જામનગર, સંજીવ રાજપૂત: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ૨૦૧૪માં યુનાઇટેડ નેશન્સ દ્વારા ૨૧મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવામાં આવ્યો છે અને ૨૦૧૫ થી આ દિવસ વિશ્વના દેશોમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવાય છે.
જે અંતર્ગત ૧૦મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ‘સ્વયં અને સમાજ માટે યોગ’ની થીમ પર જિલ્લાના વિવિધ સ્થળોએ હજારોની સંખ્યામાં જામનગરવાસીઓ “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની ઉજવણીમાં ઉત્સાહભેર જોડાયા હતા અને યોગ પ્રાણાયામ કર્યા હતા.
આ પ્રસંગે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે પ્રસંગોચિત ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે વિશ્વ યોગ દિને “વસુધૈવ કુટુમ્બકમ” અને “સર્વેત્ર સુખિનઃ સન્તુ સર્વે સન્તુ નિરામયા”ની ભારતીય સંસ્કૃતિની ભાવનાના દર્શન થાય છે.યોગ એ ઋષિમુનીઓએ માનવજાતને આપેલી અમૂલ્ય ભેટ છે.દુનિયાના લોકો યોગ વડે તંદુરસ્ત અને સુખી બને તેવા ઉમદા આશયથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી ૨૧ મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો અને આજે સમગ્ર વિશ્વ આ યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે.
રાજ્ય સરકારે પણ યોગ પ્રવૃત્તિને વ્યાપક પ્રમાણમાં વિકસાવવા ‘‘ગુજરાત રાજ્ય યોગ બોર્ડ’’ની રચના કરી જેના માધ્યમથી યોગનો વિપુલ પ્રમાણમાં પ્રચાર પ્રસાર થઇ રહ્યો છે જેના પરિણામ સ્વરૂપ આજે જનભાગીદારી સાથે ૭૨,૦૦૦ થી વધુ સ્થળો પર યોગ દિવસનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.
ગ્રામ પંચાયત સ્તરથી લઈને મહાનગરપાલિકાના વોર્ડ કક્ષા સુધી, શાળા, કોલેજ, આઈ.ટી.આઈ., જેલ, પોલીસ, આરોગ્ય સેવા જેવા વિભાગો અને યોગ પ્રેમી નાગરિકોની ભાગીદારી સાથે આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સમગ્ર જામનગર જિલ્લો યોગમય બન્યો હતો.
જામનગર જિલ્લા ખાતે વહીવટી તંત્ર દ્વારા તાલુકા કક્ષા, નગરપાલિકા કક્ષા તેમજ જિલ્લા કક્ષા અને મહાનગરપાલિકા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન
તથા મહાનગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ રણમલ તળાવ ગેટ નં.૦૧ ખાતે યોજાયો હતો. તેમજ ૧૦મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અન્વયે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રેરક સંબોધનનું પણ સમગ્ર જિલ્લામાં જીવંત પ્રસારણ કરવામાં આવ્યુ હતુ.
જિલ્લા કક્ષાના કાર્યક્રમ ખાતે મુખ્ય અતિથી તરીકે કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા કલેકટર બી.કે.પંડયા, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, અધિક કલેકટર બી.એન.ખેર, અગ્રણી રમેશભાઈ મૂંગરા સહિતના અધિકારી, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને યોગાભ્યાસ કર્યો હતો. જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ ગિરીશ સરવૈયાએ શંખનાદ કરી યોગાભ્યાસની શરૂઆત કરાવી હતી જ્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કો-ઓર્ડીનેટર પ્રીતિબેન શુક્લ તથા તેમની ટીમે ઉપસ્થિત સૌ કોઈને યોગ પ્રાણાયામ કરાવ્યા હતા.
સાથે સાથે જી.પી.એસ. સ્કુલ કાલાવડ, જી.એમ.પટેલ કન્યા વિદ્યાલય ધ્રોલ, વિઝન સ્કુલ જામજોધપુર, સાંઈ વિદ્યાસંકુલ જોડિયા, વીર સાવરકર હાઈસ્કુલ લાલપુર તેમજ શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ, નાઘેડી ખાતે તાલુકા કક્ષાના કાર્યક્રમો પણ યોજાયા હતા.