીટભાઈ પટેલ, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના અધ્યક્ષ હરિભાઈ પટેલ જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગી, સાર્વજનિક કેળવણી મંડળના સહમંત્રી મિલનભાઈ ચૌધરી ,જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડો .ગૌરાંગ વ્યાસ, સન્માનિત શિક્ષકો , વિવિધ સ્કૂલના આચાર્ય, શિક્ષકો , બાળકો તેમજ નગરના અગ્રણીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા…..