“બ્લેક આઉટ એટલે અંધારપટ”, યુદ્ધની પરિસ્થિતિ અંગે જાગૃતિ કેળવવા હેતુથી બ્લેક આઉટ કરવાનું રહેશે
ભાવનગર જિલ્લામાં થનાર બ્લેક આઉટ અને મોકડ્રિલ અંગે પત્રકાર પરિષદમાં જિલ્લા કલેકટર ડો. મનીષ કુમાર બંસલ એ માહિતી આપી
સાંજે 7.45 વાગ્યે બે મિનિટ સુધી સાયરન વાગવાની સાથે નાગરિકોએ ઇલેક્ટ્રિક લાઈટના ઉપકરણો બંધ કરવાના રહેશે
ભાવનગર જિલ્લામાં તા. 7 મે ના રોજ થનાર બ્લેક આઉટ અંગે કલેકટર કચેરીના વિડિયો કોન્ફરન્સ હોલ ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં જિલ્લા કલેકટર ડો. મનીષ કુમાર બંસલ એ માહિતી આપી હતી.
જિલ્લા કલેકટર ડો. મનીષ કુમાર બંસલ એ જણાવ્યું હતું કે સીવિલ ડિફેન્સના ભાગરૂપે એટલે કે સામાન્ય નાગરિકોમાં યુદ્ધની પરિસ્થિતિ અંગે જાગૃતિ કેળવવા હેતુથી બ્લેક આઉટ કરવામાં આવશે.
ભાવનગર જિલ્લામાં તા. 7 મે ના રોજ રાત્રે 7.45 થી 8.15 વાગ્યા સુધી બ્લેક આઉટ એટલે કે અંધારપટ, જેમાં દરેક વ્યક્તિઓએ પોતાના ઘરે ઇલેક્ટ્રિક લાઈટના ઉપકરણો બંધ કરવાના રહેશે. સાંજે 7.45 વાગ્યે બે મિનિટ સુધી સાયરન વગાડવામાં આવશે ત્યારે ઇલેક્ટ્રિક લાઈટના ઉપકરણો બંધ કરવાના તેમજ 8.15 વાગ્યે એક મિનિટ સાયરન વાગશે ત્યારે ઇલેક્ટ્રિક લાઈટ ફરી શરૂ કરવાની રહેશે.
બ્લેક આઉટ કોર્પોરેશન વિસ્તાર, નગરપાલિકા વિસ્તાર અને ભાવનગર જિલ્લાના ગામડાઓમાં કરવાનો રહેશે.
વધુમાં જણાવ્યું હતું કે સીવિલ ડિફેન્સના ભાગરૂપે બ્લેક આઉટ અને મોકડ્રિલ તા. 7 મે ના રોજ કરવામાં આવશે જેના અનુસંધાને સાંજે 4 વાગ્યે જિલ્લાના કોઈ એક સ્થળ પર મોકડ્રિલ કરવામાં આવશે.
જિલ્લા કલેકટર શ્રી એ અપીલ કરી છે કે કોઈ ઇમરજન્સી કામ વગર રાત્રે 7.45 થી 8.15 વાગ્યા સુધી એટલે કે અડધો કલાક વાહન લઈને બહાર નીકળવાનું ટાળવું.
આ પત્રકાર પરિસરમાં જિલ્લાવિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરી, પોલીસ અધિક્ષક શ્રી ડો. હર્ષદ પટેલ, અધિક નિવાસી કલેકટર શ્રી એન. ડી. ગોવાણી ઉપસ્થિત રહ્યા હતા