Gandhinagar

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીની અધ્યક્ષતામાં મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે પાંચમાં અખિલ ભારતીય રાજભાષા સંમેલનનો શુભારંભ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ‘હિન્દી દિવસ-૨૦૨૫’ અને ‘પાંચમાં અખિલ ભારતીય રાજભાષા સંમેલન’નો ઉદઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો.

સમારોહના શુભારંભ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે હિન્દી ભાષા પ્રેમીઓને આવકારતા કહ્યું કે, ‘હિન્દી’ એ અન્ય ભારતીય ભાષાઓની હરીફ નથી પરંતુ મિત્ર છે. અગાઉ અખિલ ભારતીય રાજભાષા સંમેલન દિલ્હીના વિજ્ઞાન ભવનમાં યોજાતું હતું. જેમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા અને છેલ્લા પાંચ વર્ષથી આ કાર્યક્રમ દેશના વિવિધ ભાગોમાં યોજાઈ રહ્યો છે. પરિણામે, આપણને રાજભાષા અને દેશની બધી ભાષાઓ વચ્ચે સંચાર વધારવાની ખૂબ જ સારી તક મળી છે.

મંત્રીએ વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં શરૂઆતથી જ દયાનંદ સરસ્વતી, મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, કનૈયાલાલ મુનશી, ઉમાશંકર જોશી અને અન્ય ઘણા વિદ્વાનોએ હિન્દી ભાષાને સ્વીકારી તેનો પ્રચાર પણ કર્યો છે. આ દૂરંદેશી નેતાઓએ ભારતીય ભાષાઓને એકબીજા સાથે વાતચીત કરવા અને દરેક રાજ્યમાં હિન્દીને પ્રોત્સાહન આપવા માટે આગ્રહ કર્યો હતો. ગુજરાતમાં ગુજરાતી અને હિન્દીનું સહઅસ્તિત્વ રહ્યું છે, જેના પરિણામે ગુજરાતી બાળકોની પહોંચ રાષ્ટ્રીય સ્તરે ઘણી વધી છે.

તેમણે ઉમેર્યું હતું કે, દિલ્હીની બહાર આ પાંચમું અખિલ ભારતીય રાજભાષા સંમેલન યોજાઈ રહ્યું છે. આ સંમેલન ભાષાપ્રેમીઓને નવી દ્રષ્ટિ, ઉર્જા અને પ્રેરણા આપે છે. આજે આ પરિષદમાં ઘણા પ્રકાશનો પ્રકાશિત થયા છે. જે ભાષા પ્રત્યેના આપણા પ્રેમ અને શૈલીઓમાં ભાષાના ઉપયોગને પ્રોત્સાહન આપે છે. મંત્રીશ્રીએ કહ્યું કે, હિન્દી બોલચાલ અને વહીવટની સાથે વિજ્ઞાન, ટેકનોલોજી અને ન્યાયની ભાષા પણ હોવી જોઈએ.

સારથીનો ઉલ્લેખ કરતાં કેન્દ્રીય ગૃહ મંત્રી શાહે કહ્યું કે, ‘સારથી’ એક અનુવાદ પ્રણાલી છે, જે થકી હિન્દી ભાષામાંથી ભારતની બધી માન્ય ભાષાઓમાં સરળતાથી અનુવાદ કરી શકાય છે. આ અનુવાદ પ્રણાલીના માધ્યમથી દેશના કોઈપણ રાજ્યમાંથી કરવામાં આવેલા પત્રવ્યવહારનો પ્રત્યુત્તર કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા તેમની સ્થાનિક ભાષામાં આપવામાં આવે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

