“એક ભારત – શ્રેષ્ઠ ભારત” થીમ પર સુદામા કા રાજા6Gનું આગમન
સ્માર્ટ સીટી સુરતના સુદામા ચોક ખાતે સુદામા ટ્રસ્ટ દ્વારા ગણેશ મહોત્સવ દરમિયાન અનોખી અને પ્રેરણાદાયક ઉજવણીનું આયોજન કરાયું. આ વર્ષે “એક ભારત – શ્રેષ્ઠ ભારત” ની થીમ સાથે સુદામા કા રાજા6Gનું આગમન થયું.
આ પ્રસંગે અખંડ ભારતના શિલ્પી, ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની 150મી જન્મજયંતિને સમર્પિત અનોખો પ્રયાસ કરવામાં આવ્યો. સરદાર સાહેબની પ્રતીમા સાથે સાથે, અખંડ ભારત માટે સૌપ્રથમ રજવાડું અર્પણ કરનાર ભાવનગરના રાજવી નેકનામદાર કૃષ્ણકુમાર સિંહજી સાહેબની પ્રતીમા પણ શોભાયાત્રામાં સામેલ કરવામાં આવી. આ સાથે “વ્યસન મુક્તકર્તા – વિઘ્નહર્તા સુદામા કા રાજા6G ગણેશજી” ની અદ્વિતીય પ્રતિમાઓ સુદામા ચોક સુધી ભવ્ય શોભાયાત્રા સાથે લાવવામાં આવી.
સુદામા ચોક પર પહોંચતા જ હજારોની ઉપસ્થિતિમાં 108 દિવડાંની પ્રકાશમાળા સાથે મહા આરતી ઉતારવામાં આવી. આ આરતી દરમિયાન સમગ્ર વાતાવરણ ભક્તિભાવથી ગુંજી ઊઠ્યું અને ભક્તો માટે આ ક્ષણ યાદગાર બની રહી.
શોભાયાત્રાની વિશેષતા એ રહી કે યુવાનો દ્વારા સમાજને પ્રેરણાદાયક સંદેશો પણ આપવામાં આવ્યો. “જળ એ જ જીવન”, “વ્યસન મુકત સમાજ”, “સ્વચ્છ સુરત”, “સાયબર અવેરનેસ”, “ડ્રગ્સ મુક્ત ગુજરાત” જેવા સામાજિક સંદેશ ધરાવતા પોસ્ટર લઈને યુવાનો રસ્તા પર ઊતર્યા હતા. આ પ્રયાસ દ્વારા જનમાનસમાં જાગૃતિ ફેલાવવાનો હેતુ સફળ રહ્યો.
સુદામા ટ્રસ્ટે આ મહોત્સવ દ્વારા ગણેશજીની આરાધનાને માત્ર ધાર્મિક વિધિ સુધી સીમિત રાખી નહીં, પરંતુ સામાજિક સંદેશ સાથે તેને વધુ ઊંડો અર્થ આપ્યો. સુરત શહેરમાં દર વર્ષે અનેક ગણેશોત્સવ ઉજવાય છે, પરંતુ સુદામા ટ્રસ્ટની આ અનોખી પહેલ સુરતમાં વિશેષ રૂપે ચર્ચાનો વિષય બની રહી.
સુદામા કા રાજા6G માત્ર ભક્તિનું કેન્દ્ર નથી, પરંતુ યુવાનોમાં રાષ્ટ્રીય એકતા, વ્યસનમુક્તિ અને સ્વચ્છતાનો સંદેશ ફેલાવતું એક જીવંત પ્રતિક છે.
રિપોર્ટર નરેશભાઈ ડાંખરા