Ahmedabad

અમદાવાદમાં રાજ્યકક્ષાના ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ’નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કૃષિ મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદમાં રાજ્યકક્ષાના મિલેટ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રી અને ઉપસ્થિત મહાનુભાવોએ મિલેટ વેચાણ કમ પ્રદર્શન સ્ટોલ્સની મુલાકાત લીધી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્ય બીજ નિગમ લિમિટેડના અમદાવાદ જિલ્લાના ૩ અને જામનગર જિલ્લાના ૧ ગોડાઉન કોમ્પલેક્ષનું ઈ – લોકાર્પણ પણ કર્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લોકોને હંમેશા સ્વાસ્થ્ય માટે જાગૃત થવા પ્રેરણા આપે છે. તેમના વિઝનરી નેતૃત્વમાં જનતાની સુખાકારીને હંમેશા પ્રાધાન્ય અપાયું છે અને તેમના જનકલ્યાણલક્ષી અભિગમને સાર્થક કરતો આ કાર્યક્રમ છે.

રાજ્યની સાત મહાનગરપાલિકાઓમાં દ્વિ દિવસીય ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2025’ કાર્યક્રમના સમયસર અને સુચારું આયોજન બદલ રાજ્યના કૃષિ વિભાગને અભિનંદન પાઠવતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનએ ‘વિરાસત ભી, વિકાસ ભી’ના મંત્ર સાથે દેશના સમૃદ્ધ વારસાનું ગૌરવ કર્યું છે.

મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, આદિકાળથી આપણી ખાનપાન શૈલીનો હિસ્સો રહેલા બરછટ ધાન્યો આપણો વારસો છે.

વડાપ્રધાનએ ‘ઇન્ટરનેશનલ ઈયર ઑફ મિલેટ’ દ્વારા આ સ્વાસ્થ્યપ્રદ ધાન્યના ફાયદાઓ સમગ્ર દૂનિયા સમક્ષ સફળતાપૂર્વક ઉજાગર કર્યા છે તેનું તેમણે ગૌરવ કર્યું હતું.

શ્રી અન્નની લોકપ્રિયતા વિશે વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, થોડા દાયકા પહેલાં ભારતમાં ઓછી આવક ધરાવતા અને ગરીબ પરિવારોના ખોરાકમાં વપરાતું બરછટ અનાજ હવે અમીર લોકોની થાળીની શાન બન્યું છે અને હવે તો લગ્ન પ્રસંગોએ પણ ખાસ મિલેટ કાઉન્ટર જોવા મળે છે. આજે મિલેટ આધારિત પ્રોસેસ્ડ અને પેકેજ્ડ ફૂડ આઇટમ્સ સ્ટોર્સ અને માર્કેટ સુધી પહોંચી છે તથા મિલેટ્સની સંપૂર્ણ સપ્લાય ચેઈન વિકસી છે. દેશમાં આ ક્ષેત્રે ૫૦૦થી વધુ સ્ટાર્ટઅપ્સ પણ કાર્યરત થયા છે તેની વિસ્તૃત વિગતો મુખ્યમંત્રીએ આપી હતી.

એટલું જ નહિ મોટી સંખ્યામાં એફ.પી.ઓ. પણ આ ક્ષેત્રે આગળ આવ્યા છે તથા સ્વ-સહાય જૂથની મહિલાઓ પણ હવે મિલટ્સના ઉત્પાદનો બનાવીને આત્મનિર્ભર બની છે તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ પ્રાકૃતિક કૃષિના ફાયદાઓ તથા મહત્વ સમજાવીને ઉપસ્થિત સૌને રાસાયણિક ખેતી છોડીને ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અપનાવવા પણ અનુરોધ કર્યો હતો.

કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, મિલેટ્સની ખેતી ખેડૂત, જમીન અને ખોરાક લેનાર વ્યક્તિ એમ તમામ માટે ફાયદાકારક છે. બાળકથી લઈને વૃદ્ધ, દરેક વયની વ્યક્તિ માટે મિલેટ અતિ આરોગ્યપ્રદ છે.

તેમણે કહ્યું કે, ૨૦૨૩ના વર્ષને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઉજવવાના વડાપ્રધાનના પ્રસ્તાવનું સમર્થન વિશ્વના ૭૨ દેશોએ કર્યું હતું. તેમની દીર્ઘદ્રષ્ટિને પરિણામે સુપરફૂડ મિલેટના ફાયદા વિશ્વના અનેક દેશો સુધી પહોંચ્યા છે.

મંત્રીએ વધુમાં કહ્યું કે, રાજ્ય અને કેન્દ્ર સરકાર મિલેટની ખેતીને પ્રોત્સાહન આપી રહી છે.
પર્યાવરણ સુધરે તેમજ ખેડૂતને પણ આર્થિક ફાયદો થાય તે માટે પ્રાકૃતિક ખેતી અને મિલેટ પાકોની ખેતી જરૂરી છે, એમ તેમણે ઉમેર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યની ૭ મહાનગરપાલિકાઓમાં ૮મી અને ૯મી ફેબ્રુઆરીના રોજ બે દિવસીય ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ ૨૦૨૫’ યોજાશે. રાજ્યભરના મિલેટ ઉત્પાદકો, પ્રાકૃતિક કૃષિ ઉત્પાદકો, ઓર્ગેનિક ખાદ્ય ઉત્પાદકો સહિત ખેડૂતો, સંસ્થાઓ અને વેપારીઓ એક મંચ પર આવશે.

વિવિધ પ્રકારના પરિસંવાદો, તાલીમ, સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત મિલેટ વેચાણ કમ પ્રદર્શન સ્ટોલ્સ અને મિલેટ લાઈવ ફૂડ સ્ટોલ્સ મુલાકાતીઓમાં અનેરૂ આકર્ષણ જગાવશે..

રાજ્યકક્ષાના મિલેટ મહોત્સવના પ્રારંભ પ્રસંગે અમદાવાદના મેયર સુશ્રી પ્રતિભા જૈન, અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ કંચનબા વાઘેલા, રાજ્યસભા સાંસદ નરહરિ અમીન, સ્થાનિક ધારાસભ્યઓ, અમદાવાદના ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ, અ.મ્યુ.કો.ના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્મા, અમદાવાદ જિલ્લા કલેક્ટર સુજીત કુમાર, અમદાવાદના જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરે, કૃષિ, આત્મા અને બાગાયત વિભાગના પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદમાં ટ્રાન્સપ્લાન્ટેશન અપડેટ-૨૦૨૫ કોન્ફરન્સનો પ્રારંભ કરાવતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદની અસારવા સિવિલ હૉસ્પિટલ ખાતે મુખ્યમંત્રી…

કોલ્ડપ્લે કોન્સર્ટમાં અમદાવાદ પોલીસ અને ટ્રાફિકની કામગીરીને બિરદાવતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

અમદાવાદ, સંજીવ રાજપૂત: વિશ્વભરમાં પ્રસિદ્ધ બ્રિટિશ બેન્ડ કોલ્ડપ્લેનો ભારતનો સૌથી…

22 જાન્યુઆરીએ મોડાસા ખાતે ભારતીય વાયુસેના ઇન્ડક્શન પબ્લિકિટી પ્રદર્શન વાહન કવાયતનું આયોજન યોજાશે.

સંજીવ રાજપૂત, અમદાવાદ: ભારતીય વાયુસેના દ્વારા એક ઇન્ડક્શન પ્રચાર અભિયાન…

1 of 12

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *