આર્થિક રીતે નબળા વર્ગનાં પરિવારો માટે આશિર્વાદરૂપ બનતી
પ્રધાનમંત્રી આવાસ યોજના – ગ્રામીણ
આણંદ, બુધવાર :: દેશનો કોઇ પણ પરીવાર ઘર વિહોણો ના રહે તેમજ દરેક પરિવારને રહેવા માટે પોતાની પાક્કી છત મળે તે માટેના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનને પરીણામે કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે, જે લાખો લોકોના પોતાના પાક્કા મકાન બનાવવાના સપનાને હકીકતમાં પરિવર્તીત કરવામાં મોટી ભૂમિકા ભજવી રહી છે.
સરકારની આવી જ એક કલ્યાણકારી યોજના છે પ્રધાનમંત્રી આવાસ યોજના – ગ્રામીણ, જે અંતર્ગત નબળી આર્થિક સ્થિતિ ધરાવતા પરિવારોને પાક્કુ મકાન બનાવવા માટે રૂ. ૧,૨૦,૦૦૦/- ની સહાય ચુકવવામાં આવે છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના – ગ્રામીણના લાભાર્થી ચિખોદરા ખાતે રહેતા ૭૦ વર્ષીય મન્છાબેન પરમારે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, મારા પતિ ચાર વર્ષ અગાઉ સ્વર્ગસ્થ થયા છે. હું અને મારો પરિવાર ખેત મજૂરી કરીને ગુજરાન ચલાવીએ છીએ. વર્ષોથી નળિયાવાળા કાચા મકાનમાં રહેતા હતા, પરંતુ એટલી આવક નહોતી કે પોતાનું પાકું મકાન બનાવી શકીએ.
સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરતા મન્છાબેને વધુમાં ઉમેર્યું હતું કે, સરકારની આ યોજના એ અમારા કાચા મકાનમાં રહેવાના દિવસો દૂર કરીને પાકી છત અપાવી છે. આ યોજના થકી અમને ત્રણ હપ્તામાં રૂ. ૧,૨૦,૦૦૦ ની સહાય મળી છે. જેના દ્વારા અમે પાકી છત વાળું સુંદર મકાન બનાવી શક્યા છીએ, એ બદલ સરકારનો જેટલો પણ આભાર માનીએ એટલો ઓછો છે.
નોંધનીય છે કે, પ્રધાનમંત્રી આવાસ યોજના – ગ્રામીણ અંતર્ગત સરકાર ગ્રામીણ વિસ્તારના આર્થિક રીતે નબળા વર્ગના પરિવારોને પોતાનું પાકું મકાન બનાવવા માટે રૂ. ૧.૨૦ લાખની આર્થિક સહાય પૂરી પાડે છે. ઝુંપડા, નળિયાની છત અને માટીથી બનેલા કાચા મકાન ધરાવતા આર્થિક રીતે નબળા વર્ગનાં પરિવારો માટે આ યોજના આશિર્વાદરૂપ સાબિત થઈ રહી છે.
રિપોર્ટ ભૂમિકા પંડ્યા આણંદ