અંબાજી, સંજીવ રાજપૂત: અંબાજી મહામેળા દરમિયાન પગપાળા યાત્રાળુઓની સુવિધાને ધ્યાનમાં રાખીને આ વર્ષે ચાર અલગ-અલગ સ્થળોએ વૉટરપ્રૂફ ડોમ ઉભા કરવામાં આવ્યા છે. દાંતાથી અંબાજી આવતા માર્ગ પર પાન્છા ખોડીયાર-બ્રહ્માની માર્બલ સામે વીર મહારાજ વચ્ચેની ખુલ્લી જગ્યા, હડાદથી અંબાજી આવતા માર્ગ પર કામાક્ષી મંદિર સામેની જગ્યા, જૂની કોલેજ ખાતે આવેલ ખુલ્લી જગ્યા તથા માંગલ્ય વનની પાછળના ભાગની જગ્યા એમ કુલ ચાર સ્થળોએ આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
આ એક ડોમમાં યાત્રાળુઓ માટે અંદાજે ૧૨૦૦ બેડની વ્યવસ્થા સાથે મલ્ટી પર્પઝ ડોમ, શૌચાલય, સીસીટીવી કેમેરા, મોબાઇલ ચાર્જિંગ સુવિધા, હાઉસકીપિંગ સર્વિસ, સાઈનેજિસ, ફ્લોર કાર્પેટ, ફ્લૅગ પોલ, પીવાના પાણીની વ્યવસ્થા, ઈલેક્ટ્રિફિકેશન, અગ્નિશામક સાધનો તેમજ સમાન મુકવાની સુવિધા જેવી આધુનિક વ્યવસ્થાઓ કરવામાં આવી છે.એવા ચાર ડોમ બનાવાયા છે.
આ સાથે અહીં મેડિકલ સેવા કેન્દ્ર અને પોલીસ કંટ્રોલ રૂમ સહિત સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. આજે પ્રથમ દિવસે આ ડોમનો યાત્રાળુઓ લાભ લઈને તંત્રનો આભાર વ્યક્ત કરી રહ્યા છે. દૂર દૂરથી આવેલા પદયાત્રીઓ વિનામૂલ્યે નિરાંતે શાંતિથી અહીં આરામ કરે છે. અહીં સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. તમામ વર્ગના લોકો અહીં રજિસ્ટ્રેશન કરી વિનામૂલ્યે સેવાનો લાભ લઈ રહ્યા છે.