અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ઉતરાયણના ઉલ્લાસમાં કરુણાનું સચોટ ઉદાહરણ, સ્વાભિમાન ગ્રુપ છેલ્લા 14 વર્ષોથી નિર્દોષ પક્ષીઓના પ્રાણ બચાવી રહ્યું છે
અમદાવાદ શહેરમાં ઉતરાયણ પર્વ દરમિયાન આકાશ રંગબેરંગી પતંગોથી છલકાઈ જાય છે. પરંતુ આ ઉત્સવ સાથે એક કડવી હકીકત પણ જોડાયેલી છે.
પતંગ ઉડાડવામાં ઉપયોગમાં લેવાતા ચાઈનીઝ તથા નાયલોન માંઝાના કારણે દર વર્ષે મોટી સંખ્યામાં પક્ષીઓ ગંભીર રીતે ઘાયલ થાય છે. માંઝાથી કપાઈ જવાથી પક્ષીઓની ગળા, પાંખો અને શરીરના અન્ય ભાગોમાં ઊંડા ઘા પડે છે, જેના કારણે તેમનું ઉડવું અશક્ય બનતા જીવન જોખમમાં મુકાય છે.
આવા ઘાયલ અને અસહાય પક્ષીઓના જીવનની રક્ષા તથા તેમના સારવારના હેતુથી સ્વાભિમાન ગ્રુપ દ્વારા ઉતરાયણના અવસરે છેલ્લા 14 વર્ષથી તારીખ 14 તથા 15 જાન્યુઆરીએ વિશેષ પક્ષી સારવાર કેન્દ્રનું આયોજન સારવાર કેન્દ્ર કેફેકોફી ડે પાસે, આશ્રમ રોડ, વાડજ, ખાતે સ્થાપિત કરવામાં આવ્યું છે, જ્યાં ઘાયલ પક્ષીઓ માટે ત્વરિત, નિઃશુલ્ક અને સંવેદનશીલ સારવારની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે.
આ 14 વર્ષોની અવિરત સેવા દરમિયાન સંસ્થાએ માત્ર સેવાની એક મજબૂત પરંપરા જ સ્થાપિત કરી નથી, પરંતુ સૈંકડો ઘાયલ પક્ષીઓના પ્રાણ બચાવી તેમને ફરી જીવન આપ્યું છે.
આ સેવા કાર્યમાં આ ગ્રુપના 50થી વધુ પ્રશિક્ષિત અને સમર્પિત વોલન્ટિયર્સ દિવસ-રાત સેવા માટે તત્પર રહે છે. જેઓ ઘાયલ પક્ષીઓને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરીને સારવાર કેન્દ્ર સુધી પહોંચાડે છે.
આ સેવા અભિયાનમાં ગ્રુપના અધ્યક્ષ વિનોદભાઈ ચૌહાણ, મુખ્ય વોલન્ટિયર્સ તરીકે જગદીશ સોલંકી, નિલેશ ગલસર, સુનીલ સુજનાની, કાર્તિક શાહ, સંકેત મિસ્ત્રી, વિવેક ભોજક, જયેશ સોલંકી, પ્રવીણ ગોહિલ, પ્રકાશ ચૌહાણ, હેમંગ શાહ, જાસ્મિન પરમાર, નરેશ પટેલ, સહદેવ સિંહ સોંગરા, ચંચલ ચૌહાણ, હસમુખ પરમાર, અરવિંદ પડિયાર, ડૉ. પ્રતાપ રાય અને મોહનભાઈ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.
















