રિપોર્ટ : અનુજ ઠાકર
ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં જ્યારે પણ કોઈ સારા કન્ટેન્ટને યોગ્ય મંચ મળતું નથી અથવા પ્રેક્ષકો સુધી પહોંચવામાં મુશ્કેલી ઉભી થાય છે, ત્યારે થોડા જ કલાકારો હોય છે જે આગળ આવીને પોતાની જવાબદારી નિભાવે છે. એવી જ એક ઉદાર અને પ્રોત્સાહક ઘટનામાં સુપરસ્ટાર મલ્હાર ઠાકરે ‘લાલો’ ફિલ્મને મળવો જોઈએ એવો સપોર્ટ જાતે જ આપી એક અનોખું ઉદાહરણ પુરું પાડ્યું છે.
સમય એવો હતો કે ફિલ્મને સાચે જ પ્રેક્ષકોના ધ્યાનની જરૂર હતી. ત્યારે મલ્હારે માત્ર ફિલ્મને વખાણી નહોતી, પણ 100 લોકો માટે ફિલ્મની ટિકિટ ખરીદીને ગિફ્ટ રૂપે આપી—જેથી વધુમાં વધુ લોકો આ ફિલ્મનો અનુભવ કરી શકે. સાથે તેમણે વિનંતી કરી કે, “ફક્ત આપ એકલા જ નહીં, પણ ઓછામાં ઓછા 10 લોકોને સાથે લઈને સિનેમામાં જજો.”
ફિલ્મ જોયા બાદ દિલથી નીકળેલી પ્રશંસા

મલ્હાર ઠાકરે ‘લાલો’ ફિલ્મ જોયા બાદ એક વીડિયો શેર કરીને કલાકારો, મ્યુઝિક ડિરેક્ટર તેમજ ડિરેક્ટરના દિલથી વખાણ કર્યા. વીડિયોમાં તેમણે કહ્યુઃ
“આ ફિલ્મ એટલી ખાસ છે કે દરેક ડિસ્ટ્રિબ્યુટર અને સિનેમા ઓનર્સે તેને ઓછામાં ઓછું એક વર્ષ સુધી તેમના થિયેટર્સમાં રાખવી જોઈએ. દરેક ગુજરાતી અને દરેક વ્યક્તિએ આ ફિલ્મ ચોક્કસ જોવી જોઈએ. સુંદર લાગણીશીલ વાર્તા, ઉત્તમ સંગિત અને દિલને સ્પર્શી જાય એવા પરફોર્મન્સિસ… આંખોમાં આંસુ લાવી દે એવી ફિલ્મ.”
ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં આવી સકારાત્મકતા અને સાથ આપવાની માનસિકતા બહુ દુર્લભ છે. મલ્હારનો આ પગલું—
કલાકારો પ્રત્યે સન્માનનું પ્રતિબિંબ,
ગુજરાતી સિનેમાની ગુણવત્તા પ્રત્યે વિશ્વાસ,
અને પ્રેક્ષકોને ઉત્તમ કન્ટેન્ટ તરફ દોરવાનો પ્રયાસ—
બધું એક સાથે દર્શાવે છે.
મલ્હારે માત્ર શબ્દોમાં નહીં, પરંતુ કાર્ય દ્વારા દર્શાવ્યું કે સારા કન્ટેન્ટને સપોર્ટ આપવો કેટલો મહત્વનો છે.
















