અમદાવાદ, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ‘સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન’માં જોડાયા હતા ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે તેમણે અમદાવાદમાં વલ્લભ સદન પાસે સાબરમતી નદીના પટમાં ઉતરીને સ્વચ્છતા માટે શ્રમદાન કર્યું હતું. અમદાવાદના નાગરિકોને સંબોધીને તેમણે કહ્યું કે, જે લોકો સાબરમતી રિવરફ્રન્ટની સુંદરતાનો આનંદ લઈ રહ્યા છે તેમણે સાબરમતી નદીની સ્વચ્છતામાં પણ સહભાગી થવું જોઈએ. સાબરમતીની સ્વચ્છતાની જવાબદારી લેવી જોઈએ.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે ‘સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન’ અંતર્ગત અત્યાર સુધીમાં સાબરમતી નદીમાંથી 408 મેટ્રિક ટન કચરો કાઢવામાં આવ્યો છે. તેમાં 33 મેટ્રિક ટનથી વધુ કાપડ, 70 મેટ્રિક ટનથી વધુ પ્લાસ્ટિક અને 41 મેટ્રિક ટન જેટલું લાકડું કાઢવામાં આવ્યું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ નાગરિકોને અપીલ કરતાં કહ્યું કે, પૂજનની અવશિષ્ટ સામગ્રી અને પ્લાસ્ટિકથી નદીમાં ખૂબ ગંદકી થાય છે. સાબરમતી નદીને સ્વચ્છ અને પવિત્ર રાખવાની આપણી સામૂહિક જવાબદારી છે. આપણે સજાગ થઈશું તો આવનારી પેઢીને સ્વચ્છ સાબરમતી અને સ્વચ્છ પર્યાવરણ પ્રદાન કરી શકીશું.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રદૂષિત, દુર્ગંધયુક્ત અને ગંદકીના ઘર જેવી સાબરમતી નદીની ગંદકીને દૂર કરવાનો સંકલ્પ કર્યો અને સાબરમતી નદી અમદાવાદ શહેરના લોકો માટે વરદાન બની શકે તે રીતે તેમણે સાબરમતી રિવરફ્રન્ટનું નિર્માણ કર્યું. સાબરમતી નદીની ગંદકી દૂર કરીને તેને શુદ્ધ અને પવિત્ર બનાવવાનું ભગીરથ કાર્ય કર્યું છે.
આજે સાબરમતી રિવરફ્રન્ટ દેશ અને દુનિયા માટે એક પ્રેરણારૂપ બન્યો છે. સાથો સાથ સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદ માટે શાંતિ અને આનંદનું વાતાવરણ પ્રદાન કરનાર પણ બન્યો છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી નિયમિત રીતે પ્રતિમાસ સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થાય છે. તેમના કાર્યક્રમો દરમિયાન તેઓ નિયમિત રીતે સ્વચ્છતા ઝુંબેશમાં જોડાય છે અને લોકોને સ્વચ્છતા માટે સતત પ્રેરિત કરતા રહ્યા છે.
આ અવસરે તેમણે કહ્યું કે, આ અભિયાન અંતર્ગત હું આજે અમદાવાદમાં સ્વચ્છ સાબરમતી મહાઅભિયાનમાં જોડાયો છું. આ અભિયાન અંતર્ગત રિવરફ્રન્ટમાં મોટી સંખ્યામાં પ્લાસ્ટિક અને ધાર્મિક પૂજામાં ઉપયોગમાં લેવાતી સામગ્રી જોવા મળી છે. આ સ્થિતિના કારણે સાબરમતી નદીનું પાણી પ્રદૂષિત થઈ રહ્યું છે.
રાજ્યપાલએ અમદાવાદનાં નગરજનોને અપીલ કરતાં કહ્યું કે, આગામી તા. 5 જૂન સુધીમાં નગરજનોએ થોડો સમય કાઢીને ‘સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન’માં સહભાગી થવું જોઈએ.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે ‘સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન’માં અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, અમદાવાદના સાંસદ દિનેશભાઈ મકવાણા, ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ ડૉ. હર્ષદ પટેલ, ધારાસભ્યઓ, કોર્પોરેટરશ્રીઓ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાણી, સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના ચેરમેન આઇ.પી ગૌતમ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરઓ, ચેરમેનઓ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ- પદાધિકારીઓ, ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ, એનઆઇડીના વિદ્યાર્થીઓ, એનસીસી કેડેટ્સ, વિવિધ સંસ્થાઓ અને વિવિઘ એનજીઓના કાર્યકર્તાઓ તેમજ આસપાસના વિસ્તારના રહીશો મોટી સંખ્યામાં જોડાયા હતા.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લી. ના સંયુક્ત ઉપક્રમે તા. ૧૫ મી મે થી ‘સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન’ની શરૂઆત કરવામાં આવી છે. ગુજરાત સરકારના નર્મદા જળ સંપતિ અને કલ્પસર વિભાગ દ્વારા વાસણા બેરેજમાં બંધ સુરક્ષાને ધ્યાને લઈ ચોમાસા પૂર્વે દરવાજાના મરામતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત વાસણા બેરેજના ઉપરવાસમાં માટીનો રેમ્પ બનાવવાની કામગીરી હાથમાં ધરવાની હોવાથી સાબરમતી નદીને સંપૂર્ણપણે ખાલી કરવાની હતી.
આમ નદી સંપૂર્ણપણે ખાલી થવાની જ હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા જનહિતમાં નદીની સફાઈ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ‘સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન’ની શરૂઆત અમદાવાદ શહેરના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈનના વરદ હસ્તે કરવામાં આવી હતી.
આજ સુધીમાં આ મહાઅભિયાનમાં કુલ 40,435 લોકો શ્રમદાન કરી ચૂક્યા છે. લોકો સ્વતંત્રપણે, વિવિધ સંસ્થાઓ જેવી કે ધાર્મિક, સામાજિક, ઉદ્યોગ, શાળા, કોલેજ, NCC વિગેરે માંથી સ્વચ્છ સાબરમતી મહાઅભિયાનમાં જોડાઈ રહ્યા છે. કચરો સાફ કરવામાં શ્રમદાન કરી રહેલા લોકો સાથે યાંત્રિક મજબૂતી આપવા માટે રોજે રોજ JCB, ટ્રક, ટ્રેક્ટર અને હિટાચી જેવા યાંત્રિક ઉપકરણો પણ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.