રિપોર્ટ અનુજ ઠાકર.
અમદાવાદ માં ખૂબ ટુંકા ગાળામાં વિખ્યાત થયેલ કોમ્યુનિટી ‘TAFF – Travel, Art, Fashion & Food’ ગૃપ દ્વારા સંચાલિત ‘Ahmedabad Active Artist Aliance’ (A4) માટે ટાફ ની સોશિયલ મીડિયા ટીમ દ્વારા પ્રથમ ગેટ-ટુગેધર નું આયોજન કરવામાં આવ્યું હતું. જેની સાથે સાથે આગામી ગુજરાતી ફિલ્મ ‘આવા દે’ ની સ્ટારકાસ્ટ સાથે Meet n Greet નું પણ સંયોજન કરવામાં આવ્યું હતું. જેના માટે શહેરના માણેકબાગ વિસ્તારમાં તાજેતરમાં જ શરૂ થયેલી ‘વાણી’ નામની દક્ષિણ ભારતીય રેસ્ટોરન્ટ ની પસંદગી કરવામાં આવી હતી.


આ પ્રસંગે શહેરના જાણીતા ફિલ્મ કલાકારો જીતેન્દ્ર ઠક્કર, અર્ચન ત્રિવેદી, ભરત ઠક્કર, ચેતન દૈયા, મૌલિક ચૌહાણ, કિન્નલ નાયક, બંસી રાજપૂત, પ્રિન્સ લિંબાડીયા, ઝંખના સોની પટેલ, મોહિત શર્મા, હર્ષદીપસિંહ જાડેજા, દેવર્ષ સોની, ગ્રીષ્મા ત્રિવેદી, નીતા પરિયાની સહિત કોરિયોગ્રાફર સંજય ગલસર, નિર્માતા-દિગ્દર્શક નિશિથ બ્રહ્મભટ્ટ, સંજય સોની, ચંદ્રેશ ભટ્ટ, રાકેશભાઈ પૂજારા, વિપુલ પરમાર, ફિલ્મ માર્કેટિંગ અને ડિસ્ટ્રીબ્યુટર અત્રિશ ત્રિવેદી સહિત ગુજરાતી સિનેમા જગત સાથે સંકળાયેલા મહાનુભાવો અને પ્રેસ-મિડીયા અને સોશિયલ મીડિયા ના પણ મિત્રો હાજર રહ્યા હતા. આ પ્રસંગે ‘આવા દે’ ના પ્રમોશન માટે નહીં, પણ આ કોમ્યુનિટી માણવા ફિલ્મ આવા દે ના દિગ્દર્શક નિહાર ઠક્કર ખાસ મુંબઈથી પધાર્યા હતા તો સાથે ફિલ્મના મુખ્ય કલાકાર પરિક્ષિત ટીમાલીયા અને મુખ્ય અભિનેત્રી તરીકે પોતાની પ્રથમ ફિલ્મમાં પદાર્પણ કરનાર કૂંપળ પટેલ પણ હાજર રહ્યા હતા.

ગુજરાતી ફિલ્મજગત માટે આ સમય એક ઐતિહાસિક સમય છે. થોડા સમય પહેલા જ રિલીઝ થયેલી ફિલ્મ ‘લાલો’ એ આજના દિવસ સુધી ગુજરાતી બોક્સ ઓફિસ ના તમામ રેકોર્ડ તોડી વૈશ્વિક 65 કરોડ આસપાસ કમાણી કરી એક બેન્ચમાર્ક સેટ કર્યો છે. એવા સમયે ગુજરાતી કલાકારો, નિર્માતાઓ-નિર્દેશકો થી બનેલી આ કોમ્યુનિટી ના તમામ હાજર-ગેરહાજર સભ્યો દ્વારા એ વાત ને ખૂબજ હર્ષોલ્લાસ સાથે વધાવવામાં આવી હતી અને આગામી સમયમાં ગુજરાતી સીનેજગતમાં કોઈપણ પ્રોજેક્ટ માટે એકબીજા ને સપોર્ટ માટે ની વાતનું સૌ કોઈએ સમર્થન પણ આપ્યું હતું અને આગામી આવનારી ‘આવા દે’ સહિત દરેક ગુજરાતી ફિલ્મો આવી ભવ્ય સફળતા મેળવે અને દર્શકો વધુ ને વધુ ગુજરાતી ફિલ્મો તરફ વળે એ માટે શક્ય એટલા વધુ પ્રયત્નો કરવાની સૌએ નૈતિક બાંહેધરી પણ આપી હતી અને ગુજરાતી સિનેજગત એકબીજા ના હરિફાઈ માં નહીં પણ એકબીજાને હાથ પકડી આગળ વધે એવું એક હકારાત્મક વાતાવરણ ઉભું થયું હતું. જે સભ્યો હાજર ન રહી શક્યા તેઓએ પણ આ પ્રસંગે શુભેચ્છાઓ પાઠવી આ વાતને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું.

પ્રસંગ ને વધુ સુમધુર બનાવ્યો હતો ‘વાણી’ ના વ્યંજનો એ. વાણી ના માલિક અકબરભાઈ તથા તેમની સમગ્ર ટીમે આ પ્રસંગ માટે એક ખાસ સેટ મેનુ તૈયાર કરેલ હતું જેમાં કેટલીક પારંપરિક અને અમદાવાદ માં જવલ્લે જ મળતી સ્વાદિષ્ટ દક્ષિણ ભારતીય વાનગીઓ નો સમાવેશ કરવામાં આવ્યો હતો. વેલકમ માં કોકોનટ કુલ્કી, સૂપ માં પાપડ રસમ, સ્ટાર્ટરમાં શ્રીલંકન પનીર, કુટ્ટુ પરાઠા, પનિયારમ, કર્ણાટક બેન્ને ઢોસા, ઘી રોસ્ટ ઢોસા, ઉત્તપમ અને છેલ્લે કોકોનટ પાયસમ એ બધાને આનંદ કરાવી દિધો હતો. બધાએ દિલથી આ વાનગીઓ માણી હતી.

રેસ્ટોરન્ટ નું એમ્બિયન્સ તો સરસ હતું જ પણ A4, TAFF TSM ના સભ્યો સહિત મિત્રોની હાજરીથી વધુ ઝળહળી ઉઠ્યું હતું.
















