પાલિતાણા તાલુકાનાં હણોલ ગામે ૧૩ થી ૧૫ જાન્યુઆરી સુધી વિવિધ વિકાસ પ્રકલ્પોનાં લોકાર્પણ કાર્યક્રમનું આજરોજ સમાપન કરવામાં આવ્યું હતું. ‘ગામડાના નિર્માણથી નવા ભારતનું નિર્માણ’ અંતર્ગત ગ્રામજનોના સહિયારા પ્રયાસોથી કરવામાં આવેલા વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ ત્રિદિવસીય કાર્યક્રમમાં કરવામાં આવ્યું હતું.
આ તકે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રીશ્રી ડો.મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું હતું કે ગામડું જીવંત થાય, અને સમાજ જીવનને પુનઃ ધબકતું કરવાનો પ્રયાસ એટલે આદર્શ તીર્થ ગ્રામ હણોલ. ત્રિદિવસીય કાર્યક્રમ સફળ બનાવવાનો શ્રેય બનાવવામાં આવેલ 21 અલગ અલગ કમિટીના સંકલ્પ અને પુરુષાર્થ નું પરિણામ છે. આ પ્રેમ અને સહકાર બદલ હું હંમેશા મારાં ગામ હણોલનો ઋણી રહીશ.
ઉલ્લેખનીય છે કે 33 નદીઓના જળ શાસ્ત્રોક્ત રીતે અહીંના અમૃત સરોવરમાં પધરાવાયા છે. જેથી લોકોએ હવે ધાર્મિક વિધિ કે અસ્થિ વિસર્જન માટે હરિદ્વાર કે ઋષિકેશ જવાની જરૂર નહીં રહે.
રાજયકક્ષાના શિક્ષણમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરીયા એ જણાવ્યું હતું કે હણોલ ગામે સામાજિક સમરસતાને નવી દિશા આપવાના વિચારોનું વાવેતર કર્યું છે. ગ્રામ્ય સંસ્કૃતિ શ્રેષ્ઠ છે એ અહી ચરિતાર્થ થાય છે. ગ્રામજનોએ દરેક કામને યજ્ઞની જેમ કર્યું છે.
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રીશ્રી ડો.મનસુખભાઈ માંડવિયાના માર્ગદર્શન અને ગામલોકોના સામૂહિક પ્રયાસોથી હણોલ ગામે સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરનું લોકાર્પણ, અમૃત સરોવરનું લોકાર્પણ, રમત-ગમત સંકુલ, લાઇબ્રેરી, ઓવરબ્રિજ, એનિમલ હોસ્ટેલ અને નવાં તળાવનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ તકે અંતિમ દિવસે પ્રભાતફેરી, લોટી પધરામણી ગંગા, યમુના સહિત 33 નદીઓના જળ અવતરણની સાથે સાંસ્કૃતિક વિધિ તેમજ અસ્થિ વિસર્જનની આસ્થા માટેનું સ્થળ બની ગયું છે. આ સાથે કાર્યક્રમ સમાપન અને નવા કાર્યનો શિલાન્યાસના કાર્યક્રમો યોજાયા હતા. અંતિમ દિવસે વિવિધ કમિટીના સભ્યોએ પોતાના અનુભવો વર્ણવ્યા હતા.
આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીશ્રી એસ. પી. સિંધ બધેલ, ધારાસભ્યશ્રી જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય શ્રી ભીખાભાઈ બારૈયા, આગેવાનો શ્રી રાકેશભાઈ બાંભજાય, શ્રી વિશાલભાઈ ચોપડા, શ્રી રઘુભાઈ હુંબલ, શ્રી સુરેશભાઈ ભોજપરા, શ્રી રમેશભાઈ મેંદપરા શ્રી ગીરીશભાઈ શાહ સહિતના બહોળી સંખ્યામાં ગામલોકો ઉપસ્થિત રહ્યાં હતાં