Helth

ભારત બની રહ્યું છે ટીબી મુક્ત; મોરબી બની રહ્યું છે ટીબી મુક્ત

મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ મોરબીમાં ૧૦૦ દિવસ ટીબી નિર્મૂલન અભિયાનનો જિલ્લા વ્યાપી શુભારંભ કરાવ્યો

મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા 
“વડાપ્રધાનશ્રીએ આંતરમાળખાકીયની સાથે સર્વાંગિક વિકાસને મહત્વ આપી બહુજન હિતાય બહુજન સુખાયના અભિગમને સાર્થક કર્યું”

“સરકારશ્રીએ ૨૦૨૫ સુધીમાં ભારતને ટીબી મુક્ત બનાવવાનું જે લક્ષ્ય બનાવ્યું છે તે દિશામાં ગુજરાત આગળ વધી રહ્યું છે”

ગુજરાતના ૧૬ જિલ્લામાં મોરબીનો સમાવેશ; મોબાઈલ વાન અને આરોગ્ય કેન્દ્રો થકી સમગ્ર જિલ્લાને આવરી લેવાશે

મોરબી જિલ્લામાં મોરબી પ્રભારી અને શિક્ષણ મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જિલ્લા પંચાયત ખાતેથી 100 Days Intensified Campaign on TB Elimination નો જિલ્લા વ્યાપી શુભારંભ કરાવ્યો હતો. આ અભિયાન માટેની મોબાઈલ વાનને મંત્રીશ્રીએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવી હતી.

આ પ્રસંગે સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, માનવીય અભિગમ દાખવી સરકારે લોકોની આરોગ્ય સુખાકારી માટે અનેક પ્રયાસો હાથ ધર્યા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ માત્ર આંતરમાળખાકીય વિકાસ કે જીડીપીની સાથે સર્વાંગિક વિકાસને ભારોભાર મહત્વ આપી બહુજન હિતાય બહુજન સુખાયના અભિગમને સાર્થક કર્યું છે.

ટીબીના દર્દીઓની સરકાર દ્વારા સામુહિક ચિંતા કરી તેમને નીક્ષય પોષણ યોજના અંતર્ગત મળતી ૫૦૦ ની સહાય વધારીને ૧૦૦૦ રૂપિયા કરવામાં આવી છે. સરકારે ૨૦૨૫ સુધીમાં ભારતને ટીબી મુક્ત બનાવવાનું જે લક્ષ્ય બનાવ્યું છે તે દિશામાં ગુજરાત આગળ વધી રહ્યું છે.

આરોગ્ય સુખાકારી માટે રોડમેપ બનાવી સરકાર તે તરફ આગળ વધી રહી છે, દરેક બાળક માનસિક શારીરિક રીતે સક્ષમ બને તે માટે દરેક આરોગ્ય કર્મચારી પોતાની નોકરીને એક સેવા માનીને કામગીરી કરે તે અનિવાર્ય છે તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું.

જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હંસાબેન પારેઘીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ ટીબીને નાથવા માટે ઝુંબેશ રૂપે અભિયાન શરૂ કર્યું છે. આ અભ્યાનને સહિયારા પ્રયાસોથી સફળ બનાવવા તેમણે સૌને અપીલ કરી હતી.

સરકારશ્રી દ્વારા વર્ષ ૨૦૨૫ સુધીમાં ભારતને ટીબી મુક્ત ભારત કરવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. જે અંતર્ગત દેશનું આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સમગ્ર દેશમાંથી ટીબી રોગ નાબુદ કરવા પ્રતિબધ્ધ છે. જેના ભાગરૂપે મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ મોરબી ખાતેથી ટીબીના નવા કેસ વહેલી તકે શોધી, નવા કેસમાં ત્વરિત ધોરણે સારવાર શરૂ કરીને મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો લાવી જાહેર આરોગ્યમાં સુધારો લાવવાના હેતુથી ‘100 days intensified Campaign on TB Elimination’ અભિયાન શરૂ કરાવ્યું હતું.

આ અભિયાન હેઠળ દેશના ૩૪૭ જિલ્લાઓને પ્રાથમિક ધોરણે આવરી લેવામાં આવનાર છે. જેમાં ગુજરાતના કુલ ૧૬ જિલ્લા અને ૦૪ કોર્પોરેશનની પસંદગી કરવામાં આવી છે જેમાં મોરબી જિલ્લાનો પણ શમાવેશ કરવામાં આવ્યો છે.

આ અભિયાન અંતર્ગત ટીબી થવાનું જોખમ ધરાવતા તમામ વ્યક્તિઓની ટીબી અંગેની સ્થળ પર જ તપાસ કરવામાં આવશે. જેમાં ડાયાબીટીસ ધરાવતા દર્દીઓ, ૬૦ વર્ષથી ઉપરના તમામ વ્યક્તિઓ,

<18.5 BMI (જેમનું BMI 18.5 થી ઓછું હોય), ધુમ્રપાન કરતા હોય તેવી વ્યક્તિઓ, છેલ્લા પાંચ વર્ષમાં ટીબી થયેલ હોય તેવા વ્યક્તિઓ અને છેલ્લા ૨ વર્ષમાં ટીબી થયેલ હોય તેવા દર્દીના ઘરના સભ્યોને આવરી લેવામાં આવશે. જે અભિયાનનો જિલ્લા વ્યાપી શુભારંભ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ટીબીના દર્દીઓને કીટ આપતા દાતાશ્રીઓનું મંત્રીશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. પી.કે. શ્રીવાસ્તવે કર્યું હતું, આભારવિધિ ટીબી અધિકારીશ્રી ડો. ધનસુખ અજાણાએ કરી હતી.

આ પ્રસંગે ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી હીરાભાઈ ટમારીયા, આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી સરોજબેન ડાંગરોચા, મોરબી તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અશોકભાઈ દેસાઈ, જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી, નિવાસી અધિક કલેક્ટરશ્રી એસ.જે. ખાચર, અગ્રણીશ્રી રણછોડભાઈ દલવાડી તથા કે.એસ. અમૃતિયા સહિત સ્થાનિક આગેવાન અને જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓ/ કર્મચારીશ્રીઓ તથા ટીબીના દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાધનપુર ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા જિનેરિક દવાનું 50% થી 90% સસ્તી દવાનું વેચાણ કરી અવગત કરાયા…

એબીએનએસ, રાધનપુર: પાટણ જિલ્લાના રાધનપુર ખાતે સરકારી રેફરલ હોસ્પિટલ કેમ્પસમાં…

સિહોર સામુહિક આરોગ્ય કેન્દ્ર ને સંસદ સભ્યશ્રી મનસુખભાઇ માંડવીયા દ્વારા એમ્બ્યુલન્સનું લોકાર્પણ

સિહોર સામુહિક આરોગ્ય કેન્દ્રને સંસદ સભ્યશ્રી સ્થાનિક વિકાસ વિસ્તાર યોજના એમ.પી.…

1 of 5

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *