રિપોર્ટ: અનુજ ઠાકર
ગુજરાતી સિનેમા દુનિયામાં ફરી એક વાર હાસ્યનો તડકો છવાઈ ગયો છે. સિદ્ધાર્થ રાંદેરિયા અને રત્ના પાઠક અભિનીત ‘બચુ ની બેનપણી’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. ગણેશ ચતુર્થીના શુભ અવસરે આવેલી આ ફિલ્મ કોમેડી અને મસ્તીથી ભરપૂર છે.
સ્ટાર કાસ્ટ અને સંગીત
ફિલ્મમાં સિદ્ધાર્થ રાંદેરિયા, રત્ના પાઠક, દેવર્ષિ શાહ અને યુક્તિ રાંદેરિયા જેવા કલાકારો જોવા મળે છે. ફિલ્મનું દિગ્દર્શન વિપુલ મહેતાએ કર્યું છે, જ્યારે સંગીત સિદ્ધાર્થ-અમિત ભાવસારની જોડીનું છે.
બચુભાઈની વાપસી
ફરી એકવાર સિદ્ધાર્થ રાંદેરિયા પોતાના જાણીતા બચુભાઈના અવતારમાં જોવા મળે છે. બચુભાઈનો મસ્તીખોર અને ઈનોસન સ્વભાવ દર્શકોને હસાવી-હસાવીને લોટપોટ કરી દેશે. આ વખતે તેમની ધમાલ બેંગકોક સુધી પહોંચી છે.
વાર્તાનો ટ્વિસ્ટ
કહાનીની શરૂઆતમાં બચુ બાપોદ્રાને ટ્રાવેલ્સ કંપની તરફથી બેંગકોકની મફત ટ્રિપનો ડ્રો લાગ્યો હોય છે. શરૂઆતમાં બ્યુ જવા તૈયાર નથી, પરંતુ “મફતનું છે” કહીને આખરે બેંગકોક પહોંચે છે. એરપોર્ટ પર તેની મુલાકાત રત્ના પાઠક સાથે થાય છે અને પછી શરૂ થાય છે ધમાલનો સિલસિલો.
બેંગકોકની ગલીઓમાં બ્યુભાઈની મસ્તી, શરારતો અને ધમાલ દર્શકોને સતત મનોરંજન આપશે. હાસ્યપ્રેમી દર્શકો માટે આ ફિલ્મ એક સંપૂર્ણ ફેમિલી એન્ટરટેઇનર બની રહેશે.