રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા:સ્વતંત્રતા કા ઉત્સવ સ્વચ્છતા કે સંગ” અંતર્ગત તા.૧૫ ઓગસ્ટ સુધી વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. ભાવનગર શહેરમાં આ કાર્યક્રમનું સુચારું આયોજન થાય તેવા હેતુથી કમિશનરશ્રી એન.કે.મીણાના અધ્યક્ષસ્થાને ભાવનગર મહાનગર પાલિકાના આયોજન હોલ ખાતે બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં કમિશનરશ્રીએ હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત ભાવનગર શહેરની વિવિધ શાળાઓમાં દેશભક્તિની થીમ ઉપર રાખડી સ્પર્ધા,તિરંગા રંગોળી સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાઓનું આયોજન કરવાં, પત્ર લેખન, તિરંગા રેલી જનભાગીદારીથી સુનિશ્ચિત કરવા, તિરંગા સાથે સેલ્ફી લઈ mygov પોર્ટલ પર અપલોડ કરવા, સ્વચ્છતા અંગેની કામગીરી સંદર્ભે ચર્ચા કરી મહત્તમ લોકો હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી બને તે મુજબનું આયોજન કરવા ઉપસ્થિત અધિકારીઓને સૂચના આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, હર ઘર તિરંગા કાર્યક્રમ ત્રણ તબક્કામાં યોજાવાનો છે. પ્રથમ તબક્કામાં રાખડી વર્કશોપ અને સ્પર્ધાઓ, વોલ પેઇન્ટિંગ, લેટર ડ્રાઈવ, ક્વિઝ સ્પર્ધા વગેરે યોજાશે. બીજા તબક્કામાં ૯ થી ૧૨ ઓગસ્ટ દરમિયાન સામુહિક સફાઈ ઝુંબેશ, તિરંગા યાત્રા અને રેલી, સ્વચ્છતા દિવસ વગેરે યોજાશે. જ્યારે ત્રીજા તબક્કામાં ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન સ્વચ્છતા સંવાદ અને જાગૃતિ દિવસ, સ્વતંત્રતા દિવસની તૈયારી તરીકે યોજાશે.
આ તકે ડેપ્યુટી કમિશનરશ્રી જે.કે.રાવલે હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી સંદર્ભે વિસ્તૃત જાણકારી પુરી પાડી જરૂરી સુચના આપી હતી.
આ બેઠકમાં મહાનગરપાલિકા સમિતિના સભ્ય સચિવશ્રી નરેશકુમાર ગોહિલ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી આર.આર.સિંઘાલ સહિત સમિતિના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.