ભાવનગર જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ઉસરડના પીપળીયા સબ સેન્ટરના ફિમેલ હેલ્થ વર્કર હંસાબેન પરમાર ખરેખર એક કોરોના યોદ્ધા
૦૦૦૦૦૦
સગર્ભા અવસ્થામાં પણ દિવસ-રાત કોરોના દર્દીઓની હેડક્વાર્ટર પર રહી સતત સારવાર કરી
૦૦૦૦૦૦
પોતે સગર્ભા હોવા છતાં પોતાના બાળક કે પોતાના જીવની પરવા કર્યા વગર નિષ્ઠાપૂર્વક સતત કામગીરી કરી
૦૦૦૦૦૦
ભાવનગર જિલ્લાનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ઉસરડમાં સબ સેન્ટર, પીપળીયા ખાતે હંસાબેન પરમાર ફિમેલ હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવે છે.
કોરોનાની બીજી લહેરનાં એપ્રિલ માસથી શરૂ થયેલ આ લહેરમાં રાજ્યભરમાં કોરોનાના કેસમાં ખૂબ મોટો વધારો થયો હતો. આ અંતર્ગત ભાવનગર જિલ્લામાં અને ખાસ કરીને શિહોર તાલુકામાં કોરોના કિસ્સાઓમાં ખૂબ મોટો વધારો થયો હતો. તેમાં પીપળીયા ગામમાં ૨૨ જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓ જોવાં મળ્યાં હતાં.
શ્રીમતી હંસાબેન પરમાર દ્વારા આ દરમિયાન કોરોના ભય પર વચ્ચે પણ સતત સેમ્પલો લેવડાવવા તેમજ પોઝિટિવ દર્દીઓ આવે તરત જ તે પરિવાર, વિસ્તારનું સઘન સર્વેલન્સ અને દર્દીની સતત દેખરેખ રાખવામાં પ્રવૃત્ત રહ્યાં હતાં.
જે સમયે હંસાબેન પરમાર ૬ માસ સગર્ભા હોવાં છતાં કોઈપણ બહાનાબાજી કે કામચોરી કર્યા વગર સતત કાર્યરત રહ્યા હતાં.
આ રીતે સતત કોરોના દર્દીઓ વચ્ચે રહેવાથી તેમની તબિયત બગડતાં તા.૧૬-૪-૨૦૨૧ ના રોજ આર.ટી.ડી. રિપોર્ટ કરાવતા તે પોઝિટિવ આવ્યાં. ત્યારબાદ તા.૨૨-૪-૨૦૨૧ સુધી ભાવનગર સારવાર તાલુકા હેલ્થ ઓફિસર ડો.જયેશભાઇ વાંકાણીએ સૂચવેલ સારવાર લીધી હતી.
છતાં તેને સારવાર દરમ્યાન શ્વાસની તકલીફ લાગતાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર આવેલ ત્યાં ડો.યાદવ, ડો.રૂબીના દ્વારા સારવાર કરવા છતાં તબિયતમાં સુધારો નહીં જણાતા તેમને સર ટી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.
જ્યાં બે દિવસ ઓક્સિજન પર રાખવામાં આવ્યા હતા પરંતુ તબિયત વધુ બગડતા તેમને આઈ.સી.યુ.માં દાખલ કરવામાં આવ્યાં હતાં. ખૂબ જ ગંભીર આ પરિસ્થિતિમાં તેમને ઓક્સિજન પર રાખવામાં આવ્યાં હતાં.
તેઓ કહે છે કે, આ પરિસ્થિતિમાં તેમની આજુબાજુના બેડામાં દરરોજ મૃત્યુ થતાં હતાં. માહોલ બહુ ગંભીર હતો. પરંતુ ટકી જવાની જીજીવિષા મનમાં હતી. તેથી કોઈપણ પરિસ્થિતિમાં મક્કમ રહેવું છે તેવું મન બનાવી કોરોનાનો મુકાબલો કરતાં રહ્યાં.
આ અવસ્થામાં તાલુકા હેલ્થ સુપરવાઈઝર અનિલભાઈ પંડિત, હસુમતીબેન ગોહિલ દ્વારા દરરોજ સવાર-સાંજ તેને પ્રોત્સાહિત કરાતા હતાં કે, ટૂંક સમયમાં આપ સાજા થઈ જશો.
કોરોના પોઝિટિવ બન્યાં ત્યારથી મેડિકલ ઓફિસર, તાલુકા હેલ્થ ઓફિસર, તાલુકા હેલ્થ સુપરવાઇઝરની રીફર સુધીની સતત મદદ અને આઈ.સી.યુ.માં જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એન.સી.વેકરીયા, ડો.તાવીયાડ નું સતત મોનીટરીંગ, સારવાર, સલાહ પરિણામ સ્વરૂપે ગંભીર અવસ્થામાંથી પાર ઉતર્યા. તમામ સ્ટાફનો સહયોગ અને ફિમેલ હેલ્થ વર્કર હંસાબેન પરમારનું દૃઢ મનોબળ, આત્મવિશ્વાસ સમયસરની સારવાર આશીર્વાદરૂપ નીવડી.
આમ, દ્રઢ મનોબળને કારણે ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાંથી તા.૧-૫-૨૦૨૧ ના રોજ સર ટી. હોસ્પિટલમાં તેમજ સબ સેન્ટરમાં મેડિકલ ઓફિસર ડો.દર્શન ઢેઢી ની સતત સેવા, સહયોગ, ફોલોઅપને કારણે તે અવસ્થામાંથી પણ બહાર આવ્યાં.
કોરોનામાંથી સાંગોપાંગ બહાર આવ્યાં બાદ તેઓએ તા.૨૨-૭-૨૦૨૧ ના રોજ સિહોર કષ્ટભંજન હોસ્પિટલોમાં તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો હતો.
હંસાબેન પરમાર કહે છે કે, કોરોના કાળમાં કોરોનાના દર્દીઓની કરેલી સેવાના બદલામાં મળેલા આશીર્વાદ મને કામમાં આવ્યા છે. લોકો માટે કરેલી તેની સેવા અને દુવા મને કામ લાગી અને તેઓના આશીર્વાદને કારણે હું તો કોરોનામાંથી બચી જ ગઈ છું પરંતુ મારી અંદર પાંગરી રહેલ બાળક પણ બચી ગયું છે, અને આજે અમે બંને તંદુરસ્ત છીએ.
આમ, કોરોના કાળમાં લોકોની ખરાં દિલથી સેવા કરવાથી માંડીને કોરોનાના ગંભીર ભરડામાં આવ્યાં પછી પણ પોતાના બાળક સાથે બચી જઈને હંસાબેન પરમાર અર્થમાં કોરોના યોદ્ધા સાબિત થયાં છે.