વડોદરા: વડોદરા જિલ્લાના પાદરા ખાતે યોજાયેલા અન્નોત્સવ દિવસના કાર્યક્રમમાં ઉપસ્થિત વાઘોડિયા મત વિસ્તારના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે વધુ એક વખત વિવાદીત નિવેદન કર્યુ હતુ. તેમણે પાદરાની પ્રજા નું સાચું અને સરકારી કામ જો કોઈ અધિકારી નહિ કરે તો ૧૪મુ રતન બતાવવાની ચીમકી આપી હતી. ગુજરાતી કહેવત ચૌદમું રતન દેખાડવું એટલે માર મારવો કે પ્રહાર કરવાનો અર્થ થાય છે. તો શું આ ધારાસભ્ય અધિકારીઓને માર મારવાની ધમકી આપી ફરી ધાક જમાવવા બેસે છે. હાલ તો ધારાસભ્યની ધમકીથી લોકો અને અધિકારી આલમમાં અનેક સવાલોએ જન્મ લીધો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, રાજ્યની રૂપાણી સરકારના 5 વર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે ચાલી રહેલી ઉજવણીના ભાગરૂપે ચાલી રહેલી ઉજવણીનો ત્રીજો દિવસ હતો. ત્રીજા દિવસને રાજ્યકક્ષાએ ‘અન્નોત્સવ દિવસ’ તરીકે ઉજવવામાં આવી રહ્યો હતો, ત્યારે વડોદરાના પાદરા તાલુકામાં પણ ગરીબ કલ્યાણ યોજના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
પાદરા ખાતે આયોજિત અન્નોત્સવ દિવસના કાર્યક્રમાં વાઘોડિયા તાલુકાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ખાસ ઉપસ્થિત હતા અને સંબોધન દરમિયાન મધુ શ્રીવાસ્તવની જીભ લપસી ગઈ હતી. મધુ શ્રીવાસ્તવે વિધાનસભા ચૂંટણીમાં ભાજપ તરફી મતદાન કરવા માટે કહ્યું હતું, આટલું જ નહી તેઓએ ધમકીના સ્વરમાં કહ્યું હતું કે, જો અધિકારીઓ કામ ના કરે તો કહેજો, તેમને ચૌદમું રતન ના બતાડું તો મારું નામ મધુ શ્રીવાસ્તવ નહીં.
મધુ શ્રીવાસ્તવ અગાઉ પણ અનેક વખત વિવાદિત નિવેદનો આપી ચૂક્યા છે. અગાઉ સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન જનસભાને સંબોધવા દરમિયાન મધુ શ્રીવાસ્તવે એવો બફાટ કર્યો હતો કે, પોલીસ અને કલેક્ટરને તો હું મારા ખિસ્સામાં રાખુ છું. તેમના આ નિવેદન પર અનેક રાજકીય પાર્ટીઓએ વાંધો ઉઠાવ્યો હતો.