વિચરતા અને વિમુક્ત સમુદાયના ઉત્થાન માટે ભારત સરકાર દ્વારા સ્થાપિત ડેવલોપમેન્ટ એન્ડ વેલફેરબોર્ડ ફોર ડીનોટીફાઇડ નોમેડિક એન્ડ સેમી નોમેડિક કોમ્યુનિટીઝ (DWBNC)ના સભ્યશ્રી ભરતભાઈ પટણીના અધ્યક્ષ સ્થાને ભાવનગરમાં સર્કિટ હાઉસ ખાતે ભાવનગર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વસતા અને આસપાસના જિલ્લાના વિચરતી અને વિમુક્ત જાતિના સામાજિક અગ્રણીઓ સાથે સંવાદ અને ભાવનગરમાં ક્લસ્ટરમાં આવેલ વસાહતની મુલાકાત લીધી હતી.
આ કાર્યક્રમમાં ભારત સરકાર દ્વારા આ સમુદાયના કલ્યાણ અર્થે સ્થાપવામાં આવેલા બોર્ડની કામગીરી વિશે સભ્યશ્રી ભરત ભાઈ પટણીએ માહિતી આપી હતી. આ ઉપરાંત શ્રી ભરતભાઈ પટણીએ આગેવાનોના પ્રશ્નો સાંભળ્યા હતા અને વિચરતી અને વિમુક્ત જાતિના સમુદાયના લોકોને સરકારની વિવિધ યોજનાઓ વિષે માહિતી આપી હતી.
તેમણે જણાવ્યુ કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નિર્દેશનમાં વર્ષ ૨૦૧૫ ડિનોટીફાઇડ, નોમેડિક એન્ડ સેમી નોમેડિક કોમ્યુનિટીના ઉત્થાન માટે ઈદાતે કમિશનની રચના કરવામાં આવી હતી. આ કમિશનની ભલામણના આધારે વર્ષ ૨૦૨૧માં કલ્યાણ બોર્ડની સ્થાપના કરવામાં આવી છે.
તેમણે ઉમેર્યુ કે, આ બોર્ડના માધ્યમથી વિચરતી અને વિમુક્ત જાતિના ઉત્થાન માટે ગુજરાત રાજ્યમાં સીડ યોજના અંતર્ગત આધાર કાર્ડ,આયુષ્માન કાર્ડ,રાશન કાર્ડ સહિતની ગરીબ કલ્યાણ લક્ષી યોજનાઓના લાભ અપાવવામાં આવી રહ્યા છે.આ પ્રસંગે શ્રી પટણીએ સામાજિક આગેવાનોને શૈક્ષણિક ક્ષેત્રે સામાજિક ઉત્થાન થાય તે માટે આગળ આવવા અને દીકરીઓને શિક્ષિત કરવા માટે અપીલ કરી હતી.
આ તકે બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી એન.ડી.ગોવાણી,નાયબ નિયામક વિ.જા. શ્રી જે.એન.રાજયગુરુ નાયબ કમિશ્નર શ્રી ગૌરાંગ વસાણી,નાયબ જિલ્લા વિકાસ અધીકારીશ્રી રણજીતસિંહ કટારીયા સહિતના અધિકારીઓ તેમજ વિચરતી અને વિમુક્ત જાતિના સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.