અહેવાલ: અનુજ ઠાકર.
પિતાના અથાગ સંઘર્ષની વાત કહેતી ગુજરાતી ફિલ્મ ‘ડેડા’ આજે એટલે કે 4 જુલાઈએ રિલીઝ થઈ ગઇ છે. બ્રિજરાજ એન્ટરટેઇનમેન્ટ અને ટીએમ એન્ટરટેઇનમેન્ટ દ્વારા સહ-નિર્મિત આ ફિલ્મનું દિગ્દર્શન હેમા શુક્લાએ કર્યું છે.
ફિલ્મની કહાની અખિલના જીવનની આસપાસ ઘૂમે છે. તેની પત્ની ખુશી પ્રેગ્નેટ હોય છે અને હાઈ રિસ્ક ડિલિવરીની સ્થિતિ સર્જાય છે. ગંભીર પરિસ્થિતિમાં તાત્કાલિક સારવાર માટે લાખો રૂપિયાની જરૂર હોય છે, ત્યારે અખિલ પાસે થોડા રૂપિયા પણ નથી હોતા. તેમ છતાં તે પત્ની અને આવનારા બાળકને બચાવવા માટે તમામ શક્ય પ્રયાસ કરે છે.
ફિલ્મમાં એક સામાન્ય માણસની ઇમોશનલ અને ફાઇનાન્શિયલ મુશ્કેલીઓ વચ્ચેની લડતને ખૂબ જ સંવેદનશીલ રીતે દર્શાવવામાં આવી છે.અખિલની ભૂમિકા ગૌરવ પાસવાલાએ નિભાવી છે, જ્યારે હેલી શાહ તેની પત્ની ખુશીના રોલમાં છે.
ફિલ્મમાં લીડ રોલમાં ગૌરવ પાસવાલા અને હેલી શાહ છે, જ્યારે સહાયક પાત્રોમાં હિતેન તેજવાની, સોનાલી લેલે દેસાઈ અને મેહુલ બુચ જેવા અન્ય કલાકારો છે.
ડિરેક્ટર હેમા શુક્લા
ડિરેક્ટર હેમા શુક્લા અગાઉ ‘ભાભીજી ઘર પર હૈ’ તેમજ ગુજરાતી ફિલ્મો ‘વારસો’ અને ‘કંકોત્રી’માં સહ-દિગ્દર્શક તરીકે જોડાઈ ચૂક્યાં છે. પરંતુ એક રાઇટર અને ડિરેક્ટર તરીકે આ તેમની પહેલી ફિલ્મ છે.આ ફિલ્મ ઇમોશનલ રોલરકોસ્ટર રાઇડ જેવી છે.
અભિનય
ગૌરવ પાસવાલાના અખિલ પાત્રમાં અપાર સહાનુભૂતિ અને દબાયેલા વેદનાઓની ઝાંખી જોવા મળે છે.
હેલી શાહ એક એવું પાત્ર ભજવે છે જે કેવળ પેશનથી નહીં, પણ એક પિતાના સંઘર્ષ માટેની શ્રદ્ધા દર્શાવે છે.
હિતેન તેજવાણી, સોનાલી દેસાઈ અને મેહુલ બુચ જેવા અનુભવી કલાકારોએ ફિલ્મને ભાર આપ્યો છે.
સંગીત
ફિલ્મનું બેકગ્રાઉન્ડ સ્કોર અને ગીતો ખૂબ લાગણીશીલ છે. ટૂંકા પણ અસરકારક ગીતો દરેક દૃશ્યની ઊંડાઈ વધારશે. સંગીત દ્વારા પાત્રો, આશા અને અંદરના તૂફાનને અત્યંત સચોટ રીતે રજૂ કરવામાં આવ્યું છે.
ફિલ્મનો મેસેજ
ડેડા આપણને એ વાત સમજાવે છે કે પિતૃભક્તિ કેવળ પ્રેમ નથી, એ એક જવાબદારી છે – અને કેટલીકવાર એ જવાબદારી એક માણસને પોતાની લિમિટ્સને ઓળંગવા પર મજબૂર કરે છે. આ ફિલ્મ એવા દરેક પિતાને સમર્પિત છે – જેમણે ક્યારેક તકલીફોનું વહન કરી અને પોતાના પરિવાર માટે મૌન ત્યાગ આપ્યો હોય.
જો તમે એક લાગણીશીલ, હૃદયસ્પર્શી અને જીવનની વાસ્તવિકતા સાથે જોડાયેલી ફિલ્મ જોવી ઇચ્છો છો, તો ‘ડેડા’ તમારા માટે છે. આ ફિલ્મ માત્ર જોવાની નથી, અનુભવવાની છે.