અંબાજી, સંજીવ રાજપૂત: અંબાજી ખાતે માં અંબાના મંદિરની સુરક્ષા સાથે ભક્તોની ભક્તિમાં ગુજરાત પોલીસ સજ્જ જોવા મળી રહી છે.
અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો સોળે કળાએ ખીલી રહ્યો છે લાખોની સંખ્યામાં માઈ ભક્તો દર્શન કરવા માં અંબાના ધામ પહોંચી રહ્યા છે ત્યારે મંદિર અને ભક્તોની સુરક્ષાની જવાબદારી ગુજરાત પોલીસના શિરે છે.
મંદિરમાં માં અંબાના દર્શન કરવા માટે ભારે સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે ત્યારે બનાસકાંઠા તેમજ અન્ય સ્થળેથી આવેલ પોલીસના અધિકારીઓ જવાનો ભક્તિ અને સુરક્ષાની ઉત્સાહ અને પૂર્ણ રીતે સજ્જ બની જવાબદારી નિભાવી રહ્યા છે.
માં અંબાના મંદિરની વાત કરીએ તો તેની સુરક્ષાની જવાબદારીને લઈ BDS અને તેનો સ્નિફર ડોગ ‘બડી’ ખડેપગે ઉભો જોવા મળે છે.
અંબાજી મંદિરમાં સુરક્ષાને લઈને ડોગ બડી દ્વારા કડક ચેકિંગ હાથ ધરવામાં આવે છે અને મંદિરનો ખૂણેખૂણો ચકાસવામાં આવે છે. આખા મંદિર પરિસર અને મંદિરના અંદરની પૂર્ણ ચકાસણી બાદ આ ડોગ અંતે માં અંબેના ચરણોમાં નતમસ્તક વંદન કરી આખા મંદિરની સુરક્ષાની પૂર્ણ ખાતરી આપે છે તો બીડીએસના કર્મીઓ દ્વારા આધુનિક ઉપકરણો દ્વારા પૂર્ણ મંદિરની ચકાસણી કરવામાં આવે છે અને સુરક્ષિત હોવાની ખાતરી કરે છે.
જ્યારે મંદિર ભક્તો માટે દર્શનાર્થે ખુલે છે ત્યારે ભક્તોમાં માંના દર્શન કરવા ઉત્સાહ થકી દોટ મુકતા હોય છે ત્યારે ભારે ભીડમાં પોલીસના આ કર્મીઓ ઉપસ્થિત ભક્તોને નિર્વિઘન દર્શન મળી રહે અને ભક્તોનો ઉત્સાહ વધારવા માટે બોલ મારી અંબે, જય જય અંબેના નાદ સાથે ભક્તોને માં અંબાના દર્શન સુધી પહોંચાડવામાં અને તેમને દર્શનનો લાભ મળે તે માટે સતત ભક્તિમય બની પોતાની ફરજ સાથે પૂર્ણ કરી રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લા એસપી અક્ષયરાજ મકવાણા સહિત ડીવાયએસપી, પીઆઇ, ઉચ્ચ અધિકારીઓ સતત તેઓના પેટ્રોલિંગ દ્વારા આખા મંદિરની મુલાકાત લેતા સુરક્ષાની ચકાસણી કરતા હોય છે. આમ 5 હજાર ઉપરના પોલીસ જવાનો પોતાની ફરજ સાથે સાથે ભક્તોને કોઈ અડચણ ઉભી ન થાય અને ભક્તો હેમખેમ માં અંબાના દર્શન કરે તેનું પૂરતું ધ્યાન આપી સજ્જ જોવા મળી રહ્યા છે.