અમદાવાદ, સંજીવ રાજપૂત: ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત આગામી તારીખ 7મી મે-2024ના રોજ મતદાન યોજાનાર છે. આ ચૂંટણી મુક્ત, ન્યાયી અને નિર્ભય વાતાવરણમાં યોજાય તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા આઈ.એ.એસ. અધિકારી પુનિત યાદવની અમદાવાદ પશ્વિમ લોકસભા બેઠકના જનરલ ઓબ્ઝર્વર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
અમદાવાદ પશ્વિમ લોકસભા બેઠકના જનરલ ઓબ્ઝર્વર પુનિત યાદવે અમદાવાદ કલેકટર કચેરી ખાતે ચૂંટણીને લગતી કામગીરી માટે કાર્યરત MCMC સેલ, ફરિયાદ નિવારણ કંટ્રોલ રૂમ, સોશિયલ મીડિયા અને સિંગલ વિન્ડો સિસ્ટમની કામગીરી નિહાળી આ કામગીરી કેવી રીતે કરવામાં આવે છે તેની પ્રત્યક્ષ જાણકારી મેળવી હતી.
લોકસભાની ચૂંટણીમાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં આવતા પેઈડ ન્યૂઝ અને આચારસંહિતા ભંગને લગતી બાબતો પર સતત વોચ રાખવા માટે અમદાવાદમાં કલેકટર કચેરી ખાતે ઈલેક્ટ્રોનિક મીડિયા મોનિટરિંગ સેન્ટરમાં વિવિધ ચેનલો પર સતત દેખરેખ રાખવામાં આવે છે. જેમાં સ્થાનિક, રાજ્ય લેવલ તેમજ રાષ્ટ્રીય સ્તરની ન્યૂઝ ચેનલમાં અમદાવાદ જિલ્લાને લગતી ચૂંટણીલક્ષી બાબતો પર ખાસ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આદર્શ આચારસંહિતાનો ભંગ કરતી હોય તેવી બાબતો પર ચાંપતી નજર રાખવામાં આવે છે.
કલેક્ટર કચેરી ખાતે ચૂંટણીને લગતી ફરિયાદોના નિવારણ માટે કાર્યરત કંટ્રોલ રૂમ, સોશિયલ મીડિયા પર વોચ રાખવા માટે સોશિયલ મીડિયા સેલ અને ચૂંટણી લડતા ઉમેદવારો અને રાજકીય પક્ષોને રેલી, સભા, સરઘસ, વાહન વગેરે માટે એક જ જગ્યાએ વિવિધ પ્રકારની મંજૂરીઓ મળી રહે તે માટે સિંગલ વિન્ડો સિસ્ટમ કાર્યરત છે. આ તમામ જગ્યાએ ચૂંટણી તંત્રના કર્મચારીઓ દ્વારા કેવી રીતે કામગીરી કરવામાં આવે છે, તેની ઓબઝર્વરએ વિગતવાર માહિતી મેળવીને કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો હતો.
જનરલ ઓબઝર્વરની મુલાકાત પ્રસંગે અધિક જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ ઠક્કર, સહાયક માહિતી નિયામક રેસુંગ ચૌહાણ, ચૂંટણી મામલતદાર અશોક પરમાર સહિત અધિકારીઓ અને આ કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.