લોકસભાની આગામી સામાન્ય ચૂંટણીની પૂર્વતૈયારીઓના ભાગરૂપે ગાંધીનગર ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીના અધ્યક્ષસ્થાને અધિક નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીઓનો રાજ્યકક્ષાનો વર્કશૉપ યોજાયો હતો. આ વર્કશૉપમાં ઉમેદવારી પત્રોની ચકાસણીમાં ધ્યાને લેવાની બાબતો અને પોસ્ટલ બેલેટને લગતી બાબતો અંગે ભારતના ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી અદ્યતન સુચનાઓ અંગે તાલીમ આપવામાં આવી હતી.
મુક્ત,ન્યાયી અને પારદર્શી ચૂંટણીઓ માટે સંકલ્પબદ્ધ ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભાની આગામી ચૂંટણીઓના સરળ અને સુગમ સંચાલન માટે વિવિધ ચૂંટણી પ્રક્રિયાઓ સંદર્ભે અદ્યતન સુચનાઓ આપવામાં આવી છે.આ સુચનાઓનો રાજ્યભરમાં સુચારૂ અમલ થાય તે સુનિશ્ચિત કરવા મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરી દ્વારા અધિક નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીઓનો રાજ્યકક્ષાનો વર્કશૉપ યોજાયો હતો.આ એક દિવસીય તાલીમ વર્કશૉપમાં ગુનાઈત ઈતિહાસ ધરાવતા ઉમેદવારોના નામાંકન,ઉમેદવારી પત્રોની ચકાસણીમાં ધ્યાનમાં લેવાની બાબતો,ઉમેદવાર દ્વારા ફોર્મ પાછા ખેંચવા તથા ચિહ્વોની ફાળવણી અંગેની પ્રક્રિયાની સવિસ્તાર તાલીમ આપવામાં આવી હતી.
આ વર્કશૉપમાં પોસ્ટલ બેલેટ પેપર અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.જેમાં અધિકારીશ્રીઓના ગૃપ દ્વારા મતદાન પ્રક્રિયા સાથે જોડાયેલા પોલીંગ સ્ટાફ સહિતના કર્મચારીઓ,અધિકારીઓ તથા એબસન્ટી વોટર્સના મતદાન માટે પોસ્ટલ બેલેટની વ્યવસ્થા અને કાર્યપદ્ધતિ અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું