રિપોર્ટ અનુજ ઠાકર.
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી નવા વિષયો, સંવેદનશીલ વાર્તાઓ અને ટેક્નિકલી મજબૂત રજૂઆત સાથે સતત આગળ વધી રહી છે. વર્ષ 2026ની શરૂઆતમાં જ વિવિધ શૈલીની ફિલ્મો દર્શકો માટે તૈયાર છે. આવી જ એક લાગણીસભર અને જીવનને સ્પર્શતી ફિલ્મ છે ‘ચૌરંગી’, જે આગામી 30 જાન્યુઆરીથી થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં લોન્ચ કરવામાં આવ્યું છે, જેને જોઈને ફિલ્મ પ્રત્યે દર્શકોની ઉત્સુકતા અનેકગણી વધી ગઈ છે.
ટ્રેલરમાં જીવનના વિવિધ ભાવનાત્મક પડાવોને સુંદર રીતે રજૂ કરવામાં આવ્યા છે. હાસ્ય, પ્રેમ, સંઘર્ષ, વેદના અને સંબંધોની નાજુકતા—આ તમામ તત્વો ટ્રેલરમાં અસરકારક રીતે ગુંથાયેલા જોવા મળે છે. ટ્રેલર શરૂઆતથી જ દર્શકને કનેક્ટ કરે છે અને અંત સુધી રસ જાળવી રાખે છે. ખાસ કરીને પાત્રોની લાગણીઓ અને સંવાદો ફિલ્મની વાર્તા વિશે સકારાત્મક સંકેત આપે છે.
ટ્રેલર લોન્ચ પહેલા જ ફિલ્મનું ગીત ‘જબ્બર પ્રેમ’ સોશિયલ મીડિયા પર ભારે લોકપ્રિય બન્યું હતું. આ ગીત ખાસ એટલા માટે ચર્ચામાં છે કારણ કે તે પ્રથમ ગુજરાતી સિંગલ ટેક સોંગ છે. જાણીતા ગાયક કમલેશ બારોટના અવાજે આ ગીતને અલગ ઊંચાઈ આપી છે. તિલકવાડા ખાતે થયેલા ગીતના લોન્ચ દરમિયાન લોકોએ સ્ટારકાસ્ટ સાથે દિલ ખોલીને ડાન્સ કર્યો હતો, જે વીડિયોઝ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.
ફનકાર અને દિવ્યતક્ષના બેનર હેઠળ બનેલી ફિલ્મ ‘ચૌરંગી’નું દિગ્દર્શન વિનોદ પરમારએ કર્યું છે, જ્યારે ફિલ્મનું લેખન વિનોદ પરમાર અને આસિફ અજમેરી દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મ માત્ર મનોરંજન પૂરતી સીમિત નથી, પરંતુ જીવનની વાસ્તવિક લાગણીઓ, સંબંધોની ઊંડાણ અને પ્રેમના વિવિધ સ્વરૂપોને સ્પર્શવાનો પ્રયાસ કરે છે—એવો ભાવ ટ્રેલરમાંથી સ્પષ્ટ થાય છે.
‘ચૌરંગી’ શબ્દનો અર્થ છે ચાર રંગો, અને ફિલ્મ પણ જીવનના આવા જ અલગ-અલગ રંગોને રજૂ કરે છે. ક્યારેક હસાવતી, ક્યારેક વિચારમાં મૂકી દેતી અને ક્યારેક ભાવુક બનાવી દેતી આ ફિલ્મ પરિવાર સાથે જોવા જેવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
ફિલ્મની સ્ટારકાસ્ટ પણ મજબૂત છે. તેમાં સંજય ગોરડિયા, દિક્ષા જોશી, સોનાલી લેલે, સોહની ભટ્ટ, નિજાલ મોદી, પ્રિયંકા પટેલ, વૈભવ બેનિવાલ, મકરંદ શુક્લ સહિતના જાણીતા કલાકારો મહત્વપૂર્ણ ભૂમિકામાં નજર આવશે. ટ્રેલરમાં દરેક પાત્રની ઝલક ફિલ્મની વાર્તામાં તેમના મહત્વને દર્શાવે છે.
ટ્રેલર અને ‘જબ્બર પ્રેમ’ ગીતને મળતા પ્રતિસાદ પરથી એવું લાગી રહ્યું છે કે ‘ચૌરંગી’ માત્ર એક ફિલ્મ નહીં, પરંતુ લાગણીઓની સફર બનશે. હવે જોવાનું રહ્યું કે 30 જાન્યુઆરીથી થિયેટરોમાં રિલીઝ બાદ ‘ચૌરંગી’ દર્શકોના દિલમાં કેટલો ઊંડો રંગ ભરે છે.
















