જામનગર, સંજીવ રાજપૂત: જામનગર તાલુકાના આયુષ્યમાન આરોગ્ય મંદિર નવા નાગના ખાતે આરોગ્ય વિભાગ અને જામનગર કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટયુટ દ્વારા કિશોરીઓ માટે સર્વાઇકલ (ગર્ભાશયના મુખ) કેન્સર જાગૃતિ અંગે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જુના નાગના અને નવા નાગના ગામની કિશોરીઓ અને તેમના માતા-પિતાને બોલાવવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા JCIRના સહયોગથી ૨૬ કિશોરીઓને ગર્ભાશયના મુખના કેન્સર સામે રક્ષણ આપતી એચ.પી.વી. રસી આપવામાં આવી હતી.
આ શિબિરમાં શાળાએ ન જતી અને કોઈ કારણોસર અભ્યાસ છોડી દીધો હોય તેવી કિશોરીઓને સર્વાઇકલ (ગર્ભાશયના મુખ) કેન્સર જાગૃતિ વિષે વિગતવાર પ્રેઝન્ટેશન દ્વારા માહિતી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ગર્ભાશયના મુખનું કેન્સર અને સ્તન કેન્સરએ સ્ત્રીઓમાં થતા સૌથી સામાન્ય કેન્સર છે. સર્વાઇકલ કેન્સરનું સૌથી સામાન્ય કારણ હ્યુમન પેપીલોમાં વાઇરસ (HPV) છે. ૧૦ થી ૨૦ વર્ષની કિશોરીઓને રસી આપ્યા બાદ ગર્ભાશયના મુખનું કેન્સર થવાની શક્યતા ૯૮% ઘટી જાય છે.