સુરતઃસંજીવ રાજપૂત: ‘ફીટ ઈન્ડીયા, ફીટ મીડિયા’ અંતર્ગત રાજ્ય સરકાર અને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી-ગુજરાતના સંયુક્ત ઉપક્રમે મીડિયાકર્મીઓ માટે બે દિવસીય નિ:શુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ સંપન્ન થયો હતો. સુરત સરકીટ હાઉસ ખાતે યોજાયેલા કેમ્પમાં મોટી સંખ્યામાં પ્રિન્ટ-ઈલેકટ્રોનિક મીડિયાના મિત્રોએ લાભ લીધો હતો. કેમ્પમાં જુદા-જુદા પ્રકારના બ્લડ રિપોર્ટ, એક્સ-રે, ઈ.સી.જી. જેવા રિપોર્ટ કરાયા હતા.
કેમ્પના બીજા દિવસે રેડક્રોસના માનદ્દ મંત્રી ડો.મુકેશ જગીવાલાએ જણાવ્યું હતું કે, રાજય સરકાર અને અમદાવાદ રેડક્રોસના ચેરમેન અજયભાઈ પટેલના સફળ પ્રયાસોથી સમગ્ર રાજ્યમાં મીડિયાકર્મીઓનો હેલ્થ ચેકઅપ કેમ્પ પૂર્ણતાના આરે છે. જેમાં સુરતમાં પણ મીડિયાકર્મીઓએ બહોળી સંખ્યામાં ભાગ લીધો છે.
તેઓએ વધુમાં જણાવ્યું કે, રેડક્રોસના વર્તમાન ચેરમેન અજયભાઈ પટેલના માર્ગદર્શનમાં રેડક્રોસના કાર્યોની ક્ષિતિજ વિસ્તરી રહી છે અને નવા પ્રકલ્પો સાકાર થઇ રહ્યા છે. હેલ્થ ચેકઅપ સૌના સહિયારા પ્રયાસોથી સફળ રહ્યો હોવાનું જણાવીને રિપોર્ટમાં હેલ્થ સબંધી કોઈ સમસ્યા આવશે તો રેડક્રોસ સોસાયટી દ્વારા પત્રકારોને પૂરતો સહયોગ આપવામાં આવશે તેમ ઉમેર્યું હતું.
દક્ષિણ ઝોનના સંયુક્ત માહિતી નિયામક અમિત ગઢવીએ જણાવ્યું હતું કે, મમુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરણા તેમજ માહિતી ખાતાના સચિવ અવંતિકા સિંઘ અને માહિતી નિયામક કે. એલ. બચાણીના માર્ગદર્શન હેઠળ ‘ફીટ ઇન્ડિયા- ફીટ મીડિયા’ કેમ્પેઈનું સુરત ખાતે સફળતાપૂર્વક આયોજન કરાયું છે. આ બે દિવસીય કેમ્પને સફળ બનાવવા માટે ગઢવીએ મીડિયા પ્રતિનિધિઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ કેમ્પના સમાપન પ્રસંગે નાયબ માહિતી નિયામક યુ.બી.બવીસા, સહાયક માહિતી નિયામક એમ.એમ. વેકરીયા, સહાયક માહિતી નિયામક સી. એફ. વસાવા, કામરેજ બ્રાંચ ચેરમેન હિતેશગીરી ગોસ્વામી, રેડક્રોસ અને માહિતી ખાતાના કર્મીઓ, પ્રિન્ટ-ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.