ડોક્ટર્સ ડે નિમિતે અંબાજીમાં ૧૫૦થી વધુ લોકોએ અંગદાનનો લીધો સંકલ્પ
છેલ્લા ૦૪ વર્ષમાં જાગૃતિ અભિયાન થકી ૭૦૦થી વધુ લોકોએ પોતાના અંગોનું કર્યું દાન:- શ્રી દિલીપ દેશમુખ દાદા
૧ જુલાઈ ૨૦૨૫ના રોજ શક્તિપીઠ અંબાજી ખાતે નેશનલ ડોક્ટર્સ ડે નિમિત્તે અંગદાન એ જીવન દાન અને રક્તદાન એ મહાદાન જાગૃતિ અભિયાન અંતર્ગત અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ, શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીના સહયોગથી સમાજસેવાનું ભગીરથ કાર્ય કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના નેશનલ પ્રેસિડેન્ટ ડૉ.અનિલભાઇ નાયકે અંગદાન માટે પ્રેરક વકતવ્ય આપ્યું હતું. શ્રી દિલીપ દેશમુખ દાદાએ અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું અને વધુમાં વધુ લોકો અંગદાન કરે અને આજના આ અમૃત કાળમાં કોઈનું પણ મૃત્યુ પૈસા કે અંગના અભાવના કારણે ન થાય તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા ચાર વર્ષથી આવા કાર્યક્રમો થકી અત્યાર સુધીમાં ૭૦૦થી વધુ લોકો અંગદાન કરી ચુક્યા છે. છેલ્લા ત્રણ વર્ષમાં આપણા બનાસકાંઠા જિલ્લામાં ૯(નવ) લોકોએ અંગદાન કર્યું છે જે ખુબ આવકારવા લાયક છે. દિલીપ દેશમુખ દાદા જેમના શરીરના અંગો કામ નથી કરી શકતા એવા અને જેમની બન્ને કિડની ફેઇલ હોય તેવા લોકોને મળ્યા હતા. તેમના પરિવારજનોને કીડની પોતાના જ પરિજનને આપવા માટે તેમણે પ્રોત્સાહિત કર્યા હતા.
આ અંગદાન અને રક્તદાન કાર્યક્રમમાં ૩૫થી વધુ બ્લડની બોટલો એકત્રિત કરવામાં આવી હતી. જ્યારે ૧૫૦ થી પણ વધુ લોકોએ અંગદાનનો સંકલ્પ કર્યો હતો.
રિપોર્ટર પ્રહલાદ પૂજારી અંબાજી