ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગુજરાતના સુપ્રસિદ્ધ નવરાત્રી પર્વ દરમિયાન માઈભક્તો-ખેલૈયાઓની આરોગ્ય સલામતી સુનિશ્ચિત કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સુદ્રઢ આયોજન કરાયું છે.
આ અંગે પ્રેસ-મીડિયાને વિગતો આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, નવરાત્રી મહોત્સવ દરમિયાન રાજ્યના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં શ્રદ્ધાળુઓ દ્વારા ઠેર-ઠેર માતાજીના ગરબા યોજવામાં આવે છે, જ્યારે કેટલીક જગ્યાએ મોટી સંખ્યામાં માઈભક્તો રાસ-ગરબે ઝૂમીને માતાજીની આરાધના કરી શકે તે માટે ભવ્ય આયોજન કરવામાં આવે છે. રાજ્યમાં આવી મોટી નવરાત્રીનું આયોજન થયું હોય તેવા સ્થળો ખાતે રાજ્ય સરકાર વિવિધ આરોગ્ય સેવાઓ પૂરી પાડશે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ગરબાના સમય દરમિયાન આયોજનના સ્થળે નાગરિકોના આરોગ્યને લગતા કોઈ પ્રશ્નો ઉપસ્થિત થાય તેવા સંજોગોમાં તેમને ત્વરીત સારવાર પૂરી પાડવાના શુભ આશયથી મેડીકલ ટીમ સાથેની એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવશે. આ એમ્બ્યુલન્સ કટોકટીના સમયે સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપીને દર્દીને બનતી ત્વારાએ હોસ્પિટલ સુધી પહોંચાડીને નાગરિકોની આરોગ્ય સલામતી સુનિશ્ચિત કરશે.
આ ઉપરાંત રાજ્યના સામુહીક આરોગ્ય કેન્દ્રો, પેટા જિલ્લા હોસ્પિટલો અને જિલ્લા હોસ્પિટલો ખાતે પણ ત્વરિત સારવાર માટે રાઉન્ડ ધ કલોક તબીબો સહિતનો મેડીકલ સ્ટાફ જરૂરી સુવિધાઓ સાથે ખડે પગે રહેશે, તેમ મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું.