અમદાવાદ: અમદાવાદના સોલાના હેબતપુર રોડ પર વૃદ્ધ પાટીદાર દંપતિની કરપીણ હત્યા કેસમાં ક્રાઈમ બ્રાન્ચે સૌથી મોટી સફળતા મળી છે અને અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે હત્યાના તમામ આરોપીઓની ધરપકડ કરી છે.
સોલાના હેબતપુરમાં શાંતિ પેલેસ બંગ્લોઝમાં લૂંટના ઈરાદે વૃદ્ધ પાટીદાર દંપતિની ગળુ કાપીને હત્યા કરી દેવાઈ હતી. ક્રાઇમ બ્રાન્ચે ગ્વાલિયરના ગિઝોરામાંથી પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે અને આ લૂંટમાં ગયેલ મુદ્દામાલ પણ કબ્જે કરાયો છે.
અમદાવાદ થલતેજના પોશ વિસ્તારમાં આવેલ શાંતિ પેલેસ બંગલામાં વૃદ્ધ દંપતીની કરપીણ હત્યા અને લૂંટ કેસના આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઓળખ કરવામાં આવી છે. તમામ પાંચ આરોપીઓની તપાસમાં સામે આવ્યું કે, બંગલામાં મિસ્ત્રીકામ કરતા શખ્સે આખી હત્યાનો માસ્ટર પ્લાન બનાવ્યો હતો. સુથારીકામ કરતી વ્યક્તિની ઊલટ તપાસમાં આ સમગ્ર હત્યાનું કાવતરું સામે આવ્યું છે. આરોપીઓ પૈકી મુખ્ય આરોપી દંપતીના ઘરમાં સુથારીકામ કરતો હતો. ઘરમાં દાદા-દાદી એકલાં હતાં. એની જાણ તેને હતી અને તેની સાથે ઘરમાં દાગીના અને રૂપિયા પણ હોવાની જાણ તેને હતી, જે માટે તેણે લૂંટનો પ્લાન ઘડ્યો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના એસીપી ચુડાસમાએ જણાવ્યું કે, મુખ્ય માસ્ટરમાઈન્ડ મધ્યપ્રદેશના ગ્વાલિયર જિલ્લાના ગિઝોરાનો રહેવાસી છે. તે અમદાવાદમાં રહીને મિસ્ત્રીકામ કરતો હતો. આરોપીએ સમગ્ર લૂંટનો પ્લાન બનાવ્યો હતો અને પોતાના સાથીઓને પણ બોલાવીને સામેલ કર્યા હતા.
લૂંટ અને મર્ડર કેસમાં ભરત કમલેશ ગૌડ, નીતિન રાજેશ ગૌડ, રાહુલ ઉર્ફે ગુલું કમલેશ ગૌડ, આશિષ મુન્નેશ વિશ્વકર્મા અને બ્રીજમોહન ઉર્ફે બિરજુ ખેમરાજનો સમાવેશ છે. જેમાં ભરત અશોક પટેલના ઘરે સુથારી કામ કરતો હતો. ભરતના બેનના લગ્ન હોવાથી તેને પૈસાની જરૂર હતી, જે પુરી કરવા માટે ચોરીનો પ્લાન ઘડ્યો હતો. જેને કારણે તે બે દિવસથી ઘરની રેકી કરતો હતો. આરોપીઓ માનતા હતા કે હાલ નાઈટ કર્ફ્યૂ છે, તેમજ જ્યોત્સનાબેન રોજ સવારે મોર્નિગ વોક પર જતાં હતાં. આ અંગે પણ આરોપીઓને જાણ હતી.
તેઓ સવારે પહેલા પહોંચી ગયા હતા અને નીતિન નામના વ્યક્તિએ ડોર બેલ વગાડી અને કહ્યું કે તમારા ઘરમાં જે ફર્નિચરનું કામ ચાલે છે તેના અમારે ફોટો પાડવા છે તેમ કહીને ચાર શખ્સો ઘરમાં ઘુસી ગયા હતા.
આ દરમિયાન મૃતક અશોક પટેલ બંગલોના નીચેના રૂમમાં હતા. પહેલા હત્યારાઓએ અશોકભાઈ સાથે ઝપાઝપી કરી એ દરમિયાન જ્યોત્સનાબેન ઉપર પૂજા રૂમમાં હતા ત્યારે અવાજ આવતા તેઓ નીચે આવ્યા તો નીતિને તેમના પર હુમલો કર્યો. જેમાં જ્યોત્સનાબેન મૃત્યુ પામ્યા ત્યારબાદ અશોકભાઈ પર હુમલો કર્યો અને તેમનું મોત થયું હતું.
આ ઘટનાને અંજામ આપ્યા બાદ 4 આરોપી અલગ અલગ બે બાઈક પર નીકળ્યા હતા. જેમાં તેઓ વૈષ્ણોદેવી એકઠા થયા હતા. ત્યાર બાદ ત્યાથી હિંમતનગર થઈ ચિત્તોડગઢ રોકાયા હતા. જોકે પોલીસની ગંધ આવતા પોતાના વતન જતા રહ્યા હતા પરંતુ પોતાના ઘરે ન રોકાઈ એક દિવસ જંગલ અને મંદિરમાં રાત વિતાવી હતી. જોકે પોલીસે ખૂબ જ મહેનત કરી 5 આરોપીને અલગ અલગ રાજ્યમાંથી ઝડપી તમામ મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ ગુનામા હાલમાં એક આરોપી રવિ શર્મા ફરાર છે. જેની તપાસ કરવામા આવી રહી છે.