મંત્રીએ ઉમેર્યું કે, શિવાજી મહારાજે સ્વરાજની લડાઈ દરમિયાન ત્રણ મુદ્દા પર ભાર મૂક્યો હતો-સ્વરાજ, સ્વધર્મ અને સ્વભાષા. આ ત્રણેય બાબતો એકબીજા સાથે જોડાયેલી અને દેશના સ્વાભિમાન સાથે સંબંધિત છે. મહાત્મા ગાંધી ગુજરાત રાજ્ય સાહિત્ય પરિષદના પ્રમુખ હતા અને તેમણે ગુજરાતી શબ્દકોશના નિર્માણમાં પણ ઘણું યોગદાન આપ્યું હતું. તેઓ જાણતા હતા કે જ્યાં સુધી ભાષા મજબૂત ન હોય ત્યાં સુધી કોઈ પણ સમાજ દુનિયા સામે માથું ઊંચું રાખીને ટકી શકતો નથી. આ ઉપરાંત ડિજિટલ ‘હિન્દી શબ્દ સિંધુ’ વિશે તેમણે જણાવ્યું કે, આ શબ્દકોશમાં અંદાજે ૭ લાખ જેટલા શબ્દોનો સમાવેશ થયો છે. જે વર્ષ ૨૦૨૯ સુધીમાં વિશ્વની બધી ભાષાઓમાંનો સૌથી મોટો શબ્દકોશ બનશે.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દિવ્યાંગજનો માટે ખૂબ મહત્વના કાર્યો કર્યા છે. જેના ભાગરૂપે આજે પાંચ દૃષ્ટિહીન ભાઈઓ અને બહેનોને AI-સંચાલિત ચશ્મા આપવામાં આવ્યા છે. આ ચશ્માની વિશેષતા વિશે જણાવતા મંત્રીશ્રીએ કહ્યું કે, AI-સંચાલિત ચશ્માની મદદથી દ્રષ્ટિહીન વ્યક્તિ માતૃભાષામાં પણ કાગળ વાંચી શકશે, પરિચિત ચહેરાઓને ઓળખવામાં મદદ મળશે, વોઇસ આસિસ્ટન્ટ સિસ્ટમની મદદથી ચલણ ઓળખી શકશે. આમ, આ ચશ્મા તેમના અંગત સહાયક તરીકે કામ કરશે.

મંત્રી શાહે દેશભરના માતાપિતાને અપીલ કરી હતી કે, બાળકો સાથે માતૃભાષામાં વાતચીત કરવી અને તેમને માતૃભાષામાં બોલતા, લખતા અને વાંચતા શીખવવું. ઘણી ભાષાઓના વિદ્વાનો અને મનોવૈજ્ઞાનિકો દ્વારા સાબિત થયું છે કે, જ્યારે બાળક પોતાની ભાષામાં વાંચે, વિચારે, બોલે, વિશ્લેષણ કરે, તર્ક સુધારે અને પોતાની ભાષામાં નિર્ણયો લે તો તેની ક્ષમતા ૩૦ ટકા જેટલી વધી જાય છે.

તેમણે કહ્યું કે, દેશનો દરેક નાગરિક માતૃભાષાને મહત્વ આપે અને રાજભાષાને સહયોગ આપે. સંસ્કૃત ભાષાએ આપણને જ્ઞાનની ગંગા આપી છે, તો હિન્દી ભાષા એ તે જ્ઞાનને દરેક ઘર સુધી પહોંચાડ્યું છે. જ્યારે આપણી સ્થાનિક ભાષાઓએ તે જ્ઞાનને દરેક વ્યક્તિ સુધી પહોંચાડ્યું છે. વડાપ્રધાનશ્રીએ વિવિધ ટેકનોલોજીના માધ્યમથી સ્થાનિક ભાષાઓને મજબૂત બનાવવાનું સુંદર કામ કર્યું છે, જેના ભાગરૂપે ગૃહ મંત્રાલયમાં ભારતીય ભાષા વિભાગની રચના કરવામાં આવી છે. જે ફક્ત સત્તાવાર ભાષાઓ જ નહીં પરંતુ દેશની તમામ ભારતીય ભાષાઓને સુદ્રઢ કરવાનું કામ કરે છે. દેશના લગભગ ૫૩૯ શહેરોમાં તેમજ લંડન, સિંગાપોર અને દુબઈની જેમ વિદેશોમાં પણ સત્તાવાર ભાષા સમિતિની રચના કરવામાં આવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હિન્દી દિવસની સૌને શુભેચ્છાઓ પાઠવતાં કહ્યું હતું કે, સરદાર સાહેબે આઝાદી પછી બધા રાજ્યો-પ્રદેશોને જોડીને અખંડ ભારતનું નિર્માણ કર્યુ છે. હવે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ભાષા અને સંસ્કૃતિની કડી બનાવીને એક ભારત-શ્રેષ્ઠ ભારત બનાવ્યું છે તેમ તેમણે ગૌરવસહ ઉમેર્યુ હતું.

તેમણે જણાવ્યું કે, ભાષા કોઇ પણ હોય અભિવ્યક્તિ સાથે તે સંસ્કૃતિનું પણ અભિન્ન અંગ છે. મુખ્યમંત્રીએ ૧૯૪૯માં ૧૪મી સપ્ટેમ્બરે સંવિધાન સભાએ હિન્દીને રાજભાષા તરીકે સ્વીકૃતિ આપી તેનો ઉલ્લેખ કરતાં ઉમેર્યુ કે, ૨૦૧૯થી કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે આ હિન્દી દિવસની ઉજવણી દેશના વિવિધ રાજ્યો અને શહેરોમાં કરાવવાની પરંપરા શરૂ કરીને ઉજવણીને નવી ગરિમા આપી છે.

આ સંદર્ભમાં ગુજરાતમાં ઉજવાઇ રહેલા આ વર્ષના હિન્દી દિવસ અને પાંચમા રાજભાષા સંમેલનની ગાંધીનગરમાં થતી ઉજવણીમાં તેમણે સૌને આવકાર્યા પણ હતા. મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે કહ્યું કે, વડાપ્રધાનશ્રીએ આપેલા વિકસિત ભારતના સંકલ્પને પાર પાડવા તથા ભવિષ્યના ભારત માટે આપણા સાંસ્કૃતિક મૂલ્યો અને મૂળ સાથેનું જોડાણ આવશ્યક છે.

આ માટે પ્રાદેશિક ભાષાઓ સાથે રાજભાષાને પણ રોજિંદા જીવનમાં અપનાવવા તેમણે અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીએ રાજભાષા વિભાગ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રીના દિશા નિર્દેશનમાં કરવામાં આવેલા ડિજીટલ હિન્દી શબ્દસિંધુ જેવા પ્રયાસોને બિરદાવ્યા હતા. આના પરિણામે ૭ લાખથી વધુ શબ્દો આ શબ્દસિંધુમાં સમાવિષ્ટ થયા છે એમ તેમણે ઉમેર્યું હતું.

ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે હિન્દીનું સન્માન એ અન્ય ભારતીય ભાષાઓના ગૌરવનું પણ સન્માન છે. ગુજરાતની ભૂમિ અલગ અલગ ભાષાઓ અને સંસ્કૃતિનો સંગમ છે અને તેના સહઅસ્તિત્વ સાથે ગુજરાત વિકસિત ભારતમાં યોગદાન આપવા પ્રતિબદ્ધ છે. તેમણે હિન્દી સહિતની બધી ભાષાઓની શક્તિ જોડીને ભારતને આત્મિનર્ભર, વિકસિત અને સુસંસ્કૃત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ હિન્દી દિવસે લેવાનો સૌને અનુરોધ કર્યો હતો.

કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી બંદી સંજયકુમારે ભાષાઓના સહકાર સાથે હિન્દી ભાષાના થતાં સશક્તિકરણને બિરદાવી કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વગુરુ અને આત્મનિર્ભર બન્યું છે. આજે હિન્દી વિશ્વમાં મજબૂત રીતે પ્રસ્થાપિત થઈ છે. શિક્ષણ, વ્યવસાય, તકનીકી વગેરે ક્ષેત્રે હિન્દી ભાષા આગળ વધી રહી છે. હિન્દી ભાષા હવે માત્ર સંવાદ નહીં પરંતુ જ્ઞાન વિજ્ઞાનની મુખ્ય ભાષા તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઉપયોગમાં લેવામાં આવી રહી છે. રાજભાષા વિભાગ દ્વારા સાત લાખથી વધુ શબ્દોનો શબ્દકોશ નિર્મિત કરવામાં આવ્યો છે, જેમાં ૨૫,૦૦૦ જેટલા શબ્દ અન્ય ભારતીય ભાષાઓમાંથી પણ લેવામાં આવ્યા છે.

તેમણે ઉમેર્યું હતું કે, ભારતની પ્રાદેશિક ભાષાઓ સાથે સંકલન કરીને હિન્દી ભાષા તેનો પ્રસાર વધારી રહી છે. આમ છતાં ભારતના યુવા વૈજ્ઞાનિકો તેમના સંશોધનો, તકનીકી ઉપકરણોના આવિષ્કારો હિન્દી ભાષામાં રજૂ કરશે ત્યારે જ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે હિન્દીની યાત્રા આગળ વધશે.

સ્વાગત ઉદ્બોધન કરતા રાજભાષા વિભાગના મુખ્ય સચિવ ડૉ. અંશુલી આર્યાએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૨માં સુરત અખિલ ભારતીય રાજભાષા સંમેલનના ભવ્ય આયોજનનું સાક્ષી બન્યું હતું, અને હવે વર્ષ ૨૦૨૫માં ગાંધીનગર આ મહત્વપૂર્ણ સંમેલનની યજમાની કરી રહ્યું છે. દેશની એકતા, સુરક્ષા, વિકાસ અને સાંસ્કૃતિક સ્વાભિમાન માટે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના અથાગ પ્રયાસોના પરિણામે આ સંમેલનનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે.

ડૉ. આર્યાએ વધુમાં જણાવ્યું કે, તા. ૧૪ સપ્ટેમ્બર ૧૯૪૯ના રોજ બંધારણ સભાએ હિન્દીને રાજભાષાનું ગૌરવ આપ્યું હતું, ત્યારથી આ ઐતિહાસિક દિવસને દર વર્ષે હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેમણે ઉમેર્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારી કામકાજમાં રાજભાષાનો પ્રગતિશીલ ઉપયોગ ખૂબ વધ્યો છે અને સાથે જ પ્રાદેશિક ભાષાઓને પણ યોગ્ય સન્માન મળ્યું છે.
ગૃહમંત્રીના હસ્તે રાજભાષા વિભાગ દ્વારા ભારતીય ભાષા અનુભાગ માટે તૈયાર કરાયેલ બહુભાષી અનુવાદ સોફ્ટવેરનું તથા ડિજિટલ હિન્દી શબ્દકોશ હિન્દી શબ્દ સિંધુના ઉન્નત સંસ્કરણના સાત લાખ શબ્દો સાથેના નવા રૂપનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજભાષા વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ હિન્દી અને સહકારિતા પર કેંદ્રિત વિશેષાંક તથા ‘હિન્દી અને ભારતીય ભાષાઓ: અનુવાદના આયામ’ નામક પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.

વધુમાં, ગૃહમંત્રી દ્વારા ૧૨થી વધુ સંસ્થા તથા સાહિત્યકારોને રાજભાષા ગૌરવ તથા રાજભાષા કીર્તિ પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યા હતા. સાથે જ રાજભાષા વિભાગના માર્ગદર્શન હેઠળ વિવિધ બેંક, ઈસરો અને અન્ય સંસ્થાઓ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા પુસ્તકો અને પત્રિકાઓનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.

આ સંમેલનમાં કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રાલયના રાજ્ય મંત્રી અર્જુન રામ મેઘવાલ, સંસદીય રાજભાષા સમિતિના ઉપાધ્યક્ષ ભર્તૃહરિ મહતાબ, અમદાવાદના સાંસ દિનેશ મકવાણા, કેન્દ્રીય રાજભાષા વિભાગના સંયુક્ત સચિવ મીનાક્ષી ચૌલી, ગુજરાતી શિક્ષણવિદ્ પ્રો. વિજય પંડ્યા સહિત ૬ હજારથી વધુ અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગુજરાત પોલીસ અકાદમી કરાઈ ખાતે પોલીસ ચંદ્રક અલંકરણનો ગૌરવશાળી સમારોહ યોજાયો

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોલીસ દળમાં કર્તવ્ય નિષ્ઠાથી…

મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો “પીએમ કિસાન ઉત્સવ દિવસ” સમારોહ યોજાયો

ગાંધીનગર, સંજીવ રાજપૂત: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઉત્તરપ્રદેશના કાશી ખાતેથી…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્યનું ગ્રીન કવર વધારવાનો વન વિભાગનો નવતર અભિગમ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ગ્રીન કવર વધારીને…

1 of 9

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *