અમદાવાદ, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, ગુરુકુળમાં બાળકોના જીવનનું યોગ્ય ઘડતર થાય છે. ગુરુકુળમાં ભણતા બાળકો જીવનના કોઈપણ સંઘર્ષ સામે લડવા સક્ષમ હોય છે.
અમદાવાદના રામનગર ખાતે આવેલા સાબરમતી ગુરુકુલમ્ ખાતે આયોજિત ‘આર્ય ઉત્સવ – વાર્ષિક મહોત્સવ’માં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, ગુરુકુળમાંથી મળતા જ્ઞાનથી વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય છે. ગુરુકુળમાં ગરીબ હોય કે પૈસાદાર સૌને એક સરખી શિક્ષા પ્રાપ્ત થાય છે, જેનું શ્રેષ્ઠ ઉદાહરણ કૃષ્ણ અને સુદામા છે, જેમને એક જ ગુરુકુળમાંથી શિક્ષા પ્રાપ્ત કરી છે.
સાબરમતી ગુરુકુલમ્ અંગે વાત કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વધુમાં ઉમેર્યું કે, સાબરમતી ગુરુકુલમ્ બાળકોમાં ભારતીય સંસ્કૃતિ તેમજ જીવનના સાચા મૂલ્યોનું સિંચન કરે છે. એટલું જ નહિ આવનારી પેઢીને યોગ્ય દિશામાં વાળવાનું કામ સાબરમતી ગુરુકુલમ્ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જે ખૂબ જ ગર્વની વાત છે.
રાજ્યપાલએ વધુમાં ઉમેર્યું હતું કે, ભારત એક વિચારધારા અને એક સંસ્કૃતિ છે. આપણે સૌએ ગુરુકુળની પરંપરાને આગળ વધારવી જોઈએ.
સાબરમતી ગુરુકુલમના આર્થિક સહયોગ માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રૂપિયા ૫ લાખની રકમ દાન સ્વરૂપે આપતા કહ્યું કે, ગુરુકુલની પરંપરાને જીવંત રાખવા માટે સમાજના શ્રેષ્ઠીઓનો આર્થિક સહયોગ મળે તે જરૂરી છે, કેમ કે આ પ્રકારની ગુરુકુળ બાળકોના ભવિષ્યનું નિર્માણ કરે છે.
આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સાબરમતી ગુરુકુલમ્ ના ઋષિકુમારો દ્વારા વૈદિક ગણિતની પ્રસ્તુતિ, એક ટુકડા જમીન કા નાટક, મલખમ, જિમ્નાસ્ટીક, યોગ સાધના, ન્યાયશાસ્ત્ર તેમજ સરસ્વતી વંદનાની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં રત્નાંજલિ ગ્રુપના મેનેજીંગ ડિરેક્ટર સંયમભાઈ શાહ, સાબરમતી ગુરુકુલમ્ ના સંચાલક ઉત્તમભાઈ શાહ, ટ્રસ્ટી વંશરાજભાઈ, અગ્રણીઓ તેમજ ઋષિકુમારોના માતા-પિતા અને મોટી સંખ્યામાં સાબરમતી ગુરુકુલમના સાથે સંકળાયેલા લોકો ઉપસ્થિત રહ્યાં હતા.