અંબાજી, સંજીવ રાજપૂત: ભાદરવી પૂનમના મહા મેળામાં અંબાજી ખાતે અસંખ્ય યાત્રાળુઓ મા અંબાના દર્શનાર્થે આવે છે. આ મહામેળા દરમિયાન યાત્રાળુઓ પગપાળા સંઘ લઈને માતાજીના દર્શન માટે આવતા હોય છે.
આવા યાત્રાળુઓ માટે રસ્તામાં વિવિધ સેવા કેમ્પો દ્વારા સેવા કરવામાં આવતી હોય છે. ત્યારે કલોલના જય બજરંગબલી માલિશ સેવા કેમ્પ દ્વારા અનોખો સેવા યજ્ઞ કરવામાં આવે છે. છેલ્લા 27 વર્ષથી યાત્રાળુઓની માલિશ કરી થાક ઉતારવામાં આવે છે.
આ અંગે વાત કરતા માલિશ કેમ્પના આયોજક વિષ્ણુભાઈ પટેલ જણાવે છે કે છેલ્લા 27 વર્ષથી અમે આ જગ્યાએ માલિશ કેમ્પનું આયોજન કરીએ છીએ.
જ્યાં અનેક યાત્રાળુઓ દરરોજ માલિશ કેમ્પનો લાભ લે છે. યાત્રાળુઓ આ કેમ્પનો લાભ લઇ રાહત અનુભવે છે. આ સ્થળ ઘાટી જેવું છે તે માટે યાત્રાળુઓ પણ થોડીવાર આરામ કરી અને રાહત અનુભવે છે. અને ઘણા લોકો અમને આશીર્વાદ પણ આપે છે કે તમને ઘણા વર્ષથી અહીં આ સેવા કરતા જોઈએ છીએ.