વેળાવદર ( તખુભાઈ સાંડસુર દ્રારા)
ભારતમાં કદાચ બે ધર્મોનો સમન્વય જે રીતે આગામી દિવસોમાં ભારતના પાટનગર દિલ્હીમાં થવાનો છે તેનાથી આપણી ધર્મનિરપેક્ષતા પણ સામે દેખાશે.
વિશ્વ અહિંસા કેન્દ્રના વડા પુ.લોકેશ મુનીજી મહારાજ કે જેઓ એક અલગ પરંપરાના જૈન મુનિજી તરીકે પોતાની ઓળખ સ્થાપિત કરી શક્યા છે. તેઓના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ માનસ સનાતન ધર્મ રામ કથા 17મી જાન્યુઆરીથી ભારત મંડપમ પ્રગતિ મેદાન મલ્ટીપર્પઝ હોલ -3 ખાતે પૂ.મોરારિબાપુના વ્યાસાસને યોજાઈ રહી છે.
આ રામ કથા એક રીતે નવો ચીલો એટલે ચાતરી રહી છે કે જેમાં સમગ્ર આયોજનનું અધ્યક્ષ સ્થાન મહા મહીમ પૂર્વ રાષ્ટ્રપતિ આદ.શ્રી રામનાથ કોવિંદજીએ સ્વીકારેલું છે એટલું જ નહીં કથા દરમિયાન વડાપ્રધાન થી શરૂ કરીને તમામ રાજકીય મહાનુભાવોની ઉપસ્થિતિ રહેવાની છે તેવો વિશ્વાસ આયોજકોએ દર્શાવ્યો છે.
પુ.લોકેશ મુનિજી મહારાજના એલાન મુજબ ભારતના ધર્મ જગતના તમામ વડાઓ અને રાજકીય, સામાજિક આગેવાનો પણ આ કથામાં શ્રવણનો લાભ મેળવવાના છે. જ્યારે તેમાંથી નિસ્પંદન થતું તેમનું મનન ચિંતન હિન્દુ ધર્મ અને જૈન ધર્મના અર્ક તરીકે ગણાશે તેવું માનવામાં આવે છે.
પુ. મોરારિબાપુ એ અગાઉ પણ ગાંધી દર્શનને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં કથાનું આયોજન અને ગાન કર્યું છે પણ આ કથા હવે સૌ માટે એટલે મહત્વની છે કે સમગ્ર સનાતન હિંદુ ધર્મ ઉપર બાપુનું વાણી ચિંતન પ્રસ્ફુટીત થવાનું છે.
















