રિપોર્ટ: અનુજ ઠાકર
ગુજરાતી ફિલ્મ “રહસ્યમ” નું ભવ્ય શુભ મુહૂર્ત ૫ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ અમદાવાદના જાણીતા ‘એરી કેફે’ ખાતે યોજાયું હતું જે બાદ ફિલ્મના શૂટિંગની શરુઆત ઉતરાખંડથી કરવામાં આવી હતી. ઉત્તરાખંડના કુદરતી સૌંદર્યથી ભરપૂર અલગ અલગ લોકેશન પર, ૪૦ મેમ્બર્સની ટીમ સાથે દસ દિવસ સુધી ફિલ્મનું શૂટિંગ ચાલ્યું હતું. ફિલ્મ સભ્યો સાથે વાત કરતાં તેઓએ શૂટિંગ અને ફિલ્મ વિશે વધુ માહિતી આપી હતી.
ગુજરાતી ફિલ્મો માટે કહેવાય છે કે મોટાભાગની ફિલ્મો રિવરફ્રન્ટથી શરું થઈ રિવરફ્રન્ટ ઉપર જ પૂરી થઈ જાય છે. ત્યારે એ સીમા તોડીને બહાર નીકળી ઉતરાખંડના અલગ અલગ લોકેશન પર ફિલ્મ શૂટ કરવામાં આવી છે. હાલમાં મોન્સૂન સિઝન ચાલે છે ત્યારે વાતવરણનો પુરેપુરો લાભ ઉઠાવી અલગ અલગ લોકેશન પર ફિલ્મમાં ખૂબ જ અદભૂત રીતે કંડારવામાં આવ્યા છે જે તમને ફિલ્મમાં અદભૂત રીતે જોવા મળશે અને તે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પહેલીવાર હશે અને તેના કારણે સિનેમોટોગ્રાફી તમને વધારે આકર્ષક લાગશે તેવું ફિલ્મ સાથે સંકળાયેલા સભ્યોએ જણાવ્યું હતું.
ફિલ્મમાં જેટલા પણ કલાકારો છે તે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના યુવા કલાકારો છે અને અને કલાકારોનો ફિલ્મ માટેનો જુસ્સો દેખાય રહ્યો છે. ફિલ્મ માટે તેમણે તેમનું સૌથી બેસ્ટ આપવાનો પુરેપુરો પ્રયત્ન કર્યો છે. જે યુવા દર્શકોને આકર્ષવામાં સફળ રહેશે તેવું લાગી રહ્યું છે. ગુજરાતી ઈન્ડસ્ટ્રીમાં આમ યુવા કલાકારોને લઈને ફિલ્મ બનાવવાનું રિસ્કી છે પણ તેમ છતાંય ફિલ્મના ડિરેક્ટર આસિફ સિલાવત કંઈક નવું કરવા અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીને બેસ્ટ આપવા માટે આ સાહસ કર્યું છે જેના કારણે ગુજરાતી દર્શકોને એક નવા જ વિષય પર સસ્પેન્સ થ્રિલર મૂવી મળશે.
ફિલ્મમાં મુખ્ય ભુમિકામાં સપના વ્યાસ અને ઉત્સવ નાયક છે. ફિલ્મમાં આ જોડીએ ખૂબ જ ઉત્તમ કામ કરેલું છે જે શૂટીંગ દરમિયાન દેખાઈ આવતું હતું. ઉત્સવ નાયકે ઘણી બધી ફિલ્મો કરી છે. એ ફિલ્મોમાં કામ કરેલા અનુભવોનો નિચોડ આ ફિલ્મમાં નાખ્યો છે. આ ફિલ્મની ડાર્ક બેઝ ઉપર ચાલતી વાર્તામાં જે તિવ્રતા જોઈએ તે તિવ્રતા ઉત્સવ ખૂબ જ સરસ રીતે પાત્ર સમજીને નિભાવી શક્યો છે. ઉત્સવના કરિયર માટે આ ફિલ્મ સિમાચિહ્નરૂપ સાબિત થશે. આ ફિલ્મ પછી ઉત્સવ નાયક એક ચોકલેટી હિરો નહીં પણ મેથડ એક્ટર તરીકે પ્રસ્થાપિત થશે તેમ ત્યાં હાજર સભ્યોએ જણાવ્યું હતું.
પ્રિન્સ લિંબાડીયા અને બંસી રાજપૂતની જોડીએ પણ કમાલની મહેનત કરી છે જે તમને ફિલ્મમાં ઉડીને આંખે વળગશે એમ કહેવું જરાય અતિશયોક્તિ ભર્યું નથી. આ સિવાય પણ મકરંદ શુક્લ, ઝંખના સોની પટેલ, નૈસર્ગ મિસ્ત્રી, મોહિત વર્મા, રોનક પંડ્યા, સીમા વ્હોરા પણ પોતપોતાના પાત્રોને ખૂબ બખૂબી નિભાવ્યા છે. ફિલ્મમાં પોલીસ ઇન્સ્પેકટર નું પાત્ર મહારાષ્ટ્રીયન કલાકાર ગીરીશ ખરાટ એ ભજવ્યું છે અને એમની પોલીસ તરીકેની પર્સનાલીટી સામે મુખ્ય અભિનેતા ઉત્સવે પણ એટલી જ હદ સુધીની તિવ્રતા દર્શાવી છે કે ફિલ્મના એક મહત્વના સીન નો ટેક પૂરો થયા બાદ ફિલ્મના ક્રૂ મેમ્બર્સ સહિત ત્યાં હાજર રહેલા દરેક પોતાને તાળીઓ પાડતાં રોકી નહોતા શક્યા એવું ફિલ્મમાં માર્કેટીંગ ટીમ ના સભ્ય તરીકે હાજર રહેલા સભ્ય સિધ્ધાર્થ મહેતા એ જણાવ્યું હતું.
ફિલ્મનું ઉત્તરાખંડ ખાતેનું શૂટિંગ પૂરું થતાં ટાફ તરફથી નેલ્સન પરમાર દ્વારા ટેલિફોનીક વાતચીત થકી જાણવા મળ્યું છે કે ફિલ્મમાં મુખ્ય કાસ્ટ સિવાય ક્રુ ટીમના ઘણા સભ્યો 20 થી 30 વર્ષની આસપાસના જ છે એટલે સેટ ઉપર પણ દરેકનો જુસ્સો ખૂબ સરસ જોવા મળતો એવું ક્રૂ ના સભ્યોએ જણાવ્યું છે.
રહસ્યમય ફિલ્મનું ૪૦ વ્યક્તિઓનું આખું યુનિટ ઉત્તરાખંડનું ૧૦ દિવસનું શુટીંગ પતાવીને પાછું ગુજરાત ફરી રહ્યું છે. હવે બીજું બાકીનું શૂટિંગ ગુજરાતનાં અલગ અલગ લોકેશન પર કરવામાં આવશે. જેમાં ઉત્તરાખંડ ખાતે જે કલાકારો હતા એ ઉપરાંત યોગેશ જીવરાણી પણ એક મહત્વના રોલમાં જોવા મળશે.
“રહસ્યમ” નામે જ સ્પષ્ટ છે કે આ ફિલ્મ એક એવો કથાવસ્તુ ધરાવે છે જે રહસ્ય, રોમાંચ અને અનપેક્ષિત ઘટનાઓથી ભરપૂર હશે. ગુજરાતી દર્શકોને એક નવી જ અનુભૂતિ આપવાની આશા ફિલ્મની ટીમે વ્યક્ત કરી છે.