દેવભૂમિ દ્વારકા, એબીએનએસ:
છેવાડાના નાગરિકો સુધી આરોગ્યની પાયાની સુવિધાઓ ઉપલબ્ધ થાય તેવા ઉમદા આશય સાથે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એઇમ્સ) તથા જિલ્લા વહીવટી તંત્રના સયુંકત ઉપક્રમે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેગા હેલ્થ કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવનાર છે. જેના પરિણામલક્ષી આયોજન સંદર્ભે જિલ્લા પંચાયત ખાતે બેઠક યોજાઈ હતી.
જિલ્લા પંચાયત દેવભૂમિ દ્વારકા ખાતે રાજ્યસભા સાંસદ અને એઇમ્સ ડિરેક્ટર કેસરીદેવસિંહ ઝાલાએ મેગા હેલ્થ કેમ્પ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, કહેવત છે ને કે, “પહેલું સુખ તે જાતે નર્યા” જો સ્વાસ્થ્ય સારું હશે તો અન્ય કાર્યો થઈ શકશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ તથા રાજ્ય હરણફાળ પ્રગતિ ભરી રહ્યો છે ત્યારે છેવાડાના માનવી સુધી પાયાની આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે કેન્દ્ર તથા રાજ્ય સરકાર સતત કાર્યશીલ છે. જેના પરિણામ સ્વરૂપ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એઇમ્સ) તથા જિલ્લા વહીવટી તંત્રના સયુંકત ઉપક્રમે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેગા હેલ્થ કેમ્પ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એઇમ્સ રાજકોટના વિવિધ અંદાજિત ૧૫ જેટલા વિભાગના તજજ્ઞો દ્વારા આરોગ્યલક્ષી સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉપરાંત, સારવારની સાથે આવશ્યક દવાઓ પણ નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવશે. આગામી તા.૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ સવારે ૮.૩૦ કલાકથી જનરલ હોસ્પિટલ, ખંભાળિયા ખાતે યોજાનાર કેમ્પમાં જિલ્લામાંથી બહોળી સંખ્યામાં નાગરિકો જોડાઈને સદર હેલ્થ કેમ્પનો લાભ લેવા સૌને અનુરોધ કર્યો હતો.
આગામી સમયમાં આયોજિત મેગા હેલ્થ કેમ્પના સુચારૂ આયોજનના ભાગરૂપે યોજાયેલ બેઠકમાં સાંસદ પૂનમબેન માડમ, પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય મુળુભાઇ બેરા, જિલ્લા વિકાસ અધિકારી એ.બી.પાંડોર, અગ્રણી મયુરભાઈ ગઢવી સહિત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાના સદસ્યો, પદાધિકારીઓ, સ્વૈચ્છિક સંસ્થાના સભ્યો, રેડક્રોસ અને લાયન્સ ક્લબના પ્રમુખો સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
















