“સનાતન ધર્મની આસ્થામાં હસ્તક્ષેપ અસ્વીકાર્ય” – હેમાંગ રાવલ
“અદાલત કે પ્રશાસન દ્વારા સદીઓ જૂની પરંપરા પર પ્રતિબંધ હિંદુ સમાજ માટે ચિંતાજનક” – હેમાંગ રાવલ
“સરકારે વિધાનસભામાં નીતિગત નિર્ણય લઈને સનાતન પરંપરાનું રક્ષણ કરવું જરૂરી” – હેમાંગ રાવલ
“ભૂતકાળમાં પણ પરંપરાગત મોહનથાળ પ્રસાદ બંધ કરવાનો નિર્ણય તંત્ર અને સરકારે ભાવિક ભક્તજનોને માગણીને ધ્યાનમાં રાખીને પાછો ખેંચવો પડ્યો હતો” – હેમાંગ રાવલ
અંબાજી | તા. ૩૦ ડિસેમ્બર ૨૦૨૫
વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઈઝેશન (Regd.) દ્વારા આજે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને આવેદનપત્ર પાઠવી, શ્રી અંબાજી માતા મંદિરમાં જુના દાંતા રાજ પરિવારના પરંપરાગત આસો સુદ–૮ ના પૂજા (પલ્લી/કરવઠું) અધિકારને યથાવત્ ચાલુ રાખવાની જોરદાર માંગ કરવામાં આવી હતી.
અંબાજી ખાતે વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઈઝેશનના પ્રમુખ શ્રી હેમાંગ રાવલે આક્રમક શબ્દોમાં જણાવ્યું હતું કે, સનાતન હિંદુ ધર્મની આસ્થા અને પરંપરા કોઈ દાનમાં મળેલી નથી, પરંતુ સદીઓના ત્યાગ, બલિદાન અને સંઘર્ષથી ઊભી થયેલી છે. દાંતા રાજ પરિવાર દ્વારા વિક્રમ સંવત ૧૧૩૬થી વર્ષમાં માત્ર એક દિવસ આસો સુદ–૮ ના રોજ કરવામાં આવતી પૂજા પરંપરા પર રોક લગાવવો એ હિંદુ સમાજની ધાર્મિક સ્વતંત્રતા પર સીધો પ્રહાર છે.
હેમાંગ રાવલે જણાવ્યું હતું કે, આ પૂજા પરંપરા દરમિયાન મંદિર ક્યારેય બંધ રહેતું નથી, સામાન્ય યાત્રિકોના દર્શન રોકાતા નથી અને જાહેર વ્યવસ્થા ભંગ થતી નથી. તેમ છતાં જો આવી શાંતિપૂર્ણ પરંપરાને રોકવામાં આવે છે તો એ સ્પષ્ટ કરે છે કે સનાતન ધર્મની બાબતોમાં પસંદગીયુક્ત રીતે કાનૂની પ્રક્રિયાનો દુરુપયોગ થઈ રહ્યો છે, જે વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઈઝેશન કોઈપણ સંજોગોમાં સ્વીકારશે નહીં.
તેમણે વધુમાં કહ્યું હતું કે, ભારતના બંધારણના અનુચ્છેદ ૨૫ અને ૨૬ હિંદુ સમાજને પોતાના ધર્મ અને પરંપરા પાલન કરવાનો પૂર્ણ અધિકાર આપે છે. માનનીય સુપ્રીમ કોર્ટના અનેક ચુકાદાઓમાં પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જાહેર વ્યવસ્થા કે આરોગ્યને હાનિ ન પહોંચાડતી ધાર્મિક પરંપરાઓમાં રાજ્ય કે ન્યાયપ્રણાલીએ હસ્તક્ષેપ કરવો નહીં. દાંતા રાજ પરિવારની આસો સુદ–૮ ની પૂજા પરંપરા ‘Essential Religious Practice’ તરીકે માન્ય થવા યોગ્ય છે.
પ્રેસ નોટમાં હેમાંગ રાવલે કડક શબ્દોમાં જણાવ્યું હતું કે, અગાઉ નામદાર જીલ્લા અદાલતે આ પૂજા અધિકાર યથાવત્ રાખ્યો હોવા છતાં, હાલ હાઈકોર્ટ દ્વારા લાગેલ રોક સમગ્ર સનાતન હિંદુ સમાજમાં રોષ અને ચિંતા ઉભી કરી રહી છે. હિંદુ સમાજ સહનશીલ છે, પરંતુ પોતાની આસ્થાના મુદ્દે મૌન નથી રહેતો.
હેમાંગ રાવલે સ્પષ્ટ કર્યું હતું કે, વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઈઝેશન આવનારી ગુજરાત રાજ્ય વિધાનસભામાં આ મુદ્દે નીતિગત અને સ્પષ્ટ નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરે છે, જેથી ભવિષ્યમાં સનાતન હિંદુ ધર્મની પરંપરા, આસ્થા અને અનિવાર્ય ધાર્મિક પ્રથાઓમાં કોઈપણ ન્યાયિક કે પ્રશાસનિક વ્યવસ્થાનો દુરુપયોગ ન થાય.
ભૂતકાળમાં પણ પરંપરાગત મોહનથાળ પ્રસાદ બંધ કરવાનો નિર્ણય તંત્ર અને સરકારે ભાવિક ભક્તજનોને માગણીને ધ્યાનમાં રાખીને પાછો ખેંચવો પડ્યો હતો. જો સનાતન ધર્મની પરંપરાઓનું રક્ષણ નહીં થાય તો હિંદુ સમાજ સંગઠિત થઈ લોકશાહી અને બંધારણની મર્યાદામાં રહી પોતાની આસ્થાના રક્ષણ માટે અવાજ ઉઠાવશે અને વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઈઝેશન આ લડતમાં અગ્રેસર ભૂમિકા ભજવશે.
હેમાંગ રાવલ
પ્રમુખ
વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન
રિપોર્ટ…. અમિત પટેલ અંબાજી
















