આરોગ્યમંત્રીએ ડિઝાસ્ટર કંટ્રોલરૂમની મુલાકાત લઇ વરસાદી સ્થિતિની સમીક્ષા કરી
સુરક્ષિત સ્થળેથી બિનજરૂરી બહાર ન નીકળવા, ખાડી કે નદી કિનારે પાણી જોવા ન જવા અને સોશિયલ મીડિયાની અફવાઓથી દૂર રહેવા આરોગ્ય મંત્રીની આમ નાગરિકોને અપીલ
NDRF, SDRFની ટીમો સ્ટેન્ડબાય: મહાનગરપાલિકા, કલેક્ટર કચેરી, પ્રાંત અને ઝોન ઓફિસો તથા તલાટી-મંત્રીઓ રાઉન્ડ ધ ક્લોક એલર્ટ: આરોગ્ય રાજ્યમંત્રી
ટેક્સટાઇલ, ડાયમંડ યુનિટ્સ અને ફેક્ટરીઓમાં રજા રાખવા સૂચના; સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાંથી નાગરિકોનું સ્થળાંતર શરૂ
:સુરત:શુક્રવાર: સુરત જિલ્લા સહિત આસપાસના વિસ્તારોમાં હવામાન વિભાગની ‘રેડ એલર્ટ’ની આગાહીને પગલે રાજ્ય સરકાર અને જિલ્લા પ્રશાસન એલર્ટ છે, ત્યારે આરોગ્ય રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ આજે સુરત જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલરૂમની મુલાકાત લીધી હતી અને વરસાદી સ્થિતિની સમીક્ષા કરી હતી. જિલ્લા કલેક્ટરશ્રી તેજસ પરમારે મંત્રીશ્રીને વરસાદી સ્થિતિ, રાહત અને બચાવ કાર્યના મોનિટરીંગ અને ડિઝાસ્ટર કંટ્રોલરૂમની કામગીરીથી વાકેફ કર્યા હતા.
મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, ભારે પવન અને વરસાદના રેડ એલર્ટને પગલે રાજ્ય સરકાર અને સ્થાનિક પ્રશાસન દ્વારા આગોતરી તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સુરત ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ રૂમ પરથી તંત્ર દ્વારા રાઉન્ડ ધ ક્લોક મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
શ્રી પાનશેરીયાએ નાગરિકોને સંપૂર્ણ સતર્ક રહેવા અને સાવચેતી રાખવા અપીલ કરતા ઉમેર્યું કે, પવનની ગતિ પ્રતિ કલાકે ૩૦ કિલોમીટરની રહેવાની સાથે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આ પરિસ્થિતિમાં દરેક નાગરિકની સુરક્ષા એ સરકારની પ્રાથમિકતા છે. તેમણે તમામ નાગરિકોને આગામી ૨૪ કલાક સુધી ઘર કે સુરક્ષિત સ્થળેથી બિનજરૂરી બહાર ન નીકળવા અને ખાડી કે નદી કિનારે પાણી જોવા જેવી જોખમી પ્રવૃત્તિઓથી દૂર રહેવા ભારપૂર્વક જણાવ્યું હતું.
નાગરિકોની સુરક્ષાને ધ્યાને રાખીને સુરત કલેક્ટરશ્રી દ્વારા તમામ ટેક્સટાઇલ, ડાયમંડ ફેક્ટરીઓ અને ઉદ્યોગોના એસોસિએશન્સને રજા રાખવા સૂચના આપવામાં આવી છે. ગયા વખતે જે વિસ્તારોમાં પાણી ભરાયા હતા, ત્યાંથી અને વેલંજા સહિતના નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. નાગરિકોએ પોતાની પાસે ૨૪ કલાક માટે પીવાનું પાણી અને દૂધ જેવી જરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો રાખવા અનુરોધ છે.
NDRF, SDRFની ટીમો સ્ટેન્ડબાય: ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો રાહત અને બચાવ માટે સતત કાર્યરત
સુરત શહેર અને જિલ્લાના તમામ અધિકારીઓ તથા કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે. મહાનગરપાલિકા, જિલ્લા પ્રશાસન અને પોલીસ તંત્ર દ્વારા સઘન આયોજન કરાયું છે. રાહત અને બચાવ કામગીરી માટે NDRF, SDRFની ટીમો સ્ટેન્ડબાય છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો રાહત અને બચાવ માટે સતત કાર્યરત છે. ગ્રામ્ય સ્તરે તલાટી મંત્રીઓ, પ્રાંત ઓફિસો અને તમામ ઝોનલ ઓફિસો ગત રાત્રિ પણ શરૂ હતી અને આજે આખી રાત કાર્યરત રહેશે. સ્થાનિક લોકપ્રતિનિધિઓ, ધારાસભ્યો અને કોર્પોરેટરો પણ સતત સંબંધિત વિસ્તારોનું મોનિટરિંગ કરી રહ્યા છે એમ શ્રી પાનશેરિયાએ કહ્યું હતું.
અફવાઓથી દૂર રહેવા અને અધિકૃત માહિતી જ માનવા આરોગ્યમંત્રીનો અનુરોધ: સોશિયલ મીડિયા પર ખોટી અફવાઓ ફેલાવનારા તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે
સોશિયલ મીડિયા પર વહેતી થતી અફવાઓ અંગે મંત્રીશ્રીએ સ્પષ્ટતા કરી હતી કે, નાગરિકોએ અફવા, કોઈપણ બિનઅધિકૃત કે ખોટી માહિતી પર વિશ્વાસ કરવો નહીં. મીડિયાના માધ્યમથી કલેક્ટર કચેરી દ્વારા દર કલાકે આપવામાં આવતી સત્તાવાર સૂચનાઓને જ ધ્યાને લેવી. રાખવી. સોશિયલ મીડિયા પર ખોટી અફવાઓ ફેલાવનારા તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.















