અંબાજી, સંજીવ રાજપૂત: રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓનો લાભ લોકોને સતત મળતો રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન અને સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ અંતર્ગત બનાસકાંઠા કલેકટર મિહિર પટેલના અધ્યક્ષ સ્થાને મિટિંગ યોજાઈ હતી.
આ મિટિંગમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલ દ્વારા રાજ્ય સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભો લોકોને સ્થળ ઉપર જ મળી રહે તે માટે સુચારૂ આયોજન કરવા અધિકારીઓને સૂચન કરવામાં આવ્યું હતું.
સેવા સેતુના દસમાં તબક્કામાં બનાસકાંઠા જિલ્લામાં ૧૪ તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારના પ્રજાજનોને વ્યક્તિગત સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે અને તે જ દિવસે પ્રાપ્ત થઇ શકે તેવા ઉમદા હેતુથી આયોજન કરવામાં આવશે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ અંતર્ગત ૧૭ સપ્ટેમ્બર થી ૨જી ઓકટોબર સુધી બનાસકાંઠા જિલ્લામાં સ્વચ્છતા અંગેના જનભાગીદારી સાથે વિવિધ કાર્યક્મોનું આયોજન કરવામાં આવશે. સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના સફાઈ કર્મીઓનું સન્માન કરવામાં આવશે.
૧૭ મી તારીખે અંબાજી ખાતે સ્વચ્છતા માટે મહા અભિયાન યોજાશે. સફાઈકર્મીઓ માટે મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવશે. જિલ્લાની વિવિધ નગરપાલિકાઓ સ્વચ્છતાની કામગીરીમાં જોડાશે. વહીવટી તંત્રની સાથે પ્રજાજનો અને જનપ્રતિનિધિઓ પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાવા માટે કલેકટરએ અનુરોધ કર્યો હતો.
આ મિટિંગમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.જે દવે, નિયામક ગ્રામવિકાસ એજન્સી આર. આઈ. શેખ, પ્રાંત અધિકારીઓ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.