રિપોર્ટ અનુજ ઠાકર.
ગુજરાતી ફિલ્મ જગત હવે માત્ર હાસ્ય અને લાગણીઓ સુધી સીમિત રહ્યું નથી. સમય સાથે તે નવા વિષયો, નવી ભાષા અને વધુ ઘેરા જૉનર તરફ આગળ વધી રહ્યું છે. ખાસ કરીને સસ્પેન્સ અને થ્રિલર ફિલ્મોએ હવે ગુજરાતી સિનેમામાં મજબૂત પગપેસારો કર્યો છે. વર્ષ 2026ની શરૂઆતમાં જ દર્શકોને રહસ્ય, રોમાંચ અને માનસિક ગૂંચવણથી ભરેલી ફિલ્મ ‘પાતકી’ના ટ્રેલર સાથે એક ઝાટકો મળ્યો છે.
સુખી જીવનમાં અચાનક લોહીયાળ વળાંક
શ્રદ્ધા ડાંગર અને ગૌરવ પાસવાલા અભિનીત ‘પાતકી’ એક ડાર્ક સસ્પેન્સ થ્રિલર છે, જે માનવ મનની ઊંડાઈઓમાં ઉતરે છે. ફિલ્મ એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઉભો કરે છે—
જો કોઈ ખરેખર દોષિત હોય, છતાં કાયદા સામે નિર્દોષ સાબિત થાય તો?
માનવ (ગૌરવ પાસવાલા) એક સફળ, જમીન સાથે જોડાયેલો કોર્પોરેટ પ્રોફેશનલ છે. પત્ની નિત્યા (શ્રદ્ધા ડાંગર) સાથે તેનું લગ્નજીવન ખુશહાલ છે. બહારથી બધું પરફેક્ટ લાગે છે, પરંતુ અચાનક એવી ઘટના બને છે કે માનવની આખી દુનિયા ઉથલપાથલ થઈ જાય છે. અપરાધભાવ અને આત્મશંકાના વમળમાં ફસાયેલો માનવ પોતે જ પોલીસ સમક્ષ શરણાગતિ સ્વીકારવા તૈયાર થાય છે, પરંતુ ત્યારબાદ વાર્તા એક પછી એક ચોંકાવનારા વળાંકો લે છે.
જ્યારે પુરાવાઓ માનવના નિવેદન સામે ઊભા થાય છે, ત્યારે સત્ય અને અસત્ય વચ્ચેની રેખા ધૂંધળી બની જાય છે. ‘પાતકી’ એ વિચાર પ્રેરિત કરે છે કે દરેક માણસમાં નિર્દોષતા અને દોષિતપણું—બન્ને સાથે જીવતા હોય છે.
દમદાર સ્ટારકાસ્ટ અને મજબૂત દિગ્દર્શન
ટ્રેલરમાં પ્રેમ, પીડા, અપરાધ, રહસ્ય અને માનસિક તાણને ખૂબ જ અસરકારક રીતે રજૂ કરવામાં આવ્યો છે. શ્રદ્ધા ડાંગર અને ગૌરવ પાસવાલા ઉપરાંત સુચિતા ત્રિવેદી, હિતેન તેજવાણી, ઉજ્જવલ દવે, કરણ જોશી (લાલો) અને આકાશ ઝાલા જેવી અનુભવી કલાકારમંડળી ફિલ્મને વધુ મજબૂતી આપે છે.
અભિનય દેશમુખના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મ ‘AMP Studio Productions’ હેઠળ નિર્મિત છે. દિવ્યેશ દોશી, આલાપ કિકાણી, નૃપલ પટેલ, આનંદ ખમર અને રાજુ રાયસિંઘાની ફિલ્મના પ્રોડ્યુસર છે.
કલાકારોની પ્રતિક્રિયા
ટ્રેલર લોન્ચ દરમિયાન શ્રદ્ધા ડાંગરે જણાવ્યું કે,
“આ ફિલ્મ મારી માટે ખૂબ જ ચેલેન્જિંગ છે. દર્શકો મને એકદમ નવા અવતારમાં જોશે.”
જ્યારે ગૌરવ પાસવાલાએ કહ્યું,
“‘પાતકી’ ગુજરાતી સિનેમામાં સસ્પેન્સને નવી ઊંચાઈ આપે છે. મારો પાત્ર પોતાની જ હકીકત સામે સંઘર્ષ કરી રહ્યો છે.”
30 જાન્યુઆરીએ થશે વર્લ્ડવાઇડ રિલીઝ
રહસ્ય, ડ્રામા અને થ્રિલથી ભરપૂર ‘પાતકી’ 30 જાન્યુઆરી, 2026ના રોજ સમગ્ર ગુજરાત સહિત મુંબઈ, દુબઈ, યુએસ, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને ગલ્ફ દેશોમાં પેનોરમા સ્ટુડિયો દ્વારા વર્લ્ડવાઇડ રિલીઝ થશે.
એક વાત ચોક્કસ છે—
‘પાતકી’ ગુજરાતી સિનેમામાં સસ્પેન્સ પ્રેમી દર્શકો માટે એક યાદગાર અનુભવ બની શકે છે.
















