તા.૨૨/૦૧/૨૦૨૪ થી તા.૨૨/૦૫/૨૦૨૪ સુધીમાં ૭,૧૯,૪૩૨ જેટલા યાત્રાળુઓએ ભોજન પ્રસાદનો લાભ લીધો
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજીએ શ્રી ૫૧ શકિતપીઠ પૈકી હદયસ્થ શક્તિપીઠ છે. જયાં લાખોની સંખ્યામાં યાત્રાળુ માતાજીના દર્શનાર્થે પધારે છે. વહીવટદાર અને અધિક કલેકટરશ્રીએ તેઓની અખબારી યાદીમાં જણાવ્યુ છે કે માતાજીના દર્શનાર્થે આવતા યાત્રાળુઓને હાલના તબકકે ભોજન અંબિકા ભોજનાલય ખાતે ટોકન દરથી પુરુ પાડવામાં આવતુ હોઈ તેના બદલે નિઃશુલ્ક ભોજન મળી રહે તેવી વ્યવસ્થા દાતાશ્રીઓ મારફત ઉભી કરવા નક્કી કરવામાં આવેલ છે.
જે મુજબ તા.૨૨/૧/૨૦૨૪ના રોજ અયોધ્યા ખાતે પ્રભુ શ્રીરામના નવ નિર્મિત ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના શુભ પ્રસંગે અંબાજી ગામ ખાતે શ્રી અંબિકા ભોજનાલય હસ્તકથી “અંબિકા અન્નક્ષેત્ર’ માં નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાનો શુભ નિર્ણય લેવામાં આવેલ છે.
”અંબિકા અન્નક્ષેત્ર” ખાતે યાત્રાળુઓને સવારે ૧૦:૩૦ થી બપોરે ૩:૦૦ તથા સાંજે ૬:૦૦ થી રાત્રે ૯:૩૦ કલાક સુધી ભોજન પ્રસાદ આપવામાં આવે છે. જેમાં દરરોજ સવારે પુરી–રોટલી, બટાકાનું શાક, મીકક્ષ શાક, દાળ-ભાત, ફરસાણમાં પાપડ તથા રાત્રે ભાખરી-રોટલી, બટાકાનું મીકક્ષ શાક, કઢી-ખીચડી, ફરસાણમાં પાપડ તેમજ દર રવિવારે, આઠમ તથા પુનમના દિવસે મિષ્ઠાનમાં મોહનથાળ પ્રસાદ આપવામાં આવે છે.
“અંબિકા અન્નક્ષેત્ર’ ખાતે હાલમાં નવિન સ્ક્રીમ મુકી જેમાં ૧(એક)ડીસના રૂા.૫૦/– ૧(એક)ટાઈમના રૂા. ૫૧,૦૦૦/– તથા ૧ (એક) દિવસના રૂા.૧,૦૧,૦૦૦/– જેટલાનું દાન આપી ભોજન પ્રસાદના દાતા બની શકે છે. યાત્રાળુઓ ધ્વારા ભોજનપ્રસાદનું દાન-ભેટ QR કોડ, ઓનલાઈન તથા રોકડમાં અત્રેની ભોજનાલય તથા ટેમ્પલ ઈન્સ્પેકટરશ્રીની કચેરીમાં સ્વીકારવામાં આવે છે. જેમાં દાતાશ્રીઓ દ્વારા છુટા હાથેથી અમુલ્ય દાનભેટ કરે છે.
શ્રી અંબિકા ભોજનાલય, અંબાજી ખાતેના “અંબિકા અન્નક્ષેત્ર’માં તા.૨૨/૦૧/૨૦૨૪ થી તા.૨૨/૦૫/૨૦૨૪ સુધી કુલ મોટા વ્યકિતઃ-૬,૯૦,૩૬૯ તથા નાના બાળકોઃ-૨૯,૦૬૩ આમ કુલઃ-૭,૧૯,૪૩૨ જેટલા યાત્રાળુઓએ શુધ્ધ, સાત્વિક અને સ્વાદિષ્ટ ભોજન પ્રસાદનો લાભ લીધેલ છે.
જેમાં મંત્રીશ્રીઓ, મહાનુભાવો, શ્રી અનુરાધા પોંડવાલ, શ્રી કિંજલ દવે જેવા સંગીત કલાકારો તથા શ્રી મોનલ ગજજર, ગુજરાતી ફિલ્મોની અભિનેત્રીએ પણ “અંબિકા અન્નક્ષેત્ર’ ખાતે ભોજન પ્રસાદનો લાભ લીધેલ છે. આમ, છેલ્લા ૪(ચાર) માસમાં અંબાજી ખાતે દેવસ્થાન ટ્રસ્ટ ધ્વારા શરૂ કરેલ “અંબિકા અન્નક્ષેત્ર”ને અદભુત પ્રતિસાદ મળેલ છે.
અંબાજી પ્રહલાદ પૂજારી